For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

૧૫ ઓગસ્ટ પહેલાં કાશ્મીરમાં આતંકીઓ બેફામ : સૈન્ય હાઈએલર્ટ

બારામુલ્લામાં ગ્રેનેડ હુમલો, જવાન સહિત ત્રણ ઘાયલ

રાજોરીમાં બીજેપી નેતાના ઘરે ગ્રેનેડથી હુમલો, ત્રણ વર્ષના બાળકનું મોત, સાત લોકો ઈજાગ્રસ્ત

Updated: Aug 13th, 2021

 
Article Content Image

(પીટીઆઈ) શ્રીનગર, તા. ૧૩
દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાની તૈયારી શરૃ થઈ ગઈ છે. ૧૫મી ઓગસ્ટે દેશભરમાં સ્વાતંત્ર્ય દિવસ ઉજવાશે. તે પહેલાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ બેફામ થયા છે. કાશ્મીરમાં ઠેર-ઠેર હુમલાં શરૃ થયા છે અને મોટાં હુમલાના ષડયંત્રોનો પર્દાફાશ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સૈન્યને હાઈએલર્ટ કરાયું છે.
જમ્મુ-કાશ્મીરમાં ઠેર-ઠેર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ બેફામ થયા છે. રાજોરીમાં ભાજપના નેતાના ઘર ઉપર ગ્રેનેડ હુમલો થયો હતો, જેમાં પરિવારના તમામ સાત સભ્યોને ઈજા પહોંચી હતી. એમાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સાત વર્ષના બાળકનું મોત થયું હતું. એ પછી સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે રાજોરીમાં ભાજપના નેતા જસબીર સિંહના ઘર ઉપર ત્રણ-ત્રણ ગ્રેનેડ ફેંકાયા હતા. એમાં પરિવારના બધા જ સભ્યો ઘવાયા હતા. આ ઘટના પછી આખા વિસ્તારમાં સુરક્ષા ગોઠવવામાં આવી હતી.
એવો જ બીજો ગ્રેનેડ હુમલો બારામુલ્લા જિલ્લામાં થયો હતો. સીઆરપીએફના જવાનોને નિશાન બનાવીને આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. એમાં સીઆરપીએફના એક જવાનને ઈજા થઈ હતી. તે સિવાય બે નાગરિકો પણ ઘાયલ થયા હતા.
કુલગામમાં એક આતંકવાદીનું એન્કાઉન્ટર થયું હતું. આ પાકિસ્તાની આતંકવાદી જમ્મુ-કાશ્મીર હાઈવે પર મોટાં હુમલાની ફિરાકમાં હતો. ઉસ્માન નામનો આ પાકિસ્તાની આતંકવાદી જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં છ માસથી સક્રિય થયો હોવાની બાતમી મળી હતી. પોલીસ તેને શોધતી હતી. હાઈ-વે પર મોટો હુમલો કરવાની ફિરાકમાં હોવાની માહિતી છેલ્લાં થોડાં દિવસથી મળતી હતી. બાતમીના આધારે પોલીસે આતંકવાદી છુપાયો હતો એ વિસ્તારને ઘેરી લીધો હતો. એ આતંકી ભાગી જાય તે પહેલાં જ સુરક્ષાદળોના જવાનોએ તેને ઠાર કરી દીધો હતો.
બીજા એક સર્ચ ઓપરેશન દરમિયાન પૂંચમાંથી વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે આ જથ્થો જપ્ત કરીને સુરક્ષાદળોએ આસપાસમાં આતંકવાદીઓને પકડી લેવાની તજવીજ હાથ ધરી છે. આતંકવાદીઓ પાસેથી મળેલા વિસ્ફોટકોના જથ્થાના આધારે એવું તારણ આપવામાં આવ્યું હતું કે મોટા હુમલાનું ષડયંત્ર ઘડાયું હતું.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ  ઠેર-ઠેર બંદોબસ્ત ગોઠવી દીધો છે. ૧૫મી ઓગસ્ટ નજીક આવી હોવાથી કાશ્મીરમાં ઠેર-ઠેર આતંકવાદીઓ બેફામ બન્યા છે. તમામ સંવેદનશીલ જિલ્લામાં સુરક્ષાદળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.


બીજેપી નેતાના ઘરે હુમલા પછી રાજોરીમાં સજ્જડ બંધ
ભાજપના નેતાના ઘરે આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો તે પછી રાજોરીમાં લોકોએ સજ્જડ બંધ પાળ્યો હતો. લોકોએ આતંકવાદના વિરોધમાં દેખાવો કર્યા હતા. ભાજપે આ ઘટનાની ટીકા કરી હતી. કાશ્મીરમાં ભાજપના કાર્યકરોએ રેલી કરીને ઘટના સામે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. કાશ્મીરમાં આ ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો હતો. લોકોએ પાકિસ્તાનની વિરૃદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં ભાજપના પ્રમુખ રવિન્દ્ર રૈનાએ આ આતંકવાદી હુમલા માટે પાકિસ્તાન જવાબદાર હોવાનું કહીને આવા હુમલાનો વિરોધ કરવાની લોકોને અપીલ કરી હતી.


બીજેપી નેતાના પરિવાર પર થયેલા હુમલાને કોંગ્રેસે વખોડયો
ભાજપના નેતાના પરિવાર પર થયેલા આતંકવાદી હુમલાને કોંગ્રેસે વખોડી કાઢ્યો હતો. રાજોરીમાં ભાજપના નેતાના ઘરે થયેલા ગ્રેનેડ હુમલાના સંદર્ભમાં કોંગ્રેસના કાશ્મીરના પ્રવક્તા રવીદર શર્માએ કહ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈમાં સૌએ સાથે આવવાની જરૃર છે. ભાજપના નેતાના પરિવારમાં ત્રણ વર્ષના બાળકનું મૃત્યુ તે બાબતે કોંગ્રેસે ઊંડા દુખની લાગણી વ્યક્ત કરી હતી.  ઘૂસણખોરીની શક્યતા વધી હોવાથી કોંગ્રેસે આખા વિસ્તારમાં વધારે સુરક્ષા આપવાની માગણી કરી હતી.

Gujarat