મારૂ ભરણ પોષણ મારી પત્ની અને બાળકો કરે છેઃ માલ્યાનુ કોર્ટમાં નિવેદન
નવી દિલ્હી, તા. 4. એપ્રિલ 2019 ગુરુવાર
ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા બ્રિટનમાં એશની જિંદગી જીવી રહ્યો છે પણ ત્યાંની કોર્ટમાં તેણે કંઈક અલગ જ વાત રજૂ કરી છે.
માલ્યાએ કોર્ટમાં કહ્યુ હતુ કે મારે જીવવા માટે પત્ની , પાર્ટનર, ઓળખીતા વેપારીઓ અને મારા બાળકો પર નિર્ભર રહેવાનો વારો આવ્યો છે.મારી પત્ની પિંકી લાલવાણી વર્ષે 1.35 કરોડ રુપિયા કમાય છે અને મારી પાસે 2956 કરોડ રુપિયાની અંગત સંપત્તિ છે જે બેંકો સાથે સેટલમેન્ટ માટે આપવા મેં કર્ણાટક હાઈકોર્ટને ઓફર કરેલી છે.મારા બાળકો અને મારી પત્ની મારુ ભરણ પોષણ કરી રહ્યા છે.
માલ્યાએ જણાવ્યા પ્રમાણે પરિચિત વેપારી પાસેથી લગભગ બે કરોડ રુપિયા ઉધાર લીધા છે.માલ્યાના વકીલે કોર્ટને કહ્યુ હતુ કે, માલ્યા પોતાનો અઠવાડિક ખર્ચો ઘટાડવા માટે પણ તૈયાર છે.તેમને સપ્તાહમાં 16.21 લાખનો ખર્ચ કરવાની છુટ મળેલી છે પણ તે મહિને 26.27 લાખ રુપિયાનો ખર્ચો કરીને ગુજરાન ચલાવવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે માલ્યાએ ભારતીય બેંકોએ કરેલી 3.37 કરોડના કાનૂની ખર્ચમાંથી 1.57 કરોડ રુપિયા નથી ચુકાવ્યા અને તેના પર બ્રિટિશ સરકારનો 2.40 કરોડનો ટેક્સ પણ બાકી છે.