Get The App

પેટ્રોલ બાદ હવે ડીઝલમાં Isobutanol મિશ્ર કરવાની તૈયારી, જાણો તેની શું અસર થશે?

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
પેટ્રોલ બાદ હવે ડીઝલમાં Isobutanol મિશ્ર કરવાની તૈયારી, જાણો તેની શું અસર થશે? 1 - image


Image Source: Twitter

Isobutanol Blending in Diesel:  છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશભરમાં ઈથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ (E20 Petrol)ની ખૂબ ચર્ચા થઈ રહી છે. પેટ્રોલની આયાત અને તેના પર નિર્ભરતા ઘટાડવા માટે સરકારે પેટ્રોલમાં 20% ઈથેનોલ ભેળવવાનું શરૂ કર્યું, જે હાલમાં દેશના ઘણા ફ્યુઅલ સ્ટેશનો પર વેચાણ માટે ઉપલબ્ધ છે. ત્યારબાદ ઘણા વાહન માલિકોએ માઈલેજ અને પરફોર્મન્સમાં ઘટાડો થવાની ફરિયાદ કરી છે. હવે સરકાર ડીઝલમાં આઈસોબ્યુટેનોલ(Isobutanol) મિશ્ર કરવાની તૈયારી કરી રહી છે.

તાજેતરમાં જ પુણેમાં પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ઈથેનોલ આપણા માટે એક શરૂઆત છે, એ કોઈ અંત નથી. હું ખાસ કરીને પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ અને ARAIનો આભાર માનું છું કે તેમણે ઈથેનોલ પછી આઈસોબ્યુટેનોલ પર કામ કરવાનું શરૂ કર્યું. અને હાલમાં તેઓ ડીઝલમાં 10% આઈસોબ્યુટેનોલ ઉમેરીને પ્રયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત તેણે કિર્લોસ્કર સાથે મળીને 100% આઈસોબ્યુટેનોલ પર ચાલતું એન્જિન પણ તૈયાર કર્યું છે. આઈસોબ્યુટેનોલ એક વૈકલ્પિક બાયોફ્યુઅલ છે. 

આઈસોબ્યુટેનોલ આપણા દેશ માટે વરદાન સાબિત થઈ શકે

નીતિન ગડકરીએ આગળ કહ્યું કે, 'આઈસોબ્યુટેનોલ ડીઝલનો એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. આપણા દેશમાં પેટ્રોલ કરતાં અઢીથી ત્રણ ગણું વધુ ડીઝલનો ઉપયોગ થાય છે. પ્રદૂષણની મુખ્ય સમસ્યા પેટ્રોલ અને ડીઝલને કારણે વધુ છે. આવનારા સમયમાં આઈસોબ્યુટેનોલ આપણા દેશ માટે વરદાન સાબિત થઈ શકે છે. રિસર્ચ, ટ્રાયલ અને સ્ટેન્ડર્ડ નક્કી થયા બાદ જ્યારે તેનો પ્રસ્તાવ પેટ્રોલિયમ મંત્રાલય પાસે જશે અને તેને મંત્રાલય તરફથી માન્યતા મળશે ત્યારે તેનું બજાર વધુ વધશે.'

આઈસોબ્યુટેનોલ એ મૂળ રૂપે આલ્કેનોલ (આલ્કોહોલ)ગ્રુપથી આવનાર એક કલરલેસ, ફ્લેમેબલ ઓર્ગેનિક લિક્વિડ છે. તેનો કેમિકલ ફોર્ન્મૂલા (C₄H₁₀O) છે. તે પેઈન્ટ અને કોટિંગ્સ માટે સોલવેન્ટ એટલે કે, વિલાયક તરીકે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત પોતાની હાઈ એનર્જી ડેન્સિટી અને ઓક્ટેન રેટિંગના કારણે ફ્યુઅલ એડિટિવ્સ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. તે પ્રોપિલીન કાર્બોનિલીકરણના માધ્યમથી પેટ્રોલિયમ અથવા બાયોમાસ જેવા સ્ત્રોતોમાંથી ઉત્પન્ન કરી શકાય છે.

