ભારતના 'સુદર્શન ચક્ર' અભિયાનને અદ્ભૂત સફળતા

- એરડિફેન્સમાં ભારત હવે અમેરિકા, રશિયા અને ચીનની સમકક્ષ આવી જશે
- બહુસ્તરીય હવાઈ સંરક્ષણ સિસ્ટમ આઈએડીડબલ્યુએસમાં લાંબા અને ટૂંકા અંતરની મિસાઈલો, લેસર હથિયારનો સમાવેશ
- આ સફળતા અત્યાધુનિક સુરક્ષા ટેક્નોલોજીમાં ભારતની વધતી નિપુણતા અને દેશની આત્મનિર્ભરતા દર્શાવે છે ઃ રાજનાથ
ભારતની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે ડીઆરડીઓએ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ડીઆરડીઓએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે, ૨૩ ઑગસ્ટે બપોરે ૧૨.૩૦ કલાકે ઓડિશામાં આઈએડીડબલ્યુએસનું પહેલું ઉડ્ડયન પરિક્ષણ સફળ રહ્યું. ડીઆરડીઓ મુજબ આએડીડબલ્યુએસ બહુસ્તરીય સુરક્ષા સિસ્ટમ છે, જેમાં સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. આ સિસ્ટમમાં હવાઈ હુમલાને રોકવા સક્ષમ ક્વિક રીએક્શન સરફેસ ટુ એર મિસાઈલ, અત્યાધુનિક ખૂબ જ ટૂંકા અંતરની હવાઈ સુરક્ષા સિસ્ટમ છે, જે નજીકના જોખમોનો નાશ કરવા માટે બનાવાઈ છે. આ સિવાય તેમાં મિસાઈલો અને એક હાઈ-પાવર લેસર આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપનનો સમાવેશ થાય છે. ડાયરેક્ટેડ એનર્જી વેપન એક એવું હથિયાર છે, જે લેસર જેવી ઊર્જાનો ઉપયોગ કરે છે. તે હવામાં દુશ્મનના ફાઈટર જેટ અને મિસાઈલોનો નાશ કરવામાં સક્ષમ છે.
આઈએડીડબલ્યુએસ હેઠળ સેન્ટ્રલાઈઝ્ડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર દ્વારા બધી જ હથિયાર સિસ્ટમ્સની કામગીરીને એકીકૃત કરાઈ છે. કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ડીઆરડીઓએ વિકસાવ્યું છે, જે એર ડિફેન્સ પ્રોગ્રામ માટે નોડલ લેબોરેટરી છે. આ એકીકૃત સિસ્ટમમાં વીએસએચઓઆરએડીએસ રિસર્ચ સેન્ટર ઈમરત અને ડીઈડબલ્યુ સેન્ટર ફોર હાઈ એનર્જી સિસ્ટમ્સ એન્ડ સાયન્સ દ્વારા વિકસાવાયા છે.
ડીઆરડીઓએ આ સફળતા માટે ભારતીય સશસ્ત્ર દળો અને તેને વિકસાવનારી ટીમોને અભિનંદન પાઠવ્યા હતા. ડીઆરડીઓએ જણાવ્યું કે, આ હવાઈ સુરક્ષા સિસ્ટમ ખૂબ જ મહત્વપૂર્ણ સુવિધાઓથી સજ્જ છે, જે દુશ્મનના હવાઈ જોખમો સામે સુરક્ષા પૂરી પાડશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, આ હવાઈ સુરક્ષા હથિયાર સિસ્ટમના સફળ વિકાસ માટે ડીઆરડીઓ, ભારતીય સશસ્ત્ર દળો અને ઉદ્યોગ જગતને અભિનંદન. આ સફળ પરિક્ષણ ભારતની અત્યાધુનિક સુરક્ષા ટેક્નોલોજીમાં વધતી નિપુણતા દર્શાવે છે અને આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ દેશની આત્મ નિર્ભરતાને મજબૂત કરે છે. આ અનોખા પરિક્ષણે ભારતની બહુસ્તરીય હવાઈ સુરક્ષા ક્ષમતા સ્થાપિત કરી છે, જે દુશ્મનના હવાઈ જોખમો વિરુદ્ધ મહત્વપૂર્ણ સંસ્થાનોના પ્રાદેશિક રક્ષણને વધુ સશક્ત કરશે.
ડીઆરડીઓએ કહ્યું , સુદર્શન ચક્ર ભારતની નવી રાષ્ટ્રીય સુરક્ષા સિસ્ટમ છે, જે ડીઆરડીઓ અને ઈસરોએ સાથે મળીને વિકસાવી છે. તેનું નામ ભગવાન કૃષ્ણના શસ્ત્ર 'સુદર્શન ચક્ર' પરથી રાખવામાં આવ્યું છે, આ અમોઘ શસ્ત્ર દુશ્મનોને પરાસ્ત કરવાનું પ્રતીક છે. આ એડવાન્સ મિસાઈલ ડિફેન્સ અને નિરીક્ષણ સિસ્ટમ છે, જે ભારતને હવાઈ હુમલા, મિસાઈલ અને ડ્રોન હુમલાથી બચાવવા ડિઝાઈન કરાઈ છે.








