ઓનલાઇન ગેમિંગ બિલ પર અશ્વિની વૈષ્ણવે કહ્યું- 'હાર નક્કી હોય છે, અનેક પરિવારો બરબાદ થયા'
Online Gaming Bill: હવે દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી દંડનીય ગુનો ગણાશે. લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરી દેવાયું છે. એવું કહેવાય છે કે, આ બિલને મંજૂરી મળ્યા પછી ઓનલાઈન સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્સ અને તેનું માર્કેટિંગ કરનારી સેલિબ્રિટી વિરુદ્ધ કાર્યવાહી કરવી સરકાર માટે સરળ બનશે. વિવિધ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના આશરે 22 કરોડ ભારતીય યુઝર્સ છે, જે પૈકી 11 કરોડ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે છે.
લોકસભામાં ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓનલાઇન ગેમિંગ પ્રમોશન અને રેગુલેશન બિલ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, 'ગત 11 વર્ષમાં ડિજિટલ ટેક્નોલોજી ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. નવી ટેક્નોલોજી વિકસિત થઈ છે અને તેના કારણે દેશની એક નવી ઓળખ પણ બની છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આગળ વધી રહ્યા છે. ટેક્નોલોજીના અનેક લાભ છે, પરંતુ તેનું એક સેક્ટર એવું છે ઓનલાઇન ગેમિંગ, જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સેક્ટર બન્યું છે.
ગેમિંગ સેક્ટરમાં ત્રણ સેગમેન્ટ છે. પહેલું સેગમેન્ટ છે ઇ-સ્પોર્ટ્સનું સેગમેન્ટ, જેમાં સ્ટ્રેટેજિક થિંકિંગ વધે છે અને વ્યક્તિ ટીમમાં કોઓર્ડિનેશન કરવાનું શીખે છે. બીજું સેગમેન્ટ છે ઓનલાઇન સોશિયલ ગેમ્સ. આપણે સૌએ ચેસ, સોલિટેયર, સુડોકૂ જોઈ છે.આ એજ્યુકેશન, મેમોરી વધારવા માટે પણ ઉપયોગી છે. ત્રીજુ સેગમેન્ટ એવું છે, ઓનલાઇન મની ગેમ્સ, જે આજે સમાજમાં મોટી ચિંતાનો વિષય બન્યું છે.
અનેક એવા પરિવારો છે, અનેક એવા વ્યક્તિઓ છે, જેમણે ઓનલાઇન મની ગેમ્સના કારણે એક એડિક્શન થઈ જાય છે. જીવનભરની કમાણી અને બચત ગેમમાં ઉડાવી દેવામાં આવે છે. ફ્રોડ અને ચીટિંગ, અલ્ગોરિધમ્સ એવા હોય છે કે ખબર જ ન પડે કે કોણ કોની સાથે રમત રમી રહ્યું છે. અલ્ગોરિધમ્સ ઓપેક... અલ્ગોરિધમ્સ હોય છે, હાર નક્કી થઈ જાય છે. અનેક પરિવાર નષ્ટ થયા, એક્સટ્રીમ કેસેજ થયા, સુસાઈડ પણ થયા.
કર્ણાટકમાં 31 મહિનામાં 32 સુસાઇડ થયા છે. આનાથી નક્કી થાય છે કે મની ગેમિંગના કારણે સીરિયસ ઇમ્પેક્ટ આવી રહી છે. મની લોન્ડ્રિંગ થઈ રહ્યું છે, ટેરર સપોર્ટ થઈ રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઓનલાઇન ગેમિંગનું ડિસઓર્ડર એક નવું જાહેર કર્યું છે. આ બિલમાં બે ભાગ છે. ત્રણ સેગમેન્ટમાંથી બે સેગમેન્ટ - ઈ સ્પોર્ટ્સ અને ઓનલાઇન સોશિયલ ગેમિંગને સરકાર પ્રમોટ કરવા ઇચ્છે છે.
ઇ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમિંગને પ્રોત્સાહન આપવા માટે ઓથોરિટી બનાવવા, ગેમ મેકર્સને મદદ કરવા અને યોજનાઓ બનાવવાની વાત કરી. પરંતુ જ્યારે સમાજ અને સરકારના રેવેન્યૂની વાત આવે છે, આ બંને વચ્ચે વડાપ્રધાન મોદીએ હંમેશા સમાજને ધ્યાનમાં રાખ્યો છે. મધ્યમ વર્ગીય પરિવારોને જ પ્રથમ રાખ્યા છે. વડાપ્રધાન મોદીએ તેના પર ક્યારે સમજૂતી નથી કરી અને આ બિલમાં પણ સમાજને જ પ્રાથમિકતા આપવામાં આવી છે.
સમાજમાં એક જે ખૂબ મોટી નબળાઈ આવી રહી છે, તેનાથી બચવા માટે આ બિલ લવાયું છે. આ બિલને સર્વસમ્મતિથી પસાર કરવાની માગ કરાઈ છે. જો કે, બિહાર SIR પર ચર્ચાની માગને લઈને વિપક્ષ હોબાળાના કારણે આ બિલ પર ચર્ચા શરૂ થઈ શકી નથી. આ બિલ વગર ચર્ચાએ ધ્વનિમતથી પસાર કરાયું અને ત્યારબાદ સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી 21 ઓગસ્ટના દિવસે 11 વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી.'