નવી દિલ્હી,
તા. ૧૨
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં મતદાર યાદીમાં
સંશોધનનું કાર્ય ચાલી રહ્યું છે. આ દરમિયાન જમ્મુ જિલ્લા વહીવટી તંત્રની તરફથી એક
નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર જમ્મુમાં એક વર્ષથી વધુ સમય રહેલા
લોકો માટે મતદાર યાદીમાં નામ દાખલ કરાવવાનું કાર્ય સરળ થઇ ગયું છે.
જમ્મુના ડેપ્યુટી કમિશનરની તરફથી જારી કરવામાં આવેલા
આદેશમાં મહેસૂલ અધિકારીઓને રહેઠાણ પ્રમાણપત્ર જારી કરવાની સત્તા આપવામાં આવી છે.
પ્રમાણપત્ર જારી કરવાનો ઉદ્દેશ એ લોકોને
મતદાર યાદીમાં સામેલ કરવાનો છે. આ લોકો મતદાર યાદીમાં રજિસ્ટ્રેશન કરાવવામાં
મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.
આદેશમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કમિશનરે એ દસ્તાવેજોની
યાદી જાહેર કરી છે જેને રહેઠાણના પુરાવા તરીકે માન્ય રાખવામાં આવશે. આ
દસ્તાવેજોમાં પાણી/વીજળી/ગેસનું બિલ,
આધાર કાર્ડ, બેંક
અથવા પોસ્ટ ઓફિસની પાસબુક,
પાસપોર્ટ,રજિસ્ટર્ડ
જમીનના પુરાવા સહિતના દસ્તાવેજોને સામેલ કરવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં હાલમાં મતદાર યાદીમાં સુધારા અને વધારાનું
કાર્ય ચાલી રહ્યું છે. જે ૨૫ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.ચૂંટણી કમિશનરે મતદાર યાદીની
પ્રગતિની સમીક્ષા કરીને તેમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે.
લોકોને મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે પ્રોત્સાહિત અને
જાગૃત કરવા માટેના વિવિધ કાર્યક્રમો હાથ ધરવાના પણ નિર્દેશ આપ્યા છે.


