Get The App

ઇન્ડિગોનું સંકટ અચાનક નથી આવ્યું, પરંતુ ‘ગણતરીપૂર્વક ઘડાયેલું કાવતરું’! એરલાઇન્સ પર ગંભીર આરોપ

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
IndiGo crisis

IndiGo Crisis: ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોનું સંકટ રાષ્ટ્રીય જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરનો મુદ્દો બની ચૂક્યો છે. ભારતમાં 90થી વધુ શહેરો અને વિદેશમાં 40થી વધુ શહેરોમાં સેવા પૂરી પાડતી આટલી મોટી વિમાની કંપની લગભગ એક સપ્તાહથી ગંભીર સંકટનો સામનો કરી રહી છે. તેના કારણો જે પણ હોય, પરંતુ ઇન્ડિગો પર આરોપ છે કે કંપનીએ જાણી જોઈને એની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને સાચવી લીધી અને ઘરેલુ ફ્લાઇટ્સને રઝળાવી દીધી. 

ચાલો, જાણીએ કે આવો આરોપ કયા કારણસર લાગ્યો છે. 

સોશિયલ મીડિયા પર ઉઠ્યા સવાલ, ‘કાવતરા’નો આરોપ 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં ગંભીર આરોપ મૂકાયો છે કે, ઇન્ડિગો દ્વારા ફ્લાઇટ રદ કરવાની પ્રક્રિયા ‘રાતોરાત સર્જાયેલી અરાજકતા’ નથી, પરંતુ એક ‘ગણતરીપૂર્વક કરાયેલું કાવતરું’ છે. આ પોસ્ટમાં દાવો કરાયો છે કે એરલાઇને તેની નફાકારક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને જાણી જોઈને ‘સુરક્ષિત’ રાખી છે, અને ઓછા માર્જિનવાળી સ્થાનિક ફ્લાઇટ્સનું બલિદાન આપ્યું છે. આવો ગંભીર આરોપ લગાવનાર પોસ્ટ વાયરલ થઈ ગઈ છે.

ઇન્ડિગોનું સંકટ અચાનક નથી આવ્યું, પરંતુ ‘ગણતરીપૂર્વક ઘડાયેલું કાવતરું’! એરલાઇન્સ પર ગંભીર આરોપ 2 - image

કાવતરાનો આરોપ મૂકીને કેવા કારણો અપાયા છે?

આ પોસ્ટમાં આરોપ લગાવનારે નીચે મુજબના કારણો આપીને તર્ક કર્યો છે.

- આંતરરાષ્ટ્રીય રૂટ્સમાં અમેરિકન ડૉલર્સમાં આવક થાય છે, તેથી કંપનીને વધુ નફો મળે છે. 

- આંતરરાષ્ટ્રીય રૂટ્સમાં ફ્યુલનો ખર્ચ ઓછો આવે છે. 

- આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવાથી વિદેશી નિયમો લાગુ પડતા હોય છે અને એને આધારે મુસાફરોને મોટું વળતર આપવાનું જોખમ હોય છે. 

આવા બધા કારણોસર ઇન્ડિગોએ સ્થાનિક રૂટ્સના ભોગે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને સાચવી લીધી છે. 

નિષ્ણાતો અને યુઝર્સની પ્રતિક્રિયા

આ આરોપને બળ મળે એવી પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર મળી છે. કોઈકે આ સમગ્ર મુદ્દાને ‘ઇન્ડિગો દ્વારા રચેલી કાલ્પનિક વાર્તા’ કહ્યું છે, તો કોઈકે એને ‘ઇન્ડિગોની સુસંગઠિત વ્યૂહરચના’ તરીકે વર્ણવી છે. હવાઈ ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતોને પણ આ આરોપમાં દમ લાગે છે. 

આ આરોપ બાબતે ઇન્ડિગોએ શું કહ્યું?

