13 સપ્ટેમ્બર : ક્રાંતિવીર જતિંન્દ્રનાથ દાસનો 'બલિદાન દિવસ', જાણો તેમની આઝાદી માટેની અજ્ઞાત કુરબાની વિશે
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર 2019, શુક્રવાર
ભારત દેશની આઝાદીમાં જેટલો મોટો હાથ જ્ઞાત ક્રાંતિકારી અને લડવૈયાઓનો છે તેટલો જ મોટો ફાળો કેટલાક અજ્ઞાત વીર બલિદાનીઓનો પણ છે. આવા જ અજ્ઞાત ક્રાંતિવીરમાંથી એક છે જતીન્દ્રનાથ દાસ. તેમણે અંગ્રેજોની સરકારને એકવાર નહીં અનેકવાર હચમચાવી દીધી હતી. 13 સપ્ટેમ્બર 1929ના રોજ આ વીર સપૂત અમર થયા અને ત્યારથી 13 સપ્ટેમ્બરને બલિદાન દિવસ તરીકે પણ ઉજવાય છે.
તેમનો જન્મ 27 ઓક્ટોબર 1904ના રોજ કોલકતામાં એક સાધારણ બંગાળી પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ બંકિમ બિહારી દાસ હતું અને તેમની માતાનું નામ સુહાસિની દેવી હતું. જતીન્દ્રનાથ દાસ જ્યારે 9 વર્ષના હતા ત્યારે જ તેમની માતાનું મૃત્યું થઈ ગયું હતું. તેમને જતિન દાસ નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ એક મહાન ભારતીય અને સ્વતંત્રતા સેનાની હતા. લાહૌર જેલમાં તેમણે 63 દિવસ સુધી ભૂખ હડતાલ કરી હતી. જ્યારે તેમનું નિધન થયું ત્યારે ભારતભરમાં જાણે ભૂકંપ મચી ગયો. સ્વતંત્રતા મળે તે પહેલા અનશનથી શહીદ થનાર એકમાત્ર વ્યક્તિ જતિન દાસ હતા.
જતિન દાસના દેશ પ્રેમની કોઈ વ્યાખ્યા આપી ન શકાય. તેઓ દેશની આઝાદી માટે બંગાળમાં એક ક્રાંતિકારી સંગઠન અનુશીલન સમિતિ સાથે જોડાયા હતા. જતીન્દ્રનાથ દાસએ 1921માં ગાંધીજીના અસહયોગ આંદોલનમાં પણ ભાગ લીધો હતો. નવેમ્બર 1925માં કોલકત્તામાં વિદ્યાસાગર કોલેજમાં બી.એ.નો અભ્યાસ કરતા જતિન દાસની રાજનીતિક ગતિવિધિઓ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ તેમને મિમેનસિંહ સેન્ટ્રલ જેલમાં કેદ કરવામાં આવ્યા.
અહીં તેમણે રાજનીતિક કેદીઓ સાથે થતો દુર્વ્યવહાર જોયો અને તેના વિરોધમાં ભૂખ હડતાલ શરૂ કરી. 20 દિવસ બાદ તેમની સામે જેલ અધીક્ષક ઝુક્યા અને માફી માંગી ત્યારે તેમણે અનશનનો અંત કર્યો. આ ઘટના બાદ દેશમાં અલગ અલગ જગ્યાએ આઝાદી માટે લડત લડતા ક્રાંતિકારીઓએ તેમનો સંપર્ક કર્યો તો શરૂઆતમાં તેમણે કોઈપણ સાથે જોડાવાની ના કહી. પરંતુ ત્યારબાદ જ્યારે સરદાર ભગત સિંહએ તેમને સમજાવ્યા તો તેમના સંગઠન માટે બોમ્બ બનાવવા અને ક્રાંતિકારી આંદોલનમાં ભાગ લેવા તે સહમત થયા.
14 જૂન 1929ના રોજ તેમને ક્રાંતિકારી ગતિવિધિઓ માટે ફરી પકડી લેવામાં આવ્યા. તેમની ધરપકડ લાહોર ષડયંત્ર કેસ અંતર્ગત કરી તેમને લાહોરની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. લાહોર જેલમાં જતિન દાસએ અન્ય ક્રાંતિકારી સેનાનિયો સાથે ભૂખ હડતાલ શરૂ કરી દીધી. ભારતીય કેદીઓ અને વિચારાધીન કેદીઓ માટે સમાનતાની માંગ સાથે તેમણે અનશન શરૂ કર્યું. ભારતીય કેદીઓ માટે ત્યાં સ્થિતિ દુખદાયી હતી. જેલ પ્રશાસન દ્વારા ઉપલબ્ધ યૂનિફોર્મ દિવસો સુધી ધોવામાં ન આવતા, જીવજંતુ, ઉંદર ફરતા હોય તેવી જગ્યાએ તેમની રસોઈ બનતી. વાંચન માટે કોઈ સામગ્રી ન મળતી. જ્યારે અંગ્રેજી કેદીઓને તમામ સુવિધાઓ મળતી. આ ભેદભાવનો તેમણે વિરોધ કર્યો.
