Uri news : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાના જવાનોએ આજે બુધવારે ઉત્તર કાશ્મીરના ઉરીમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. જેમાં ભારતીય સેનાએ બારામુલ્લાના હાજી પીર સેક્ટરમાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો.
બે આંતકવાદીઓ ઠાર કરાયા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગઈકાલે મંગળવારે પર્યટકો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 28 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે આજે બુધવારે આતંકવાદીઓ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, સેનાના જવાનોએ આતંકવાદીઓના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જ્યાં આતંકવાદીઓ અને સૈનિકો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં બે આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા.

સેનાએ હથિયારો-દારૂગોળો જપ્ત કર્યો
ભારતીય સેનાએ બારામુલ્લાના હાજી પીર સેક્ટરમાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કર્યો હતો. સેના દ્વારા જપ્ત કરવામાં આવેલા હથિયારો અને દારૂગોળામાં રાઈફલ, જીવતા કારતૂસ, મેગજિન અને પાકિસ્તાની કરન્સી મળી આવી હતી.
આ પણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલામાં પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીના મોત, આજે કાશ્મીર બંધનું એલાન
બારામુલ્લામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, ઓપરેશન ચાલુ: સેના
માહિતી આપતાં, ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, આજે બુધવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. X પરની એક પોસ્ટમાં, ચિનાર કૉર્પ્સે જણાવ્યું હતું કે 23 એપ્રિલ 2025ના રોજ, લગભગ 2-3 UAH આતંકવાદીઓએ બારામુલ્લા(ઉત્તર કાશ્મીરમાં)ના ઉરી નાલ્લામાં સરજીવાનના સામાન્ય વિસ્તારમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.


