પંજાબમાં પોલીસ હાઈએલર્ટ પર, ISI મોટો હુમલો કરે તેવી આશંકા, પૂરની આડમાં મોકલ્યા હથિયારો
Punjab News : એક મહિનાથી વધુ સમયથી પૂરગ્રસ્ત પંજાબના સરહદી જિલ્લાઓમાં સતત હથિયારો જપ્ત થવાની ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ગુપ્તચર એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ આ હથિયારોની મદદથી તહેવારોના દિવસોમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડી રહી છે. જેમાં ટાર્ગેટ કિલિંગનો પણ સમાવેશ થાય છે.
ISI આતંકી-વિદેશી ગેંગસ્ટરોની લઈ રહી છે મદદ
સરહદ પારથી મોકલવામાં આવતા હથિયારોને ઠેકાણાઓ પર પહોંચાડવા માટે આઈએસઆઈ ગંભીર ષડયંત્ર રચી રહી છે, તે આ કામ માટે પાકિસ્તાનમાં રહેતા આતંકી હરિંદર સિંહ રિંદા અને અન્ય દેશોમાં રહેતા ગેંગસ્ટરોની મદદ લઈ રહી છે. આઈએસઆઈ કાવતરા રચીને રાજ્યમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ષડયંત્ર એટલા માટે ધ્યાને આવ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં સરહદ પારથી આઠ હેંગ ગ્રેનેડ, 1.700 કિલો RDX, 81 બંદૂક અને અઢી હજાર જેટલી કારતૂસ જપ્ત કરવામાં આવી છે.
યુવાઓને નશાની લાલચ આપી હથિયારોની તસ્કરીનું કાવતરું
ગુપ્તચર શાખાના એક અધિકારીએ જણાવ્યું કે, ઈનપુટ મુજબ આઈએસઆઈ પંજાબમાં મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે તે પાકિસ્તાનના આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ ચીફ હરવિંદર સિંહ રિંદા અને કેનેડામાં રહેતો સિખ ફોર જસ્ટિસનો ચીફ ગુરપતવંત સિંહ પન્નૂ પોતાના ગુંડાઓને તૈયાર કરી રહ્યા છે. તેઓ વિદેશી ગેંગસ્ટર જીવન ફૌજી, લખબીર સિંહ હરિકે, પ્રભ દાસૂવાલ, ઘનશ્યામપુરા, ડોની બલ જેવા ગુનેગારોની પણ મદદ લઈ રહ્યા છે. આ માટે ગેંગસ્ટરો યુવાનોને નશાની લાલચ આપીને હથિયારોની તસ્કરી કરાવી રહ્યા છે.
નશાનો મોટો જથ્થો ભારતીય સરહદમાં ઘૂસાડવાનો પ્રયાસ
ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી છે કે, પાકિસ્તાની તસ્કરો પૂરની સ્થિતિનો લાભ ઉઠાવીને ટાયર ટ્યુબની મદદથી હથિયારો અને નશાનો મોટો જથ્થો ભારતીય સરહદમાં ઘૂસાડી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 8 હેન્ડ ગ્રેનેડ, 1.700 કિલો આરડીએક્સ, 81 પિસ્તોલ અને અઢી હજાર કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. BSF અને પંજાબ પોલીસની સતત કામગીરીના કારણે આ તમામ જથ્થો મળી આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ આ મોટા કાવતરાને નિષ્ફળ બનાવવા સતત સર્ચ ઓપરેશન કરી રહી છે. તેમને ઈનપુટ મળ્યા છે કે ગ્રેનેડ, આરડીએક્સ અને AK 47 જેવા હથિયારોનો એક મોટો જથ્થો સરહદી વિસ્તારમાં છુપાવીને રાખવામાં આવ્યો છે.
સપ્ટેમ્બરમાં પંજાબમાં થયેલી હથિયારો અને ડ્રગ્સની જપ્તીનો રિપોર્ટ