જેલમાં શરૂ થયેલી જતિન દાસ અને તેમના સાથીઓની ભૂખ હડતાલ અવૈધ નજરબંધીઓ વિરુદ્ધ પ્રતિરોધમાં એક મહત્વપૂર્ણ પગલું બની. આ અનશન યાદગાર બની ગયું. ભૂખ હડતાલ 13 જુલાઈ 1929 ના રોજ શરૂ થઈ અને 63 દિવસ સુધી ચાલી. આ દિવસો દરમિયાન જેલ અધિકારીઓએ બળજબરીપૂર્વક જતિન દાન અને તેના સ્વતંત્રતા સેનાનીઓની ભૂખ હડતાલ તોડવાના અનેક ક્રૂર પ્રયત્નો કર્યા. તેમને ઢોર માર મારવામાં આવ્યો. ભૂખ હડતાલ તોડવાના અધિકારીઓના દરેક પ્રયત્ન નિષ્ફળ રહ્યા તો તેમણે તેમને પીવાના પાણી સિવાય કોઈ વસ્તુ ન આપી. જતિન દાસ 63 દિવસથી અનશન પર હતા અને ઉપરથી અધિકારીઓના બળજબરીપૂર્વકના વર્તનથી તેમની હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી.
જો કે અંગ્રેજ અધિકારીઓના પ્રયત્ન ત્યાં ન અટક્યા અને તેમણે એક ષડયંત્ર રચી, પાગલખાનાના ડોક્ટરને બોલાવી જતિન દાસની નસોમાં એવી દવા નાંખી તે ધીરે ધીરે મૃત્યુ તરફ ધકેલાવા લાગ્યા. અંગ્રેજોનું આ ષડયંત્ર સફળ રહ્યું અને તેના કારણે 13 સપ્ટેમ્બર 1929ના રોજ જતિન દાસ અમર થઈ ગયા. જો કે મૃત્યુ સુધી તેમની ભૂખ હડતાલ અતુટ રહી હતી.
તેમના પાર્થિવ દેહને રેલ્વે વડે લાહોરથી કોલકત્તા લાવવામાં આવ્યો. અહીં હજારો લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને મોટી ભીડ સ્ટેશન પર ઉમટી પડી હતી. તેમના અંતિમ સંસ્કાર સમયે કોલકત્તામાં બે મીલ લાંબી લોકોની ભીડ જોવા મળી હતી. લોકો તેમના પાર્થિવ શરીર સાથે સ્મશાન સુધી પહોંચ્યા અને જતિન દાસ અમર રહો, ઈંકલાબ ઝિંદાબાદના નાર લાગ્યા હતા. આજે જતિન દાસની 116મી જયંતી પર જાણો તેમના જીવન વિશેની કેટલીક અજાણી વાતો.
1. 16 વર્ષની ઉંમરે 1920માં જતીન્દ્રે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. તેઓ પોતાનો આગળનો અભ્યાસ પૂરો કરી રહ્યા હતા ત્યારે જ મહાત્મા ગાંધીએ અસહયોગ આંદોલનની શરુઆત કરી. જતીન્દ્ર આ આંદોલનમાં જોડાયા અને વિદેશી કાપડની દુકાન પર આંદોલન કરતી વખતે તેમની ધરપકડ કરી લેવાઈ આ સમયે તેમને 6 માસની સજા થઈ હતી.
2. વર્ષ 1928માં ‘કોલકતા કોંગ્રેસ’માં જતીન્દ્ર ‘કોંગ્રેસ સેવાદળ’માં નેતાજી બોઝના સહાયક હતા. અહીં તેમની મુલાકાત ભગત સિંહ સાથે થઈ અને ભગત સિંહના કહેવા પર તેઓ બોમ્બ બનાવવા માટે આગ્રા ગયા. 8 એપ્રિલ 1929ના રોજ ભગત સિંહ અને બટુકેશ્વર દત્તે જે બોમ્બ કેન્દ્રીય એસેમ્બલીમાં ફેંક્યા તે જતીન્દ્ર દ્વારા જ બનાવાયેલા હતા. ત્યારબાદ 14 જૂન 1929ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી.
3. જતીન્દ્રની આ અહિંસાત્મક શહીદી વિશે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુએ પણ પોતાની આત્મકથામાં ઉલ્લેખ કર્યો છે.
4. જતીન્દ્રની શહીદીના 50માં વર્ષે ભારત સરકારના પોસ્ટ વિભાગે તેમની શહીદીની યાદમાં એક પોસ્ટલ ટિકિટ બહાર પાડી હતી.