ભારતમાં ઇન્ડિયન મુજાહિદ્દીનની પકડ મજબૂત કરવાનો અબ્દૂલ સુભાન કુરેશીનો આશય
- ભારતના લાદેન તરીકે ઓળખાતો સુભાન કુરેશી નેપાળના રસ્તે યુપીના સરહદી વિસ્તારમાં આવતો
- સરહદી વિસ્તારના યુવાનોને પૈસા આપી ભારતમાં IM ની પકડ મજબૂત કરવાનો આશય હતો
નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી 2018, બુધવાર
દિલ્હી પોલીસની ખાસ ટીમ દ્વારા ભારતના લાદેન તરીકે ઓળખાતા સુભાન કુરેશીને ઝડપ્યો છે. તે ઉત્તરપ્રદેશના આઝમગઢ અને તેની આસપાસના વિસ્તારમાં ઇન્ડિયન મુજાહિદ્દીનનું સંગઠન ઉભુ કરવા માંગતો હતો. તેથી તે નેપાળના રસ્તેથી ઘણીવાર ઉત્તરપ્રદેશના સરહદી વિસ્તારમાં આવતો હતો.
દિલ્હી પોલીસના વિશેષ ટીમ દ્વારા તેની તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, તે ગુજરાતમાં બોમ્બ ધડાકા કર્યા બાદ જબલપુર થઇને નેપાળમાં નાસી ગયો હતો. તેની ભારતમાં ઇન્ડિયન મુજાહિદ્દીનનું સંગઠન ઊભું કરવાની યોજના હતી. તેમણે આ વિસ્તારની આસપાસ ઘણાં લોકોને તે માટે પૈસા પણ આપ્યા હતા. તેણે આ કાર્ય માટે સાઉદી અરબથી પૈસા ભેગાં કર્યા હતા. જે પૈસાનો તે ભારતમાં ખર્ચીને ઇન્ડિયન મુજાહિદ્દીન સંગઠન ભારતમાં ઊભું કરવા માંગતો હતો.
નેપાળમાં રહેવા છતાં તે સરહદી વિસ્તારમાં આવી યુવાનોનો સંપર્ક કરી તેને નાણાં આપતો હતો. પોલીસ દ્વારા તે યુવાનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવે દિલ્હી પોલીસની એક ખાસ ટીમે આ આતંકીને ઝડપી લીધો છે ત્યારે તેની પુછપરછ કરવા માટે ઘણાં રાજ્યોની પોલીસ દિલ્હી પહોંચી છે અને અલગ-અલગ કેસની વિવિધ કડીઓ મેળવી રહી છે.