- આત્મનિર્ભર ભારતના પ્રયાસોનું આ પરિણામ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- હવે દુનિયા મુઠ્ઠીમાં : 6100 કિલોના આ સેટેલાઇટ બ્લૂબર્ડ બ્લોક-2ની મદદથી વિશ્વભરના સ્માર્ટફોનને સીધા હાઇ સ્પીડ સેલ્યુલર બ્રોડબેન્ડ સાથે જોડી શકાશે
નવી દિલ્હી : અંતરિક્ષમાં ભારતે વધુ એક સિદ્ધી પ્રાપ્ત કરી છે, ભારતના સૌથી શક્તિશાળી રોકેટ બાહુબલી દ્વારા ભારતમાંથી સૌથી વજનદાર સેટેલાઇટને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો. અમેરિકાના આ સેટેલાઇટને બ્લૂૂબર્ડ બ્લોક-૨ નામ આપવામાં આવ્યું છે. જેનું વજન ૬૧૦૦ કિલોથી પણ વધુ છે. બુધવારે સવારે ૮.૫૪ કલાકે આંધ્ર પ્રદેશ સ્થિત શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી ભારતના સૌથી શક્તિશાળી ગણાતા રોકેટ બાહુબલીની મદદથી અમેરિકાના આ સેટેલાઇટને છોડવામાં આવ્યો હતો.
ભારતના એલવીએમ૩ દ્વારા અમેરિકાના આ સેટેલાઇટ બ્લૂબર્ડ બ્લોક-૨ને સફળતાપૂર્વક લોન્ચ કરીને લોઅર અર્થ ઓર્બિટમાં સ્થાપિત કરી દીધો હતો. ભારત દ્વારા લોન્ચ કરાયેલ અત્યાર સુધીનો સૌથી વજનદાર પેલોડ છે જેનું કુલ વજન ૬૧૦૦ કિલો છે. લોન્ચિંગના ૧૫ મિનિટ બાદ જ સેટેલાઇટ રોકેટથી અલગ થઇ ગયો હતો. અને ૬૦૦ કિમીની આસપાસ લોઅર અર્થ ઓર્બિટમાં સ્થાપિત થઇ ગો હતો. બ્લૂબર્ડ બ્લોક-૨ અમેરિકાએ તૈયાર કરેલો સેટેલાઇટ છે. વિશ્વભરમાં સ્માર્ટફોનને સીધા હાઇ સ્પીડ સેલ્યુલર બ્રોડબેન્ડ સાથે જોડવા માટે આ સેટેલાઇટને તૈયાર કરાયો છે.
જેને પગલે વિશ્વભરમાં ક્યાંય પણ ૪-જી, ૫-જી વોઇસ અને વીડિયો કોલ, મેસેજિંગ, સ્ટીમિંગ અને ડેટા સેવા પુરી પાડવામાં મદદરૂપ થશે. એટલુ જ નહીં આ સેટેલાઇટની મદદથી અંતરિક્ષથી સીધા ધરતી પર કોલ, મેસેજ કે વીડિયો કોલ કરી શકાશે. વિશ્વભરમાં એકદમ અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી પહોંચી શકી ત્યાં હવે આ સેટેલાઇટની મદદથી પણ ઇન્ટરનેટ સહિતની કનેક્ટિવિટી પહોંચાડવી શક્ય બનશે. ન્યૂસ્પેસ ઇન્ડિયા લિ. (એનએસઆઇએલ) અને અમેરિકા સ્થિત એએસટી સ્પેસ મોબાઇલ વચ્ચે થયેલી ડીલના ભાગરુપે આ સેટેલાઇટ લોન્ચ કરાયો હતો. ન્યૂસ્પેસ ઇન્ડિયા ઇસરોનું કોમર્શિયલ સાહસ છે.
ભારતના એલએમવી૩ એટલે કે લોન્ચ વ્હીકલ માર્ક-૩ દ્વારા આ સેટેલાઇટ લોન્ચ કરાયો છે. આ વ્હીકલને અગાઉ જીએસએલવી એમકે-૩ તરીકે પણ ઓળખવામાં આવતુ હતું. ઇસરોનું આ સૌથી શક્તિશાળી રોેકેટ છે. જેને ઇસરો દ્વારા સંપૂર્ણ રીતે સ્વદેશી ટેક્નીકની તૈયાર કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વિપક્ષના નેતાઓએ ઇસરો અને વૈજ્ઞાાનિકોને આ સફળતા બદલ શુભેચ્છા પાઠવી હતી. મોદીએ કહ્યું હતું કે ભારતની ધરતી પરથી અત્યાર સુધીનો સૌથી વજનદાર સેટેલાઇટ લોન્ચ કરીને એક ઇતિહાસ રચવામાં આવ્યો છે. ભારતની આ અંતરિક્ષમાં મોટી છલાંગ છે. આ સાથે જ ભારત હવે ગગનયાન જેવા મોટા મિશન માટે પણ તૈયાર છે. જ્યારે ઇસરોના ચેરમેન વી નારાયણને કહ્યું હતું કે બહુ જ ખુશી સાથે જણાવુ છુ કે ભારતના બાહુબલી રોકેટે સફળતાપૂર્વક બ્લૂબર્ડ બ્લોક-૨ સેટેલાઇટ ઓર્બિટમાં સ્થાપિત કરી દીધો છે. ભારે સેટેલાઇટ લોન્ચ કરવાની ભારતની ક્ષમતા પણ વધી છે. આત્મનિર્ભર ભારતના પ્રયાસોનું આ પરિણામ છે. ભારત અંતરિક્ષની દુનિયામાં સતત ઉંચાઇને સ્પર્શી રહ્યું છે.


