Get The App

જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના: 200 ફૂટ ઊંડી ખીણમાં સેનાનું વાહન ખાબક્યું, 10 જવાન શહીદ

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના: 200 ફૂટ ઊંડી ખીણમાં સેનાનું વાહન ખાબક્યું, 10 જવાન શહીદ 1 - image


Jammu and Kashmir Army Vehicle Falls into 200-ft Gorge : જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરુવારે એક અત્યંત દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ભારતીય સેનાનું એક વાહન ઊંડી ખીણમાં ખાબકતા ઓછામાં ઓછા 10 સૈનિકો શહીદ થઈ ગયા છે, જ્યારે 10 સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે.  

કેવી રીતે બની આ ગોઝારી ઘટના?

આ ભયાનક અકસ્માત ભદ્રવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ પર આવેલા ખન્ની ટોપ પાસે થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેનાનું બુલેટ-પ્રૂફ વાહન એક ઊંચાઈવાળી પોસ્ટ તરફ જઈ રહ્યું હતું, જેમાં 20 જવાનો સવાર હતા. ખન્ની ટોપ પાસે ડ્રાઇવરે વાહન પરથી સંતુલન ગુમાવી દેતા, ગાડી સીધી 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.


સેના-પોલીસ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી

દુર્ઘટનાની જાણ થતાં જ સેના અને સ્થાનિક પોલીસે તાત્કાલિક સંયુક્ત બચાવ અભિયાન શરુ કર્યું હતું. આ અકસ્માતમાં 10 સૈનિકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. તમામ ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને વધુ સારી સારવાર માટે ઉધમપુર મિલિટરી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રાજ્યપાલે દુઃખ વ્યક્ત કર્યું 

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ X પર એક પોસ્ટમાં કહ્યું, "ડોડામાં એક દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માતમાં આપણા 10 બહાદુર ભારતીય સેનાના સૈનિકોના જીવ ગુમાવવાથી ખૂબ દુઃખ થયું. આપણે આપણા બહાદુર સૈનિકોની ઉત્કૃષ્ટ સેવા અને સર્વોચ્ચ બલિદાનને હંમેશા યાદ રાખીશું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના." તેમણે વધુમાં કહ્યું, "આ ઊંડા દુઃખની ઘડીમાં, સમગ્ર રાષ્ટ્ર શોકગ્રસ્ત પરિવારો સાથે એકતા અને સમર્થનમાં ઊભો છે. 10 ઘાયલ સૈનિકોને હેલિકોપ્ટર દ્વારા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે." બધા ઘાયલ સૈનિકોને સારી સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા છે.