ઇન્ડિગો સાતમા દિવસે પણ સંકટમાં વધુ 562 ફ્લાઇટ્સ રદ કરવી પડી

- મુસાફરો મુશ્કેલીમાં મુકાયા, અત્યંત ગંભીર મામલો : સુપ્રીમ
- નવ હજારમાંથી 4500 બેગ પરત કરાઇ, ૫૬૯ કરોડનું રિફંડ મુસાફરોને અપાયું, પાંચ લાખથી વધુ ટિકિટના પીએનઆર રદ
- 100 ટકા નેટવર્ક રિસ્ટોર કરી લેવાયું, ૯૧ ટકા ફ્લાઇટ્સ ઓનટાઇમ ઓપરેટ થઇ રહી છે : ઇન્ડિગોનો દાવો
- ઇન્ડિગો સામે એવી કાર્યવાહી કરીશું કે જે અન્ય એરલાઇન્સ માટે દાખલારૂપ સાબિત થશે : ઉડ્ડયન મંત્રી
નવી દિલ્હી : ઇન્ડિગો એરલાઇન્સ કટોકટીની સ્થિતિમાંથી હજુ પણ બહાર નથી આવી શકી, ગત મંગળવારથી ફ્લાઇટો રદ કરવાનો સિલસિલો શરૂ થયો હતો જે હાલ પણ ચાલી રહ્યો છે. સોમવારે ઇન્ડિગોએ છ મેટ્રો એરપોર્ટ્સની વધુ ૫૬૨ ફ્લાઇટો રદ કરી દીધી હતી. જેમાં માત્ર બેંગલુરુની જ ૧૫૦ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. ઇન્ડિગોની દૈનિક બે હજાર જેટલી ફ્લાઇટ્સમાંથી ૫૬૦ રદ કરવામાં આવતા ફરી અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. દેશના મોટા એરપોર્ટ્સ પર રેલવે કે બસ સ્ટેશન જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે સોમવારે ઇન્ડિગોની કુલ ૧૮૦૨ ફ્લાઇટ્સ ઉડાન ભરવાની હતી, જેમાંથી ૫૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. મુસાફરોની નવ હજાર બેગોમાંથી ૪૫૦૦ બેગો પરત સોંપી દેવામાં આવી છે અને બાકી બેગો પણ આગામી ૩૬ કલાકમાં સોંપી દેવાશે. મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે ૧થી ૭ ડિસેમ્બર વચ્ચે બૂક કરેલી ૫,૮૬,૭૦૫ ટિકિટોના પીએનઆર રદ કરીને પુરુ રિફંડ સોંપી દેવાયું છે. જેની કુલ રકમ રૂ. ૫૬૯.૬૫ કરોડ રૂપિયા છે.
ઇન્ડિગોના જણાવ્યા મુજબ શનિવારે ૧૫૬૫ ફ્લાઇટ્સ રદ કરી હતી, રવિવારે ૭૫૦ ફ્લાઇટ્સ રદ કરાઇ હતી, સોમવારે આ સંખ્યા ૫૦૦થી વધુ રહી હતી. ૧ નવેમ્બરથી લાગુ નવા ફ્લાઇટ ડયૂટી નિયમોને કારણે આ સ્થિતિ સર્જાઇ હોવાનો દાવો થઇ રહ્યો છે. દેશભરમાં ઇન્ડિગોના મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સતત સાતમા દિવસે પણ સ્થિતિ ઠેરની ઠેર છે અને અનેક મુસાફરો પાણી, ભોજન વગર એરપોર્ટ પર ફસાયેલા છે. એવામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ અત્યંત ગંભીર મામલો છે અમને ખ્યાલ છે કે મુસાફરોને સ્વાસ્થ્ય સહિતની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હશે. જોકે હાલ સમગ્ર મામલામાં દખલ દેવાની સુપ્રીમે ના પાડી હતી. જ્યારે દિલ્હી હાઇકોર્ટ આ મામલે ૧૦મી ડિસેમ્બરના રોજ સુનાવણી કરવા માટે તૈયાર છે.
બીજી તરફ કેન્દ્ર સરકાર ઇન્ડિગો સામે આકરા પગલા લઇને અન્ય એરલાઇન્સ માટે દાખલો બેસાડવા માગે છે તેવા અહેવાલો સામે આવ્યા છે. જેને પગલે ઇન્ડિગોની સામે મોટી કાર્યવાહી થઇ શકે છે. આ માહિતી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સંસદમાં આપી હતી. બીજી તરફ ઇન્ડિગોએ ડીજીસીએની નોટિસનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે અમને આ ઘટના પર અફસોસ છે, અમે મુસાફરોની માફી માગીએ છીએ. ૧૦૦ ટકા નેટવર્ક રીસ્ટોર કરી લીધુ છે, ૯૧ ટકા ફ્લાઇટ્સ ઓનટાઇમ ઓપરેટ થઇ રહી છે. તેવો દાવો પણ ઇન્ડિગોએ સોમવારે કર્યો હતો. દેશના વિવિધ એરપોર્ટ પર મુસાફરોની કફોડી સ્થિતિની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં મોટાભાગના મુસાફરો એરલાઇન્સ પર રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.

