Get The App

VIDEO: ટેક ઓફ અગાઉ ઈન્ડિગોની ફ્લાઈટમાં બબાલ! પાઈલટના એક નિર્ણયથી મુસાફરો ઉશ્કેરાયા

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: ટેક ઓફ અગાઉ ઈન્ડિગોની ફ્લાઈટમાં બબાલ! પાઈલટના એક નિર્ણયથી મુસાફરો ઉશ્કેરાયા 1 - image


Indigo mumbai : મુંબઈથી થાઇલેન્ડના ક્રાબી જઈ રહેલી ઈન્ડિગોની એક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ગુરુવારે ભારે હોબાળો થયો હતો. કલાકોથી રાહ જોઈ રહેલા મુસાફરો ત્યારે રોષે ભરાયા જ્યારે પાયલોટે તેની ફરજનો સમય (Duty Hours) પૂર્ણ થયાની જાહેરાત કરી પ્લેન ઉડાવવાનો ઇનકાર કર્યો. આ બાબતે ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા એક મુસાફરે વિમાનના એક્ઝિટ ગેટને લાત મારી હતી અને પાયલોટ વિરુદ્ધ અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફ્લાઈટ કલાકો મોડી પડી

ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઇટ અનુસાર, મુંબઈથી ક્રાબી જનારી ઈન્ડિગોની આ ફ્લાઈટ સવારે 04:05 વાગ્યે ઉડવાની હતી, પરંતુ ત્રણ કલાકથી વધુ સમય સુધી તે ટેક-ઓફ કરી શકી નહોતી. આ ફ્લાઈટ જે સવારે 10 વાગ્યે ક્રાબી પહોંચવાની હતી, તે છેક બપોરે 1 વાગ્યે ત્યાં પહોંચી હતી.

"અમારી ટ્રીપનું શું?" મુસાફરોનો આક્રોશ

મુસાફરોનો આરોપ છે કે, પાયલોટે તેની ડ્યુટીનો સમય પૂરો થયો હોવાનું કહીને પ્લેન ઉડાવવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ ફ્લાઈટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાયરલ વીડિયોમાં એક મુસાફર ક્રૂ મેમ્બર્સને પૂછતો જોવા મળે છે કે, "તમે ઉંદરની જેમ છુપાઈને કેમ બેઠા છો? અમારા ટ્રાવેલ પ્લાનનું શું થશે?" આ દરમિયાન એક મુસાફર પ્લેનના દરવાજા પર લાત મારતો પણ જોવા મળ્યો હતો.

ઈન્ડિગોએ સ્પષ્ટતા કરી

આ ઘટના અંગે ઈન્ડિગોએ સત્તાવાર નિવેદન જારી કર્યું છે. એરલાઇન્સના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, મુંબઈથી ઉડાન ભરવામાં વિલંબનું પ્રાથમિક કારણ મુંબઈ એરપોર્ટ પરની વ્યસ્તતા, હવાઈ ટ્રાફિક અને ક્રૂ મેમ્બર્સના નિર્ધારિત કામના કલાકોની મર્યાદા (FDTL) માં થયેલો ફેરફાર હતો.

મુસાફરો વિરુદ્ધ કાર્યવાહી

વિમાનમાં હોબાળો કરનારા બે મુસાફરોને 'અનુશાસનહીન' (Unruly Passengers) જાહેર કરવામાં આવ્યા હતા. તેમને ફ્લાઈટમાંથી ઉતારીને સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવ્યા હતા. ઈન્ડિગોએ વધુમાં જણાવ્યું કે, તેઓ તમામ મુસાફરો માટે સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે અને મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે.