ભારત માટે કેનેડા બીજું પાકિસ્તાન બની રહ્યું છે ? એક પછી એક બનતી ઘટનાઓ તેનો નિર્દેશ કરે છે
- NIAની આતંકીઓની યાદીમાં નિજ્જરનું પણ નામ હતું
- પ્રસિધ્ધ ગાયક સિધ્ધુ મુસેવાલની હત્યા પાછળ ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર માસ્ટર માઇન્ડ મનાય છે : આવા કેટલાએ આતંકીઓ કેનેડામાં છુપાયેલા છે
નવી દિલ્હી : કેનેડામાં ખાલીસ્તાની સંપર્કો ધરાવતા કેટલાએ આતંકીઓએ આશ્રય લીધો હોવાથી ભારતના કેટલાએ બુદ્ધિજીવીઓ સ્પષ્ટ આશંકા દર્શાવે છે કે કેનેડા ભારત માટે બીજું પાકિસ્તાન બની રહ્યું છે.
ભારતની નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી પાસે આધારભૂત માહિતી છે કે ભારતમાં વોન્ટેડ ગણાયેલા તેવા ઓછામાં ઓછા ૪૧ ખૂંખાર આતંકવાદીઓ કેનેડામાં આશ્રય લઈ રહ્યા છે તે પૈકીનો એક હરદીપસિંહ નિજ્જર હોવાનું પણ આધારભૂત સાધનો દ્વારા જાણવા મળ્યું છે.
આધારભૂત સાધનો તેમ પણ જણાવે છે કે, ગત વર્ષે પંજાબી ગાયક સિધ્ધુ મુસેવાલની હત્યા પાછળ ખૂંખાર આતંકવાદી અને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનું જ ભેજું હતું. તે કેનેડામાં બેઠો બેઠો આ હત્યા માટે દોરીસંચાર કરી રહ્યો હતો.
આવા કેટલાયે ખાલીસ્તાની ગેંગસ્ટર્સ અને ત્રાસવાદીઓએ કેનેડામાં આશ્રય લીધો છે. તેઓ કેનેડામાં રહી તેમનો એન્ટી-ઇન્ડિયા એજન્ડા ચલાવે છે અને ભારત વિરુદ્ધ ષડયંત્રો ઘડતા રહે છે, તેટલું જ નહીં પરંતુ કેટલાએ યુવાનોને બ્રેઇન-વોશ કરી તેમની સાથે જોડે છે. તેમને નાણાં પણ આપે છે અને નોકરીની બનાવટી તકો પણ દર્શાવે છે.
તાજેતરમાં જ ભારતે મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી હતી તેમાં ખાલીસ્તાન ટાઈગર ફોર્સના ચીફ હરદીપસિંહ નિજ્જરનું નામ હતું. આ નિજ્જર પેલા ૪૧ ખૂંખાર આતંકીઓ પૈકી જે ૯ (નવ) આતંકીઓને જુદા તારવી દર્શાવાયા હતા તેમાં હરદીપસિંહ નિજ્જરનું નામ પણ હતું. કેનેડામાં રહેલા ખાલિસ્તાની ટાઇગર ફોર્સના તે ચીફ માટે એનઆઈએ દ્વારા ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેની એક ગુરુદ્વારાના પાર્કિંગ પ્લોટમાં હત્યા કરાઈ હતી. તે હત્યા પછી ત્રણ મહિને કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ ભારત ઉપર તે હત્યા માટે કોઈ પણ પુરાવા કે આધાર વગર આક્ષેપો મુકી દુનિયાને આંચકો આપી દીધો હતો. તે પછી તેમણે ભારતના દૂતાવાસના એક અધિકારીને કેનેડા છોડવા આદેશ આપ્યો હતો તે સામે ભારતે પણ કેનેડાના દૂતાવાસના એક અધિકારીને ભારત છોડવા આદેશ આપ્યો હતો. આમ બંને દેશો વચ્ચે તંગદીલી વધી ગઈ છે.