ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ થાય તો ભારત માટે કોણ જરૂરી? જાણો સંપૂર્ણ ગણિત

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ થાય તો ભારત માટે કોણ જરૂરી? જાણો સંપૂર્ણ ગણિત 1 - image


Iran Israel Conflic: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ઈઝરાયલે હમાસના વડા હાનિયાહ અને હિઝબુલ્લાહના વડા નસરલ્લાહનો ખાત્મો બોલાવ્યા બાદ મધ્ય-પૂર્વમાં દુનિયાને જેનો ડર સતાવી રહ્યો હતો તે આખરે સાચો પડયો છે. ઈઝરાયલે અગાઉથી આપેલી ચેતવણી મુજબ તેનું સૈન્ય મંગળવારે દક્ષિણ લેબનોનમાં ઘૂસ્યું હતું અને જમીની હુમલો કરતા હિઝબુલ્લાહના સ્થળોને નિશાન બનાવ્યા હતા. બીજીબાજુ અંતે ઈરાન પણ મધ્ય-પૂર્વના યુદ્ધમાં કૂદી પડયું છે. ઈરાને મંગળવારે રાતે ઈઝરાયલ પર લગભગ 200 મિસાઈલનો મારો કર્યો હોવાનો આઈડીએફે દાવો કર્યો છે. ત્યારે હવે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધવો એ ભારત માટે ચિંતાજનક છે. મિડલ ઈસ્ટના આ બંને દેશો એવા છે કે જેની સાથે ભારતના સારા સંબંધો છે, પરંતુ જ્યારે સૌથી ખાસ અને સૌથી જરૂરી કોણ છે તેની વાત આવે ત્યારે ક્યાંકને ક્યાંક ઈઝરાયલ ઈરાનને માત આપી દે છે.

ભારત અને ઈઝરાયલ વચ્ચે વેપારમાં વધારો

છેલ્લા 5 વર્ષમાં ભારત અને ઈઝરાયલ વચ્ચે જ્યાં વેપાર બમણો થયો છે, ત્યારે આ સમયગાળા દરમિયાન ઈરાન અને ભારત વચ્ચેનો વેપાર ઘટ્યો છે. નિષ્ણાતો માને છે કે વેપારમાં વધારો એ બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનો પુરાવો છે. ઈઝરાયલે ક્યારેય ભારત વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું નથી અને ન તો તેના કોઈ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. પરંતુ ઈરાન સાથે સમયાંતરે આ જોવા મળ્યું છે. ગત મહિને જ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામનેઈએ ભારતના મુસલમાનો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે ભારતને મુસ્લિમ અધિકારોના ઉલ્લંઘન કરનારા દેશોમાં સામેલ કર્યો હતો.  ખામનેઈએ ભારત પર મુસ્લિમો પર અત્યાચારનો આરોપ લગાવતા તેને મ્યાનમાર અને ગાઝા સાથે ગણાવ્યું હતું. તેમના નિવેદન પર ભારતે કહ્યું હતું કે, તેમણે પહેલા પોતાનો રેકોર્ડ જોવો જોઈએ.

આ ઉપરાંત તેઓ 2020ના દિલ્હી રમખાણો પર પણ નિવેદન આપી ચૂક્યા છે. તેમણે રમખાણોને મુસ્લિમોનો નરસંહાર ગણાવ્યો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે અમે કાશ્મીરમાં મુસ્લિમોની સ્થિતિને લઈને ચિંતિત છીએ. ભારત સાથે અમારા સારા સંબંધો છે પરંતુ અમે આશા રાખીએ છીએ કે ભારત સરકાર કાશ્મીરના લોકો પ્રત્યે યોગ્ય નીતિ અપનાવશે અને આ ક્ષેત્રમાં મુસ્લિમો પર થતા અત્યાચાર અટકાવશે.

ઈઝરાયલ અને ભારતની મિત્રતા

ભારતે 1992માં ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા હતા. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થયા છે. આ દરમિયાન વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. 1992માં જે લગભગ 200 મિલિયન ડોલર હતો તે નાણાકીય વર્ષ 2022-23માં વધીને 10.7 બિલિયન ડોલર થઈ ગયો છે. છેલ્લા ચાર વર્ષમાં તેમાં ઝડપથી વૃદ્ધિ થઈ છે. તે બમણો થઈ ગયો છે. 2018-19માં 5.56 બિલિયન ડોલરથી વધીને 2022-23માં 10.7 બિલિયન ડોલર થઈ ગયો. 2021-22 અને 2022-23 વચ્ચે વેપારમાં 36.90%ની વૃદ્ધિ થઈ છે.

