ફક્ત CIBIL ખરાબ હોવાને કારણે કોઈની નોકરી ન છીનવી શકાય..', કોંગ્રેસ સાંસદે ઊઠાવ્યાં સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Congress MP Karti Chidambaram On CIBIL: ક્રેડિટ સ્કોર એજન્સી CIBILના રેટિંગ અંગે ફરી એક વખત વિવાદ ઉભો થયો છે. તાજેતરમાં જ મદ્રાસ હાઈકોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એક ઉમેદવારની નિમણૂક રદ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને SBI દ્વારા પસાર કરાયેલા આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો હતો. હવે આ મામલે કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે વાંધો ઉઠાવ્યો છે.
વાસ્તવમાં SBIએ સંબંધિત ઉમેદવારની નોકરી છીનવી લેવા પાછળ એ તર્ક આપ્યો હતો કે, તેના CIBIL રિપોર્ટમાં લોન ચુકવણી અંગે કેટલીક નાણાકીય ગેરરીતિ સામે આવી હતી.
કોંગ્રેસ સાંસદે ઊઠાવ્યાં સવાલ
આ મામલે મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે, બેંકિંગ જેવા સંવેદનશીલ ક્ષેત્રમાં કામ કરતા લોકો પાસેથી નાણાકીય શિસ્તની અપેક્ષા રાખવામાં આવે છે. બીજી તરફ કોંગ્રેસના સાંસદ કાર્તિ પી. ચિદમ્બરમે આ નિર્ણય સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. તેમણે CIBIL સ્કોરની માન્યતા અને પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે.
CIBIL એક પ્રાઈવેટ કંપની છે
કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે X પર એક પોસ્ટમાં લખ્યું કે, 'આ નિર્ણય ખૂબ જ ચિંતાજનક છે. CIBIL એક પ્રાઈવેટ કંપની છે, જેને ટ્રાન્સયુનિયન નામની અમેરિકન કંપની કંટ્રોલ કરે છે. તેની રેટિંગ પ્રક્રિયામાં કોઈ પારદર્શિતા નથી અને કોઈ અસરકારક ફરિયાદ નિવારણ પ્રણાલી પણ નથી. મેં સંસદમાં અને નાણા મંત્રાલયને પત્રો લખીને વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો છે. મેં આ સબંધમાં આર્ટિકલ પણ લખ્યા છે. નોકરી આપવાનો અથવા નોકરી છીનવી લેવાનો નિર્ણય માત્ર CIBIL રેટિંગ પર આધારિત હોવું ઘોર અન્યાય છે.'
આ પણ વાંચો: ઈરાનને ટ્રમ્પની મોટી ઓફર, સિવિલ ન્યૂક્લિયર પ્રોગ્રામ માટે 2.57 લાખ કરોડ આપી બૅન હટાવશે
કાર્તિ ચિદમ્બરમનું કહેવું હતું કે, 'CIBIL જેવી એજન્સીઓને આટલો નિર્ણાયક અધિકાર આપવો વાજબી ન ઠેરવી શકાય. ખાસ કરીને જ્યારે તેમની પાસે જવાબદારી કે પારદર્શિતાનું કોઈ સ્પષ્ટ માળખું નથી.'
જાણો કોર્ટે શું કહ્યું?
અહેવાલો પ્રમાણે આ કેસમાં અરજદારે દાવો કર્યો હતો કે, 'મેં SBIમાં સર્કલ બેઝ્ડ ઓફિસર (CBO)ના પદ માટે પરીક્ષા, ઈન્ટરવ્યુ, મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતના તમામ રાઉન્ડ સફળતાપૂર્વક પાસ કરી લીધા હતા અને મને નિમણૂક પત્ર પણ મળી ગયો હતો, પરંતુ નિમણૂક પહેલા બેંકે CIBIL રિપોર્ટમાં 'લોન ચુકવણીમાં અનિયમિતતાઓ'ના આધારે મારી નિમણૂક રદ કરી દીધી.'
આ સંદર્ભમાં બેંકનું કહેવું હતું કે CIBIL અને અન્ય એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે એ નિર્ણય લીધો છે કે નબળા નાણાકીય ઓળખપત્રો ધરાવતા ઉમેદવારોને જાહેર નાણાંનું સંચાલન કરવા માટે યોગ્ય ન ગણી શકાય.
કોર્ટે બેંકની એ દલીલને પણ માન્ય રાખી અને કહ્યું કે, બેંકે એ યોગ્ય માન્યું કે જે ઉમેદવારોની લોન ચુકવણીનો રેકોર્ડ ખરાબ છે, તેની નિમણૂક કરવામાં ન આવે. જાહેર નાણા સાથે કામ કરતા લોકોમાં નાણાકીય શિસ્ત હોવું ખૂબ જ જરૂરી છે.









