Get The App

રાજસ્થાનના જયપુરમાં બેફામ કાર હંકારતા ચાલકે 16 લોકોને કચડતાં અફરાતફરી, 1નું મોત

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
રાજસ્થાનના જયપુરમાં બેફામ કાર હંકારતા ચાલકે 16 લોકોને કચડતાં અફરાતફરી, 1નું મોત 1 - image


Jaipur Accident : રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવારે રાત્રે એક હાઇ-સ્પીડ ઓડી કારન ચાલકે ભારે તબાહી મચાવી હતી. શહેરની પત્રકાર કોલોનીમાં થયેલા આ ભીષણ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 16 અન્ય લોકો ઘાયલ થયા છે. દારૂના નશામાં ધૂત કારચાલકે અનેક લારી-ગલ્લા અને લોકોને અડફેટે લીધા હતા, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.



શું હતી સમગ્ર ઘટના?

આ ઘટના શુક્રવારે રાત્રે 9:30 વાગ્યે જયપુરની પત્રકાર કોલોનીમાં બની હતી. એક તેજ રફ્તાર ઓડી કાર પહેલા ડિવાઈડર સાથે અથડાઈ અને પછી બેકાબૂ થઈને રસ્તાની બાજુમાં ઉભેલી લારીઓ પર કહેર બનીને ત્રાટકી. કાર લગભગ 30 મીટર સુધી લારીઓ અને ગલ્લાઓને કચડતી ચાલી ગઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે 12થી વધુ લારી-ગલ્લા પલટી ગયા હતા, જ્યારે રસ્તાની બાજુમાં ઉભેલી અન્ય એક કાર પણ પલટી ગઈ હતી.

એકનું મોત, 16 ઘાયલ

આ ભીષણ અકસ્માતમાં 16 લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ મુહાના અને પત્રકાર કોલોની પોલીસ સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તમામ ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા એસએમએસ અને જયપુરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બૈરવાના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. 12 ઘાયલોની સારવાર હાલમાં ચાલી રહી છે, જ્યારે ચાર લોકોને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

પોલીસની કાર્યવાહી અને રાજકીય પ્રતિક્રિયા

મુહાના પોલીસ સ્ટેશનના એસએચઓ ગુરુ ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં ઓડી કારની ઝડપ અત્યંત તેજ હોવાનું જણાયું છે અને કાર ચાલક નશામાં હોવાની પણ આશંકા છે. આ કાર દમણ અને દીવના રજિસ્ટ્રેશન નંબરવાળી છે અને તેમાં ત્રણ લોકો સવાર હતા, જેમાંથી પોલીસે બેની અટકાયત કરી છે.

ઘટનાની ગંભીરતાને જોતા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જયપુર શહેર અને હોસ્પિટલના અધિકારીઓને જરૂરી નિર્દેશ આપ્યા છે. નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે ઓડી કારને જપ્ત કરી લીધી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.