Fact Check: સોશિયલ મીડિયા પર 500 રૂપિયાની નોટ બંધ થવાનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર માર્ચ 2026થી 500 રૂપિયાની નોટ બંધ કરી દેશે. જોકે, હવે આ મામલે સરકારે સ્પષ્ટતા આપી છે. સરકારી એજન્સી PIBએ X પર પોતાની એક પોસ્ટમાં આ મેસેજનું ખંડન કર્યું છે.
PIBએ પોતાનો ફેક્ટ-ચેક રિપોર્ટ જારી કરતા કહ્યું કે, 'ભારતીય રિઝર્વ બેંક (RBI)એ માર્ચ 2026 સુધીમાં 500ની નોટો બંધ કરવા અંગે કોઈ એલાન નથી કર્યું. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. 500 રૂપિયાની નોટો હજુ પણ માન્ય છે અને કોઈપણ વ્યવહાર માટે તેનો ઉપયોગ કરી શકાય છે. લોકોએ આવી અફવાઓ પર ધ્યાન ન આપવું.'
સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યો છે મેસેજ?
પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (PIB)એ જણાવ્યું કે, કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટોને બંધ કરી દેશે. આ દાવો ખોટો છે! RBIએ આવી કોઈ જાહેરાત નથી કરી. લોકોને અપીલ કરતા PIBએ કહ્યું કે, 'આવા સમાચાર પર વિશ્વાસ કરતા પહેલા તેની સત્યતા ચકાસો અને ક્યારેય ખોટા સમાચાર ફોરવર્ડ ન કરો. 500 રૂપિયાની નોટો હજુ પણ ચલણમાં છે અને માન્ય છે.'
RBI to stop ₹500 notes from ATMs by March 2026❓🤔
— PIB Fact Check (@PIBFactCheck) January 2, 2026
Some social media posts claim that the Reserve Bank of India will discontinue the circulation of ₹500 notes by March 2026.#PIBFactCheck:
❌This claim is #fake!
✅ @RBI has made NO such announcement.
✅ ₹500 notes have… pic.twitter.com/F0Y3t0wHSf
આ અગાઉ પણ ઘણી વાર આવી અફવાઓ ફેલાઈ ચૂકી છે
આ પહેલી વાર નથી જ્યારે 500 રૂપિયાની નોટ અંગે અફવા વાઈરલ થઈ રહી છે. આ પહેલા પણ ઘણી વખત આવી ખોટી પોસ્ટ્સ અથવા સમાચાર અહેવાલો ફરતા થયા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 500 રૂપિયાની નોટ બંધ કરવામાં આવી રહી છે. જોકે, PIB અને સરકાર તરફથી દરેક વખતે આ અંગે સ્પષ્ટતા આપવામાં આવી છે.
પકંજ ચૌધરીએ સંસદમાં આપી હતી મોટી જાણકારી
નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પણ સંસદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, 500 રૂપિયાની નોટોની સપ્લાઈ બંધ કરવાની કોઈ યોજના નથી. તેમણે 100 અને 200 રૂપિયાની નોટો અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આપતા જણાવ્યું હતું કે, 500 રૂપિયાની નોટોની સાથે ATMમાંથી 100 અને 200 રૂપિયાની નોટો પણ ઉપાડી શકો છો. તેમણે 500 રૂપિયાની નોટો પરત લેવાની વાતને પણ ફગાવી દીધી હતી.