2022-23માં ઈઝરાયલમાં ભારતની નિકાસ8.45 બિલિયન ડોલર હતી, જ્યારે ઈઝરાયલથી નવી દિલ્હીની આયાત 2.3 બિલિયન ડોલર હતી. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ 10 મહિના (એપ્રિલ-જાન્યુઆરી) દરમિયાન દ્વિપક્ષીય વેપાર 5.75 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ભારતના 1,167 બિલિયન ડોલરના વેપારના કુલ વેપારનો 0.92% હિસ્સો બનતા ઈઝરાયેલ તે વર્ષે ભારતનો 32મો સૌથી મોટો વેપારી ભાગીદાર હતો.વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારત એશિયામાં ઈઝરાયલનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર અને વૈશ્વિક સ્તરે સાતમો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. હાલમાં ઈઝરાયેલમાં લગભગ 18 હજાર ભારતીયો છે.

ઈઝરાયલના પ્રવાસે જનારા પ્રથમ ભારતીય PM નરેન્દ્ર મોદી

2014માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ 2017માં ઈઝરાયેલના પ્રવાસે ગયા હતા. ઈઝરાયલનો પ્રવાસ કરનાર તેઓ પ્રથમ ભારતીય પીએમ હતા. વર્ષોથી ઈઝરાયલ અને ભારત આતંકવાદ વિરોધી અને સંરક્ષણ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરી રહ્યા છે અને ભારત યહૂદી રાજ્ય પાસેથી હથિયારો ખરીદતું રહ્યું છે. ઈઝરાયલ અને ભારત વચ્ચેની મજબૂત મિત્રતાનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે જ્યારે પીએમ મોદી ઈઝરાયલના પ્રવાસે ગયા હતા ત્યારે બેન્જામિન નેતન્યાહૂએ તેમનું હાઈ લેવલ રેડ કાર્પેટ સ્વાગત કર્યું હતું. પીએમ મોદી જ્યાં પણ પ્રવાસે ગયા ત્યાં નેતન્યાહૂ તેમની સાથે હતા. તેઓ અમેરિકન પ્રમુખ જેવા ઉચ્ચ સ્તરના મહેમાનોને આવી સારવાર આપે છે.

ઈરાન અને ભારતની મિત્રતા

ભારત માટે જેવી રીતે ઈઝરાયલ જરૂરી છે તેવી જ રીતે ઈરાન પણ જરૂરી છે. ઐતિહાસિક રીતે ઈરાન સાથે પણ ભારતના સારા સંબંધો રહ્યા છે. બંને વચ્ચે મજબૂત વેપારી સંબંધો છે, જેમાં ખાસ કરીને ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામના ક્ષેત્રમાં. ભારતે તાજેતરમાં જ ઈરાનમાં સ્થિત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ચાબહાર પોર્ટના 10 વર્ષ માટે સંચાલન અધિકારો હાંસલ કર્યા છે. આ સાથે જ ભારતીય કંપનીઓ ઈરાન પાસેથી સસ્તું તેલ ખરીદે છે.

જોકે, ઈઝારાયલની તુલનામાં ઈરાન સાથે ભારતના વેપારમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2022-23માં ઈરાન ભારતનો 59મો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ હતો. તેની સાથે દ્વિપક્ષીય વ્યાપાર 2.33 અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો. નાણાકીય વર્ષ 2022-23માં વધતા પહેલા ઈરાન સાથે ભારતના વેપારમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમાં 2021-22માં 21.77%નો વધારો થયો હતો. તે 2022-23માં 1.94 બિલિયન ડોલરથી વધીને 2.33 બિલિયન થઈ ગયો છે. નાગરિકોની વાત કરીએ તો ઈરાનમાં પાંચથી 10 હજાર ભારતીયો રહે છે. ભારતને તેલ સપ્લાય કરનારા ટોચના દેશો જેવા કે સાઉદી અરબ અને ઈરાન પશ્ચિમી એશિયામાં છે. 

ક્રૂડ ઓઈલ અને હથિયાર પર યુદ્ધની અસર

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવની અસર ક્રૂડ ઓઈલ પર પડશે. ભારત પોતાની જરૂરિયાતના 85% ક્રૂડ ઓઈલની આયાત કરે છે અને તેના કુલ વપરાશના 7% સાઉદી અરેબિયા, કુવૈત અને ઈરાકમાંથી લે છે. આવી સ્થિતિમાં આ યુદ્ધ ભારત માટે મોટો પડકાર બની શકે છે. ક્રૂડ ઓઈલ ઉપરાંત ભારત અને ઈઝરાયલ વચ્ચે હથિયારો સહિત અબજો ડોલરનો વેપાર થાય છે, જેને આ યુદ્ધથી અસર થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પણ પડી શકે છે.

બીજી તરફ ભારત માટે લાંબા સમય સુધી તટસ્થતા વાળી નીતિ પર બન્યા રહેવું મુશ્કેલ થઈ શકે છે. જો ભારત ઈઝરાયલ સાથે પોતાના સબંધો બનાવવાના પ્રયાસો કરશે તો ઈરાન સાથે સબંધો વધુ વણસી શકે છે અને જો ભારતે ઈરાન સાથે નિકટતા દેખાડશે તો તેને ઈઝરાયલની સાથે-સાથે અમેરિકાની નારાજગીનો પણ સામનો કરવો પડી શકે છે. 


Google NewsGoogle News