India

મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી

By GS TEAM
10 May 20263 mins read
મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી

- તમિલનાડુમાં ટીવીકેની આગેવાનીમાં ગઠબંધનવાળી સરકારનો આરંભ

- એક સામાન્ય પરિવારમાંથી આવું છું, ગરીબી અને ભુખને સારી રીતે ઓળખું છું, હું તમારા જેવો જ એક નાગરિક : વિજય

- મધર ડેના દિવસે પુત્ર વિજયને શપથ લેતા જોઇને માતા ભાવુક થયા, પિતાની આંખોમાં પણ આંસુ આવ્યા

- રાહુલ ગાંધીની હાજરીમાં શપથ લીધા બાદ વિજયે શુભેચ્છા બદલ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો

ચેન્નાઇ: તમિલનાડુમાં સી. જોસેફ વિજયે મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કરી લેતા રાજ્યમાં ટીવીકે, કોંગ્રેસ અને ડાબેરીઓની ગઠબંધનવાળી સરકારનો કાર્યકાળ શરૂ થઇ ગયો છે. વિજયે મુખ્યમંત્રી બનતા જ પોતાના વચનો પુરા કરવાનું શરૂ કરી દીધુ છે અને વીજળીને લઇને બે મોટા નિર્ણય લીધા છે. વિજયે મુખ્યમંત્રીની ખુરશી પર બેસતા જ તમિલનાડુમાં 200 યુનિટ વીજળી ફ્રી કરી આપી છે. વિજય પોતે એક પ્રખ્યાત અભિનેતા રહ્યા હોવાથી શપથગ્રહણ સમારોહમાં ફિલ્મ જગતના અનેક કલાકારો પણ હાજર રહ્યા હતા.   

તમિલનાડુના ચેન્નાઇમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં વિજયે શપથ ગ્રહણ કર્યા હતા. ૧૦મી મેએ મધર ડેના રોજ વિજયને શપથ લેતા જોઇને તેના માતા પિતા બન્ને ભાવુક થઇ ગયા હતા અને આંખોમાંથી આંસુ આવી ગયા હતા. શપથ ગ્રહણ સમારોહમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સાથી પક્ષોના અન્ય ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ કર્યા બાદ મુખ્યમંત્રી તરીકે પોતાના પ્રથમ સંબોધનમાં વિજયે કહ્યું હતું કે હું કોઇ રજવાડુ ધરાવતા પરિવારમાંથી નથી આવતો, મારો જન્મ એક સામાન્ય અસિસ્ટન્ટ ફિલ્મ ડાયરેક્ટરને ત્યાં થયો હતો. હું ભુખ અને ગરીબીથી સારી રીતે અવગત છું. હું તમારામાંથી જ એક સામાન્ય નાગરિક છું, હું તમારા જેવો જ છું. 

વિજયે પોતાનું ભાષણ શરૂ કર્યું તેના તે અગાઉ ૨૦૦ યુનિટ વીજળી મફત, મહિલા સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ, ડ્રગ્સની રોકથામ માટે ટાસ્ક આમ ત્રણ આદેશ પર સહી કરી હતી. જે બાદ તેણે કહ્યું હતું કે સાચો, સામાજિક ન્યાય અને બિનસાંપ્રદાયિકતાનો યુગ શરૂ થયો છે, તમિલ ભાષામાં વિજયે પોતાનું ભાષણ શરૂ કર્યું હતું. વિજયે પોતાના સાથી પક્ષ કોંગ્રેસ, ડાબેરીઓ અને અન્ય નેતાના વખાણ કર્યા હતા અને રાહુલ ગાંધીને ભાઇ કહ્યા હતા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કર્યો હતો. વિજયે શપથ લેવાનું શરૂ કર્યું તે સાથે જ શપથ ભાષણ આપી રહ્યા હોય તેમ જુસ્સાથી શપથ લઇ રહ્યા હતા, જેને પગલે અચાનક જ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથે વિજયને અટકાવ્યા હતા અને મૂળ જે શપથ છે તેમાંથી બહાર નહીં જવાની સલાહ આપી હતી. તેથી બાદમાં વિજયે સ્પષ્ટતા માગીને સ્ક્રિપ્ટ મુજબ જ શપથ લીધા હતા. વિજયના પક્ષ ટીવીકે, કોંગ્રેસ, સીપીઆઇ, સીપીઆઇ(એમ) અને આઇયુએમએલ દ્વારા મળીને ૧૨૦ બેઠકો થઇ જતા તમિલનાડુને આખરે નવી સરકાર મળી ગઇ છે.

તમિલનાડુની નવી સરકારમાં કુલ નવ મંત્રીઓનો સમાવેશ કરાયો છે જેમાં ડો. કે. જી. અરુણરાજ ગ્રેજ્યુએટ છે, તેમની પાસે ૧૨ કરોડની સંપત્તિ છે. પી. વેંકટરમણ પોસ્ટ ગ્રેજ્યુએટ અને વ્યવસાયે વકીલ છે. આર. નિર્મલ કુમાર પણ પોસ્ટ ગ્રેજ્યુએટ છે, એસસી બેઠક પરથી વિજય થનારા રાજમોહન મીડિયામાં જાણીતા છે, તેઓ ગ્રેજ્યુએટ પાસ છે, ડો. પ્રભુ ટી. કે. પોસ્ટ ગ્રેજ્યુએટ છે, મંત્રીમંડળમાં સામેલ અન્ય એક ચર્ચીત ચેહરો એસ. કીર્તનાનો છે, કીર્તના એક માત્ર મહિલા મંત્રી છે જેની ઉંમર માત્ર ૨૯ વર્ષની છે. પોસ્ટ ગ્રેજ્યુએટ કીર્તના રાજકીય સલાહકાર રહી ચુકી છે. વિજયની આ ટીમ હવે તમિલનાડુની સરકાર ચલાવવા માટે તૈયાર થઇ ગઇ છે.