ફ્યુઅલ બ્લેન્ડિંગ: આઈસોબ્યુટેનોલનો ઉપયોગ ડીઝલ સાથે મિક્સ કરીને કરી શકાય છે. તે ઉત્સર્જન ઘટાડવામાં અને બળતણ કાર્યક્ષમતા વધારવામાં મદદ કરી શકે છે.

ક્લીન બર્નિંગ ફ્યુઅલ: તેમાં સલ્ફર અને અન્ય હાનિકારક તત્વો ઓછા હોવાથી, ડીઝલ એન્જિનમાં સ્વચ્છ દહન (Clean Combustion) થાય છે.

ગ્રીનહાઉસ ગેસમાં ઘટાડો: આઈસોબ્યુટેનોલ ફ્યુઅલથી CO₂ અને પાર્ટિકુલેટ મેટર જેવા પ્રદૂષકોનું ઉત્સર્જન ઘટે છે.

એન્જિન સુસંગતતા: રિસર્ચ દર્શાવે છે કે ડીઝલ એન્જિનોમાં આઈસોબ્યુટેનોલ-ડીઝલ મિશ્રણોનો ઉપયોગ કોઈપણ મોટા ફેરફારો વિના કરી શકાય છે.

સારું પ્રદર્શન: તેનાથી એન્જિનની કામગીરી જળવાઈ રહે છે અને બળતણનો વપરાશ પણ થોડો ઘટાડી શકે છે.

જોકે હજુ ડીઝલમાં આઈસોબ્યુટેનોલના મિશ્રણ પર સંશોધન ચાલી રહ્યું છે. પરંતુ એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં આવનારા નવા ડીઝલ એન્જિન ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનના સિદ્ધાંત પર કામ કરશે. જે શક્ય છે કે, સંપૂર્ણપણે આઈસોબ્યુટેનોલ પર ચાલવામાં સક્ષમ રહેશે.

શું કહે છે અત્યાર સુધીના રિસર્ચ?

સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ (SAE) ના રિસર્ચ રિપોર્ટ પ્રમાણે 4-સ્ટ્રોક સિંગલ-સિલિન્ડર ડીઝલ એન્જિનમાં 5% અને 10% વોલ્યુમ આઈસોબ્યુટેનોલ ઉમેરવાથી બ્રેક થર્મલ કાર્યક્ષમતા (BTE) માં વધારો જોવા મળ્યો છે. બ્રેક સ્પેસિફિક ફ્યુઅલ વપરાશ (BSFC) માં સુધારો થયો છે, એટલે કે પ્રતિ યુનિટ ઊર્જા બળતણ વપરાશમાં ઘટાડો થયો છે. કાર્બન ઉત્સર્જન અને ધુમાડાની અસ્પષ્ટતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે NOₓ ઉત્સર્જનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નિષ્ફળ જઇ રહ્યું છે, 95% પ્રોજેક્ટ 'ફેલ', MITના રિપોર્ટમાં ધડાકો

જોકે, ડીઝલમાં આઈસોબ્યુટેનોલ મિશ્ર કરવા અંગે હજુ પણ સંશોધન ચાલી રહ્યું છે. નીતિન ગડકરીએ પણ કહ્યું તેમ, આ સંબંધિત એજન્સીઓ તેના પર પ્રયોગ કરી રહી છે. એટલે કે, આ ડીઝલ મિશ્રણ અંગેનો અંતિમ રિપોર્ટ આવવામાં થોડો સમય લાગશે. સરકાર ડીઝલમાં તેનો ઉપયોગ ક્યારે શરૂ કરશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. હાલમાં આ પ્રોજેક્ટ તેના પ્રારંભિક તબક્કામાં છે અને રિસર્ચ/પ્રયોગમાં સફળતા મળ્યા બાદ તેનો પ્રસ્તાવ સંબંધિત મંત્રાલયને મોકલવામાં આવશે, જ્યાંથી તેને અંતિમ મંજૂરી મળશે.

Tags :