આ આરોપની સત્યતા ચકાસી શકાઈ નથી. પરંતુ ઇન્ડિગોએ પણ આ આરોપ બાબતે હજુ સુધી કોઈ પ્રતિભાવ આપ્યો નથી. સોશિયલ મીડિયા પર લાગેલા આ આરોપે ગ્રાહકોના હિતો બાબતે મહત્ત્વના પ્રશ્નો ઉઠાવ્યા છે.

પાયલટ ડ્યુટી નિયમોમાં થયેલા ફેરફારોએ સર્જી સમસ્યા 

ઇન્ડિગોએ આ વ્યાપક વિક્ષેપનું કારણ પાયલટ ડ્યુટી નિયમોમાં કરાયેલા ફેરફારોને ગણાવ્યા છે. પાયલટને વધુ આરામ મળી શકે (અને એને પગલે ફ્લાઇટ વધુ સલામત બને) એ માટે પાયલટના ફરજિયાત આરામનો સમય સપ્તાહના 36 કલાકથી વધારીને 48 કલાક કરાયો હતો. ઇન્ડિગોના મતે 1 નવેમ્બરથી લાગુ કરાયેલા આ નિયમના અમલમાં ‘ખોટી સમજણ અને આયોજનમાં ખામી’ના કારણે આ સ્થિતિ સર્જાઈ. આ ફેરફારને કારણે ક્રૂ શેડ્યુલિંગ (સ્ટાફના વ્યવસ્થાપન) અને ફ્લાઇટ્સના સમયપત્રક પર નોંધપાત્ર અસર પડી, જેને કારણે ઘણી ફ્લાઇટ્સ માટે પાયલટ ઉપલબ્ધ નહોતા થઈ શક્યા. 

ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને ઠપકો આપ્યો

નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ ઇન્ડિગોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી હતી. આ દરમિયાન એરલાઇને રદ કરાયેલી ફ્લાઇટ્સના આંકડા રજૂ કર્યા અને ક્રૂ પ્લાનિંગ, ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સને લગતાં નિયમો તેમજ હવામાન સંબંધિત અવરોધોને કારણભૂત ગણાવ્યા. 

ઇન્ડિગોનું સંકટ અચાનક નથી આવ્યું, પરંતુ ‘ગણતરીપૂર્વક ઘડાયેલું કાવતરું’! એરલાઇન્સ પર ગંભીર આરોપ 3 - image

જો કે, નાયડુએ સ્થિતિને હેન્ડલ કરવાની એરલાઇનની રીત બાબતે સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ઇન્ડિગો પાસે નવા નિયમો મુજબ વ્યવસ્થા ઊભી કરવા માટે પૂરતો સમય હતો. તેમણે ઇન્ડિગોને તાત્કાલિક સંચાલન સામાન્ય કરવા અને ભાડાંમાં કોઈ વધારો ન થાય તેની ખાતરી રાખવાની સૂચના આપી હતી. મુસાફરોની તકલીફ ઓછી થાય એ માટે નાયડુએ ઍરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા(AAI)ને તથા તમામ ઍરપોર્ટ ડિરેક્ટરોને જમીની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવા અને ફસાયેલા તમામ મુસાફરોને જરૂરી સગવડો અને સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યા છે. આમ છતાં, અનેક મુસાફરોએ જે તે સ્થળે પહોંચવા માટે ભાડારૂપે ખૂબ ઊંચી રકમ ચૂકવવી પડી. 

ઇન્ડિગોએ મુસાફરોની માફી માંગી 

ઇન્ડિગોએ ‘X’ પર મુસાફરોની જાહેર માફી માંગી છે અને સ્થિતિ સામાન્ય બનાવવા માટે તેમના તમામ પ્રયાસો ચાલુ રાખવાનું વચન આપ્યું છે. એરલાઇને જણાવ્યું છે કે, 8 ડિસેમ્બર સુધી વધુ ફ્લાઇટ રદ થવાની શક્યતા છે, પરંતુ એ પછી ધીમે ધીમે સ્થિરતા આવી જશે. ખાસ કરીને 10 ફેબ્રુઆરી સુધીમાં સંપૂર્ણ ફ્લાઇટ ઓપરેશન રાબેતા મુજબ થઈ જશે.