જૈશ-તોયબાના વડા મથકો નામશેષ
- બહાવલપુર અને મુરીદકે
- ભારતીય સેનાની અપૂર્વ સિદ્ધિ : પાક.માં 100 કિ.મી. દૂર સુધી હુમલા કર્યા
- આ બન્ને સ્થળોએ આતંકીઓ તૈયાર થતા હતા, રહેવા જમવા, વાંચવા, હથિયારોની તાલિમ સહિતની વૈભવી સુવિધાઓ અપાતી હતી
- ભારતના હુમલામાં આતંકીઓના આકા માર્યા ગયાના અહેવાલ, ઝનાઝામાં તોયબાનો કમાન્ડર રઉફ જોવા મળ્યો
- ભારતની સંસદ, જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર હુમલો, મુંબઇ 2008, પઠાણકોટ 2016, પુલવામા 2019 હુમલામાં આ બન્ને વડામથકોનો ઉપયોગ થયો હતો
લાહોર : ભારતીય સેનાએ પાકિસ્તાને કબજે કરેલા પીઓકેમાં પાંચ જ્યારે પાકિસ્તાનની હદમાં ચાર મિસાઇલો છોડી હતી. પહલગામ હુમલાનો જવાબ આપવા માટે ભારતે જે નવ સ્થળોને પસંદ કર્યા હતા તેનો ઇતિહાસ ઘણો જ ખરડાયેલો રહ્યો છે. આ તમામ સ્થળોમાં મોટાભાગના પાકિસ્તાનમાં આતંકી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતા હતા. જેમાં આતંકીઓની તાલિમ આપવાથી લઇને આતંકી સંગઠનોના વડાઓની બેઠકો વગેરે થતા હતા. આ ઓપરેશનમાં સૌથી મહત્વપૂર્ણ ટાર્ગેટ બહાવલપુર માનવામાં આવે છે. આતંકી સ્થળો પર ભારતના આ હુમલામાં આતંકીઓના આકા માર્યા ગયાના પણ અહેવાલ છે.
નવ સ્થળોમાંથી બહાવલપુરમાં પણ ભારતીય મિસાઇલો ત્રાટકી હતી, બહાવલપુર જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠનનું મુખ્ય ઓપરેશન સેન્ટર માનવામાં આવે છે. કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવામાં જૈશ-એ-મોહમ્મદ બહાવલપુરનો ઉપયોગ કરતુ રહ્યું છે. જૈશનું આ મુખ્ય કેન્દ્ર ગણાવતુ બહાવલપુર ભારત અને પાકિસ્તાનની સરહદેથી ૧૦૦ કિમી દૂર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલુ છે. આ જ પ્રાંતના અન્ય એક સ્થળ મુરીદકેમાં પણ આતંકી સ્થળો પર મિસાઇલો ત્રાટકી હતી.
બહાવલપુર જૈશ જ્યારે મુરીદકે અન્ય મોટા આતંકી સંગઠન લશ્કરે તોયબાના આતંક માટે કુખ્યાત છે. મુરીદકેમાં ભારતીય મિસાઇલ હુમલામાં લશ્કરનો ટોચનો આતંકી માર્યો ગયો હોવાના અહેવાલો છે. પાક. મીડિયા દ્વારા એક વીડિયો જાહેર કરાયો છે જેમાં લશ્કર-એ-તોયબાનો ટોચનો કમાન્ડર હાફિઝ અબ્દુલ રઉફ આતંકીઓના ઝનાઝામાં સામેલ થતો દેખાડાયો છે. તેની આસપાસ સેના અને પોલીસના અધિકારીઓ પણ જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં જ ત્રણના મોત બાદ ઝનાઝામાં પાક. સેનાના અધિકારીઓ, પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના સભ્ય પણ જોડાયા હતા, આ ઝનાઝાની નમાઝની આગેવાની હાફિઝ અબ્દુલ રૌફે લીધી હતી.
ભારતીય સેનાએ પાક.ના મુરીદકેમાં આતંકીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી એક મસ્જિદની ઇમારતને ઉડાવી દીધી હતી. મસ્જિદ વા મર્કઝ તૈયબા પર ચાર મિસાઇલ છોડાઇ હતી, આ મસ્જિદનો વિસ્તાર ૮૨ એકરમાં ફેલાયેલો છે, જેને પાકિસ્તાનના આતંકની નર્સરી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ ૨૦૦૦માં અલકાયદાના તત્કાલીન વડા ઓસામા બિલ લાદેને આતંકીઓના આ સેન્ટરને ઉભુ કરવા માટે એક કરોડનું ફંડ પુરુ પાડયું હતું. આ મસ્જિદનો ઉપયોગ આતંકીઓ તૈયાર કરવા માટે થતો હતો, જેમાં મદરેસા, હોસ્ટેલો વગેરે આવેલા છે. અહીંયાથી કટ્ટરવાદની તાલિમ પણ અપાતી હતી. સાથે જ હથિયારો ચલાવવા, આતંકી સંગઠનોમાં ભરતી કરવી વગેરે પ્રવૃત્તિઓ થતી હતી. દર વર્ષે એક હજાર જેટલા યુવાઓને અહીંયા કટ્ટરવાદી બાદ આતંકવાદી બનાવવામાં આવતા હતા. આ જ સ્થળનો ઉપયોગ વર્ષ ૨૦૦૮ના મુંબઇ આતંકી હુમલામાં થયો હતો, જેમાં અઝમલ કસાબ સહિતના આતંકીઓ સામેલ થયા હતા. મુરીદકે લાહોરથી ૩૦ કિમી દૂર આવેલું છે. વર્ષ ૧૯૯૦થી આ સ્થળોનો આતંકવાદ માટે ઉપયોગ થતો રહ્યો છે, જેમાં સંસદ પર ૨૦૦૧માં હુમલો, ૨૦૦૦માં જમ્મુ કાશ્મીર વિધાનસભા પર હુમલો, ૨૦૧૬માં પઠાણકોટ એરબેઝ પર હુમલો, ૨૦૧૯માં પુલવામા હુમલા માટે આ સ્થળનો ઉપયોગ થયો હતો.
આ બે સ્થળો આતંકવાદની ફેક્ટરી તરીકે કુખ્યાત છે, આ ઉપરાંત પાક.ના પંજાબ પ્રાંતના નારોવાલ જિલ્લાના સરતાજ તેહરા કલનમાં જૈશ દ્વારા આતંકીઓનો કેમ્પ ચલાવાતો હતો જેના પર પણ મિસાઇલ ત્રાટકી હતી. આ કેમ્પનો ઉપયોગ જમ્મુમાં આતંકીઓ ઘૂસાડવા માટે થતો હતો જેમાં ટનલો ખોદવી, સરહદે ડ્રોન દ્વારા હથિયારો અને ડ્રગ્સ ઘૂસાડવા વગેરે માટે ઉપયોગ થતો હતો. પીઓકેમાં મુઝફ્ફરાબાદમાં સૈયદના બિલાલ કેમ્પ, કોટલીમાં મર્કાઝ અબ્બાસમાં લશ્કરે તોયબાના આતંકી કેમ્પોનો નાશ કરાયો હતો, જ્યારે સિઆલકોટમાં મેહનૂના ઝોયામાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી કેમ્પનો નાશ કરાયો હતો.