પાક. આતંકીઓની ઘૂસણખોરી : ગોળીબારમાં જવાન શહીદ
- ઓપરેશન સિંદૂર પછી પણ પાક.ની શાન ઠેકાણે નથી : અમેરિકાનું પીઠબળ
- કુલગામમાં આતંકીઓની શોધખોળ માટે 13 દિવસથી ચાલી રહેલું ઓપરેશન અખલ અંતિમ તબક્કામાં પહોંચ્યું
- ડીઆરડીઓના ગેસ્ટ હાઉસનો મેનેજર પાક. માટે જાસૂસી કરતા ઝડપાયો, મિસાઇલ ટેસ્ટિંગ સહિતની માહિતી લીક કરી
શ્રીનગર/જૈસલમેર : ભારતના ઓપરેશન સિંદૂર બાદ પણ પાકિસ્તાન આતંકવાદને છોડવા તૈયાર નથી. જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં પાકિસ્તાની આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જેને રોકવા માટે ભારતીય સૈન્યએ પ્રયાસ કર્યો હતો. જેને પગલે બાદમાં સામસામે ભારે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં એક જવાન શહીદ થયો છે. આ જવાને આતંકીઓની ઘૂસણખોરી રોકવા માટે છેલ્લે સુધી પ્રયાસ કર્યો હતો.
સૈન્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં ચુરુન્દા વિસ્તારમાં આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે સૈન્ય પહેલાથી જ એલર્ટ હોવાથી આતંકીઓને આક્રામક જવાબ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન સામસામે ભારે ગોળીબાર થયો હતો. જેમાં એક જવાન શહીદ થઇ ગયો છે. સૈન્યની કાર્યવાહીને પગલે હજુસુધી કોઇ આતંકવાદી આ વિસ્તારમાં ઘૂસ્યો ન હોવાના અહેવાલો છે. જોકે હાલ પણ સૈન્યનું ઓપરેશન ચાલી રહ્યું છે.
જ્યારે કુલગામ જિલ્લાના જંગલમાં ૧ ઓગસ્ટના રોજ સૈન્ય દ્વારા આતંકીઓની શોધખોળ માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જે હાલ પણ ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં આતંકીઓ છૂપાયા હોવાની બાતમી બાદ અખલ ઓપરેશન શરૂ કરાયું હતું જે હાલ તેના અંતિમ તબક્કામાં હોવાની સ્પષ્ટતા આઇજી વી. કે. બિરડીએ કરી હતી. તાજેતરના વર્ષોમાં ઘાટીમાં સૈન્યનું આ સૌથી મોટું લાંબુ ચાલેલુ ઓપરેશન માનવામાં આવે છે. દરમિયાન રાજસ્થાનના જૈસલમેરમાં ડીઆરડીઓના ગેસ્ટ હાઉસ મેનેજર મહેન્દ્ર પ્રસાદની પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મૂળ ઉત્તરાખંડનો રહેવાસી છે. તેને ડીઆરડીઓના જૈસલમેરના ચંદન વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં તૈનાત કરાયો હતો. તપાસ અધિકારી વિનોદ મીણાએ કહ્યું હતું કે મિસાઇલ ટેસ્ટિંગ વૈજ્ઞાાનિકોની અવર જવર સહિતની માહિતી આરોપીએ પાકિસ્તાનને પહોંચાડી હતી. હાલમાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.