India

માલદિવ્સને વિકાસ માટે ભારતની 5,000 કરોડની લોન: મોદી

By GS TEAM
26 Jul 20254 mins read
માલદિવ્સને વિકાસ માટે ભારતની 5,000 કરોડની લોન: મોદી

- પ્રમુખ મુઈઝ્ઝુએ કેબિનેટ સાથે પીએમ મોદીનું 'રેડ કાર્પેટ' સ્વાગત કર્યું

- સૈન્ય માટે 72 હેવી વ્હિકલ્સ પણ અપાશે: વેપાર, સંરક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહકાર અને મુક્ત વેપાર કરાર માટે વિસ્તૃત ચર્ચા કરી 

- પીએમ મોદી આજે માલદિવ્સના 60મા સ્વતંત્રતા સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે

- ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ અને 'મહાસાગર' વિઝનમાં માલદિવ્સની વિશેષ ભૂમિકા: પીએમ મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટન સાથે મુક્ત વેપાર કરાર કર્યા પછી શુક્રવારે માલદિવ્સના બે દિવસના પ્રવાસે રાજધાની માલે પહોંચ્યા હતા, જ્યાં પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુએ એરપોર્ટ પર સમગ્ર કેબિનેટ સાથે તેમને આવકાર્યા હતા અને રેડ કાર્પેટ સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદિવ્સને રૂ. ૫,૦૦૦ કરોડની લોન અને ૭૨ હેવી વ્હિકલ્સ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, ભારત માલદિવ્સનું સૌથી વિશ્વસનીય અને સંકટના કોઈપણ સમયે સૌથી પહેલાં મદદ કરનારું રાષ્ટ્ર છે.

હિન્દ મહાસાગરના હાર્દ સમાન, અતિ વ્યૂહાત્મક ટાપુ-સમુહ માલદીવનાં પાટનગર માલેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે આવી પહોંચતાં તેઓનું 'રેડ-કાર્પેટ'થી સ્વાગત કરાયું હતું. એરપોર્ટ પર જ પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ પોતે એરપોર્ટ પર તેમને આવકારવા મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યો સાથે હાજર રહ્યા હતા. પીએમ મોદી શનિવારે માલદિવ્સના ૬૦મા સ્વાતંત્ર્ય દિન સમારંભમાં મુખ્ય અતિથી તરીકે હાજર રહેશે.આ પહેલાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદિવ્સના પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુની હાજરીમાં બંને દેશોએ અનેક સમજૂતી કરી હતી. ભારત સરકારે માલદિવ્સના સંરક્ષણ ંમત્રાલયને ૭૨ હેવી વ્હિકલ્સ આપ્યા છે. સાથે જ ભારતે ટાપુ રાષ્ટ્રને રૂ. ૪,૮૫૦ કરોડની નવી લોન આપવા અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ માલદિવ્સને ભારતીય રૂપિયામાં અપાયેલી પહેલી લાઈન ઓફ ક્રેડિટ (એલઓસી) છે. આ લોન માલદિવ્સના વિકાસની જરૂરિયાતો માટે મદદની ભારતની પરંપરાને આગળ વધારે છે.

આ સિવાય ભારત અને માલદિવ્સે અન્ય એક મહત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, જેનાથી બંને દેશ વચ્ચે વર્તમાન ડૉલર લોન મર્યાદામાં સુધારો થયો છે. આ સમજૂતી સાથે માલદિવ્સની વાર્ષિક લોન ચૂકવણીની જવાબદારી લગભગ ૫.૧ કરોડ ડોલરથી ૪૦ ટકા ઘટીને ૨.૯ કરોડ ડોલર થઈ જશે.

પીએમ મોદીએ કહ્યું કે, માલદિવ્સ સાથે આર્થિક ભાગીદારીને ગતિ આપવા અમે અનેક પગલાં લીધા છે. અમે સંયુક્ત રોકાણ વધારવા માટે ટૂંક સમયમાં મુક્ત વેપાર કરારને અંતિમરૂપ આપવાની દિશામાં કામ કરીશું. આ માટેની વાટાઘાટો શરૂ થઈ ગઈ છે. સ્થાનિક ચલણ સમાધાન સિસ્ટમથી અમે ભારતીય રૂપિયા અને માલદિવ્સના રૂફિયા વચ્ચે સીધો વેપાર કરી શકીશું. માલદિવ્સમાં યુપીઆઈનું ચલણ જે ગતિએ વધી રહ્યું છે, તેનાથી પ્રવાસન અને રીટેલ વેપાર મજબૂત થશે.

પીએમ મોદી અને પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુએ વેપાર, સંરક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રોમાં સહકાર માટે વ્યાપક ચર્ચા કરી હતી. માલદિવ્સ પ્રવાસમાં બંને દેશના ગાઢ સંબંધો પર પ્રકાશ પાડતા પીએમ મોદીએ કહ્યું કે, ભારત માલદિવ્સનું સૌથી નજીકનું પડોસી અને સૌથી વિશ્વસનીય મિત્ર છે. ભારતની નેબરબૂડ ફર્સ્ટ નીતિ અને મહાસાગર વિઝનમાં માલદિવ્સનું વિશેષ સ્થાન છે.

પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુએ કહ્યું કે, પીએમ મોદીનો આ પ્રવાસ બે મહત્વપૂર્ણ પ્રસંગો સાથે થઈ રહ્યો છે. શનિવારે પીએમ મોદી મારી સાથે માલદિવ્સના ૬૦મા સ્વતંત્રતા દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. વડાપ્રધાન મોદી અને મેં અનેક મહત્વના ક્ષેત્રોમાં ચાર એમઓયુ અને ત્રણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

દેશમાં વડાપ્રધાન તરીકે નહેરુનો કાર્યકાળ સૌથી લાંબો

નરેન્દ્ર મોદીએ સૌથી લાંબો સમય પીએમ તરીકે ઈન્દિરા ગાંધીને પાછળ પાડયા

- ચૂંટાયેલી સરકારના વડા તરીકે રાજ્ય-કેન્દ્રમાં સૌથી લાંબો સમય સત્તા સંભાળવાનો વિક્રમ નરેન્દ્ર મોદીના નામે

નવી દિલ્હી : નરેન્દ્ર મોદીએ સતત સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન રહેવાની બાબતમાં કોંગ્રેસના દિવંગત નેતા ઈન્દિરા ગાંધીને પાછળ રાખીને બીજા ક્રમે પહોંચી ગયા છે. દેશમાં વડાપ્રધાન તરીકે સૌથી લાંબા કાર્યકાળનો વિક્રમ પંડિત જવાહરલાલ નહેરુના નામે છે. નરેન્દ્ર મોદીએ શુક્રવારે વડાપ્રધાનપદે સળંગ ૪,૦૭૮ દિવસ પૂરા કર્યા છે જ્યારે ઈન્દિરા ગાંધી ૪,૦૭૭ દિવસ સુધી પીએમપદે રહ્યા હતા.

દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ સતત સૌથી લાંબા કાર્યકાળ સુધી પીએમપદ પર રહેવાનો વિક્રમ ધરાવે છે. પંડિત નહેરુ ઑગસ્ટ ૧૫, ૧૯૪૭થી મે ૨૭, ૧૯૬૪ના રોજ તેમના મૃત્યુ સુધી વડાપ્રધાનપદે રહ્યા હતા. તેમનો કાર્યકાળ અવિરત ૬,૧૩૦ દિવસનો હતો. બીજીબાજુ નરેન્દ્ર મોદીએ શુક્રવારે વડાપ્રધાન તરીકે અવિરત ૪,૦૭૮ દિવસ પૂરા કર્યા છે. રસપ્રદ વાત એ છે કે પંડિત નહેરુ અને નરેન્દ્ર મોદી બંનેએ સતત ત્રણ લોકસભા ચૂંટણીઓમાં તેમના પક્ષને વિજય અપાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ મે ૨૬, ૨૦૧૪ના રોજ વડાપ્રધાનપદે ચૂંટાયા પછી સતત ૪,૦૭૮ દિવસથી સત્તા જાળવી રાખી છે. કોંગ્રેસ નેતા ઈન્દિરા ગાંધીએ લાલબહાદુર શાસ્ત્રીના આકસ્મિક નિધન પછી જાન્યુઆરી ૨૪, ૧૯૬૬ના રોજ વડાપ્રધાન તરીકે સત્તા સંભાળી હતી અને માર્ચ ૨૪, ૧૯૭૭ સુધી પીએમપદે રહ્યા હતા.

જોકે, દેશમાં ચૂંટાયેલી સરકારના વડા તરીકે રાજ્ય અને કેન્દ્રમાં સૌથી લાંબો સમય સુધી સત્તા સંભાળવાનો વિક્રમ નરેન્દ્ર મોદીના નામે છે. તેઓ વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને ૨૦૧૪માં વડાપ્રધાન તરીકે શપથ લીધા સુધી અવિરત તેમણે મુખ્યમંત્રીપદ સંભાળ્યું હતું. એટલે કે નરેન્દ્ર મોદી છેલ્લા ૨૪ વર્ષથી સત્તામં છે. તેઓ પહેલા લગભગ ૧૩ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા અને હવે છેલ્લા ૧૧ વર્ષથી વડાપ્રધાનપદ પર છે. નરેન્દ્ર મોદી આઝાદ ભારતમાં જન્મેલા સૌપ્રથમ વડાપ્રધાન છે અને સૌથી લાંબો સમય સત્તા પર રહેનારા બિન કોંગ્રેસી વડાપ્રધાન છે. આ સિવાય નરેન્દ્ર મોદી એવા સૌપ્રથમ નેતા છે, જેમણે કેન્દ્રમાં સતત બે વખત વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ પૂરો કર્યો છે. નરેન્દ્ર મોદી દેશના એકમત્ર એવા નેતા છે, જેઓ ગુજરાત વિધાનસભામાં ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ તથા લોકસભામાં ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ એમ સતત છ ચૂંટણી જીત્યા છે.