રશિયન તેલ ખરીદવા માટે ટ્રમ્પે લાદેલા 25 ટકા ટેરિફ અંગે ભારતનાં વિદેશ મંત્રાલયે આપેલો તડતડતો જવાબ
- ''ટ્રમ્પ બેવડાં ધોરણો અપનાવે છે : ભારત
- અત્યારે જ યુ.એસ. રશિયા પાસેથી યુરેનિયમ-હેકઝાફલોરાઇડ : ઉપરાંત પેલેડીયમ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ ખરીદે છે
નવીદિલ્હી : રશિયા પાસેથી તેલ ખરીદવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી થતા આયાતીમાલ પર ૨૫ ટકા જેટલો ટેરિફ લાદવા લીધેલા નિર્ણય સામે ભારતે તેમને તડતડતો જવાબ આપવા માંડયો છે.
ભારતમાં વિદેશ-મંત્રાલયે ટ્રમ્પનાં તે વિધાનો કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે તેને યુક્રેન યુદ્ધમાં આડકતરી રીતે સહાય કરી રહ્યું છે. તેને ફગાવી દેતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્રમ્પ ઉપર બેવડાં ધોરણો અપનાવવાનો આક્ષેપ મુક્યો છે. સાથે કહ્યું છે કે, અમારે અમારા ૧ અબજ ૪૦ કરોડ નાગરિકોની સુવિધા પણ લક્ષ્યમાં રાખવી જોઈએ. તેમાં રાજકીય વાતો વચ્ચે ન આવે, આ આર્થિક પરિસ્થિતિ જે કેન્દ્રમાં રાખવી પડે.
આ સાથે વિદેશ મંત્રાલયે ટ્રમ્પે ૧ ઓગસ્ટથી લાદેલા ૨૫ જેટલા ભારે ટેરિફની પણ ઊગ્ર ટીકા કરી હતી અને ટ્રમ્પ ઉપર બેવડાં ધોરણો અપનાવવાનો આક્ષેપ મુક્યો હતો.
ટ્રમ્પે તેમ પણ કહ્યું હતું કે, ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ ખરીદીને માર્કેટમાં ઊંચા ભાવે વેચે છે. તેવા આક્ષેપને પણ વિદેશ મંત્રાલયે હાસ્યાસ્પદ અને અર્થહીન કહ્યા હતા.
વિદેશ મંત્રાલયનાં નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે અમેરિકા અને યુરોપીય યુનિયન અકારણ ભારતને નિશાન બનાવે છે. વાસ્તવમાં ભારત તો યુક્રેન યુદ્ધ શરૂ થયું તે પહેલાંથી રશિયા પાસેથી ક્રૂડ ખરીદતું રહ્યું છે. બીજી તરફ યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પણ યુરોપીય યુનિયનનો રશિયા સાથેનો વ્યાપાર, માલ ખરીદીની દ્રષ્ટિએ ૨૦૨૩માં ૬૭.૫ બિલિયન યુરો સુધી પહોંચ્યો છે. અને સર્વિસીઝ ખરીદી ૧૭.૨ બિલિયન ડોલર સુધી પહોંચી છે. એલ.એન.જી.ની ખરીદી અંગે વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૦૨૨માં તેની ખરીદી ૧૫.૨૧ બિલિયન ડોલર હતી. જે ૨૦૨૪માં વધીને ૧૬.૫ બિલિયન ટન થઈ હતી. તો યુરોપીય યુનિયન ઉપર ભારે ટેરિફ કેમ નથી લગાડાતો ?
આ નિવેદનમાં વિદેશ મંત્રાલયે સીદ્ધા ટ્રમ્પ ઉપર જ પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ટ્રમ્પ એક તરફથી રશિયન તેલ ખરીદવા માટે ભારતીય આયાત ઉપર ૨૫ ટકા ટેરિફની વાત કરે છે. પરંતુ અમેરિકા જ રશિયા પાસેથી તેના પરમાણુ આધારિત ઉદ્યોગો માટે રશિયા પાસેથી યુરેનિયમ, હેકઝાફલોરાઈડ, ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટર માટે પેલેડીયમ, તેમજ ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ ખરીદે છે. આથી સ્પષ્ટ થઈ જાય છે કે અમેરિકા બેવડાં ધોરણો જ અપનાવે છે.
ભારતે તેના ૧ અબજ ૪૦ કરોડ નાગરિકોની સુવિધા લક્ષ્યમાં રાખવી જ જોઈએ. તે તેમણે યાદ રાખવું જ પડે.