Get The App

ભારતમાં ટોચના 1 ટકા અમીરોની સંપત્તિમાં 23 વર્ષમાં 62 ટકાનો ઉછાળો! આંકડા ચોંકાવનારા

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
ભારતમાં ટોચના 1 ટકા અમીરોની સંપત્તિમાં 23 વર્ષમાં 62 ટકાનો ઉછાળો! આંકડા ચોંકાવનારા 1 - image


India Income inequality: વિશ્વમાં આવકની અસમાનતા વધી રહી હોવાનો એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાની જી20 અધ્યક્ષતા હેઠળ રચાયેલી સમિતિ દ્વારા તૈયાર આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 24 વર્ષમાં વિશ્વમાં સર્જાયેલી નવી સંપત્તિમાં ટોચના 1 ટકા ધનિકોનો હિસ્સો 41 ટકા રહ્યો છે. જેમાં ભારતના સૌથી વધુ સંપત્તિ ધરાવતા 1 ટકા ધનિકોની સંપત્તિ 63 ટકા વધી છે. 

નોબલ પુરસ્કાર વિજેતા જોસેફ સ્ટિગ્લિટ્જના નેતૃત્વમાં હાથ ધરાયેલા અભ્યાસમાં આગાહી કરવામાં આવી હતી કે, વૈશ્વિક અસમાનતા સંકટના સ્તર પર પહોંચી છે, જેનાથી લોકશાહી, આર્થિક સ્થિરતા અને જળવાયુ વિકાસ પર જોખમ વધ્યું છે. વૈશ્વિક અસમાનતા પર સ્વતંત્ર તજજ્ઞોની જી20 અસાધારણ સમિતિએ જણાવ્યું કે, વૈશ્વિક સ્તર પર 2000થી 2024 દરમિયાન થયેલા કુલ સંપત્તિ સર્જનમાં 41 ટકા હિસ્સો સૌથી ધનિક 1 ટકા વસ્તીનો રહ્યો હતો. જ્યારે નિમ્ન વર્ગની આવક ધરાવતા વસ્તીનો તેમાં માત્ર 1 ટકા હિસ્સો રહ્યો હતો. આ સમિતિમાં અર્થશાસ્ત્રી જયતિ ઘોષ, વિની બયાનીમા અને ઈમરાન વાલોદિયા સામેલ છે.

ભારતમાં ધનિકોની સંપત્તિ વધી

રિપોર્ટ અનુસાર, આંતર-દેશીય અસમાનતામાં ઘટાડો નોંધાયો છે. ચીન અને ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશોની માથાદીઠ આવક વધી છે. ગ્લોબલ જીડીપીમાં હાઇ ઇન્કમ ધરાવતા દેશોનો હિસ્સો ઘટ્યો છે. ભારતમાં વર્ષ 2000થી 2023 દરમિયાન સૌથી વધુ ધનિક 1 ટકા વસ્તીની સંપત્તિમાં હિસ્સો 63 ટકા વધ્યો છે. ચીનમાં આ આંકડો 54 ટકા રહ્યો છે.

આવકની અસમાનતા પર નજર રાખશે આ સમિતિ

વૈશ્વિક સ્તરે આવકની અસમાનતા પર નજર રાખવા અને નીતિ નિર્માણમાં માર્ગદર્શન માટે જળવાયુ પરિવર્તન પર આંતર-સરકારી સમિતિ(આઇપીસીસી)ના આધાર પર એક આંતરરાષ્ટ્રીય અસમાનતા સમિતિ (આઇપીઆઇ)ની રચનાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. દક્ષિણ આફ્રિકાની જી20ની અધ્યક્ષતા હેઠળ ઘડાનારી આ સમિતિ સરકારને અસમાનતાના આંકડા અને તેના કારણો વિશે માહિતી ઉપલબ્ધ કરાવશે. વધુ પડતી આવકની અસમાનતા ધરાવતા દેશોમાં સમાન દેશોની તુલનાએ લોકતંત્રના પતનની સંભાવના સાતગણી વધુ છે. 

વર્ષ 2020થી વૈશ્વિક સ્તરે ગરીબીમાં ઘટાડો થયો છે, અમુક ક્ષેત્રોમાં સ્થિતિ અત્યંત કથળી છે. 2.3 અબજ લોકો મધ્યમ અને ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2019થી 33.5 કરોડથી વધુ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. વિશ્વની અડધી વસ્તી આજે પણ આવશ્યક પ્રાથમિક આરોગ્ય સેવાઓથી વંચિત છે. 1.3 અબજ લોકો ઓછી આવક અને સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચના કારણે ગરીબીમાં જીવી રહ્યા છે.

ભારતમાં ટોચના 1 ટકા અમીરોની સંપત્તિમાં 23 વર્ષમાં 62 ટકાનો ઉછાળો! આંકડા ચોંકાવનારા 2 - image

Tags :