Indigo વિમાનમાં ટેકનિકલ ખામી, દિલ્હીથી ગોવા જતી ફ્લાઇટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ
Indigo Plane Engine Failed: દિલ્હીથી ગોવા જતી ઈન્ડિગોની એક ફ્લાઇટનું બુધવારે રાત્રે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એક એન્જિન ફેલ થવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. જો કે, ઇન્ડિગો દ્વારા ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું જણાવાય રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઈટે ઉડાન ભર્યા બાદ પાયલટે રાત્રે અંદાજિત 9:25 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને ઇમરજન્સી સ્થિતિની માહિતી આપી હતી. ત્યારબાદ વિમાનનું રાત્રે અંદાજિત 9:42 વાગ્યે સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું. વિમાનના સુરક્ષિત લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. એરપોર્ટ પર પૂર્ણ ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરાઈ. ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.
ઇન્ડિગોએ જાહેર કર્યું નિવેદન
ઇન્ડિગોના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, દિલ્હીથી ગોવાના મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જતી ફ્લાઇટ 6E 6271માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેને લઈને પ્રક્રિયાઓનું પાલન કરીને વિમાનને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. વિમાનને ફરીથી કાર્યરત કરતા પહેલા જરૂરી તપાસ અને જાળવણી કરવામાં આવશે, પરંતુ મુસાફરી પૂર્ણ કરવા માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં મુસાફરો સાથે રવાના થશે.