જી-20 ટાણે અદાણીને કારણે ભારતની પ્રતિષ્ઠા દાવ પર: રાહુલ
- વડાપ્રધાને તાબડતોબ જેપીસી તપાસનો આદેશ આપવો જોઈએ
- દેશના આંતરમાળખાકીય ક્ષેત્ર પર પ્રભુત્વ ધરાવતી કંપનીઓનું વેલ્યુએશન કરવાની છૂટ બે વિદેશી નાગરિકોને કેવી રીતે અપાઈ
- રાહુલે કહ્યું હતું કે આ પુરાવા મળ્યા પછી એક તપાસ થઈ હતી પરંતુ સેબીએ આ તપાસમાં અદાણીને ક્લિનચીટ આપી દીધી
મુંબઈ : ભારતમાં જી ૨૦ની શિખર બેઠક થવાની છે તેવા સમયે જ અદાણી જૂથ સામે થયેલા નવા આક્ષેપોને કારણે ભારતની આબરુ હોડમાં મૂકાઈ છે. વડાપ્રધાન તત્કાળ અદાણી મુદ્દે જેપીસીની રચના કરી પોતાની જાતને નિષ્કલંક સાબિત કરવી જોઈએ એવી માગણી રાહુલ ગાંધીએ કરી છે. રાહુલે કહ્યું હતું કે અદાણી મુદ્દે જેપીસીની માંગણીના ટેકા બાબતે તમામ વિપક્ષો એકમત છે અને આ મુદ્દે કોઈ ભેદભાવ નથી.
મુંબઈમાં યોજાઈ રહેલી 'ઈન્ડિયા' જોડાણની બેઠકમાં ભાગ લેવા આવેલા રાહુલ ગાંધીએ મીડિયાને સંબોધતાં કહ્યું હતું કે ઓર્ગેનાઈજ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેકટ ( ઓસીસીઆરપી) દ્વારા અદાણી જૂથ સંદર્ભમાં નવા ઘટસ્ફોટો થયા છે. તેના કારણે વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠાને ફટકો પડી રહ્યો છે. આથી વડાપ્રધાને હવે અદાણી સાથેના તેમના સંબંધો બાબતે પોતાને નિષ્કલંક સાબિત કરવા જોઈએ. રાહુલ ગાંધીએ સરકાર આ મુદ્દે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની રચનાની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે આ આક્ષેપો અંગે સઘન તપાસ થવી જોઈએ. મને સમજાતું નથી કે વડાપ્રધાન શા માટે તપાસના આદેશો આપી નથી રહ્યા. શા માટે તેઓ એવું નથી કહેતા કે પોતે આ મુદ્દે તપાસ સુનિશ્ચિત કરશે. જી ૨૦ની બેઠક મળવાની છે તેવા સમયે જ વડાપ્રધાનના મૌનને કારણે બહુ ગંભીર સવાલ સર્જાયો છે.
તેમણે જણાવ્યું હતું કે જી ૨૦ની બેઠક ટાંકણે ભારત વિશ્વને એવું દર્શાવવા પ્રયાસ કરે છે કે આપણે ત્યાં પારદર્શિતા છે અને અહીં સૌને એકસમાન તકો મળે છે. પરંતુ, જી ૨૦માં આવી રહેલા નેતાઓને અચૂક એવો સવાલ થશે કે વડાપ્રધાન કોઈ વ્યક્તિને આટલો છૂટો દોર શા માટે આપી રહ્યા છે.
રાહુલે કહ્યું હતું કે વિશ્વનાં અગ્રણી આર્થિક દૈનિકોમાં જે અહેવાલ પ્રગટ થાય છે તેની અસર ભારતમાં રોકાણ પર થતી હોય છે. તેના આધારે ભારત વિશે એક છાપ બંધાતી હોય છે. આ અખબારોમાં અહેવાલ પ્રગટ થયા છે કે અદાણીના શેરોના ભાવ કૃત્રિમ રીતે ઉછાળવા માટે એક અબજ ડોલર ઠલવાયા છે. આ બહુ ગંભીર બાબત છે અને તેની તપાસ થવી જોઈએ.
તેમણે કહ્યુ ંહતું કે આ અહેવાલોને લીધે કેટલાક સવાલો ઊભા થયા છે. પહેલો સવાલ તો એ છે કે આ પૈસા કોના છે. આ અદાણીના પૈસા છે કે બીજા કોઈના પૈસા છે. બીજો સવાલ છે કે શું આ સમગ્ર કૌભાંડ પાછળના માસ્ટરમાઈન્ડ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી છે. આ ઉપરાંત નસીર અલી શબન અલહી અને ચાંગ ચુંગ લિંગ નાણાંની હેરાફેરીમાં સંડોવાયેલા છે. આ પૈસા દેશમાંથી બહાર કેવી રીતે ગયા અને કોને મળ્યા તેની તપાસ થવી જોઈએ.
સમગ્ર ભારતીય આંતરમાળખાકીય ક્ષેત્રને નિયંત્રિત કરી રહેલી કંપનીઓમાંની એક કંપનીનાં મૂલ્યાંકન કરવાની છૂટ બે વિદેશી નાગરિકોને કેવી રીતે મળી ગઈ તેની તપાસ થવી જોઈએ એમ રાહુલે કહ્યું હતું. જ્યારે પણ અદાણીનું નામ આવે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ અસ્વસ્થ થઈ જાય છે તેવો સવાલ રાહુલે કર્યો હતો.