India Pakistan Indus Water Treaty: ભારત અને પાકિસ્તાન વચ્ચે મે બાદથી ચાલી રહેલા તણાવ વચ્ચે પણ ભારત પોતાની માનવતા ભૂલ્યો નથી. ભારતે હાલમાં જ પાકિસ્તાનને પૂર અંગે ચેતવણી આપી હતી. જેથી તેઓ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકે. ભારતે ગઈકાલે સવારે ઈસ્લામાબાદને પૂર અંગે ઍલર્ટ આપ્યું હતું. બીજી બાજુ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી. તેણે ભારતની આ માનવતા પર રાજકીય દાવ રમ્યો છે.
પાકિસ્તાનના મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું કે, 24 ઑગસ્ટની સવારે ભારતના હાઇ કમિશને ઈસ્લામાબાદને સતર્ક કર્યું હતું કે, જમ્મુના તવી નદીમાં ભીષણ પૂરનું જોખમ સર્જાયું છે. પાકિસ્તાનના અધિકારીઓએ ભારત તરફથી મળેલી આ ચેતવણીના આધારે તુરંત ઍલર્ટ જાહેર કર્યું હતું. ભારતે પાકિસ્તાનને કહ્યું હતું કે, તવી નદીમાં સંભવિત ભીષણ પૂરની સંભાવના છે. આ નદી જમ્મુથી પાકિસ્તાનના પંજાબમાં પ્રવેશ કરે છે. આ સૂચનાના આધારે પાકિસ્તાનના અધિકારીઓએ પોતાના લોકોને પૂર વિશે ચેતવણી આપી સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
પાકિસ્તાનની વ્યૂહનીતિ
ભારતની આ દરિયાદિલી પર પણ પાકિસ્તાન વ્યૂહનીતિ રમી રહ્યો છે. તેણે આ ઍલર્ટ સિંધુ જળ સંધિ હેઠળ આપવામાં આવ્યું હોવાનો દાવો કર્યો છે. તેણે દાવો કર્યો છે, ભારતે ફરી પાછી સિંધુ જળ સંધિ સ્થાપિત કરી છે. જ્યારે ભારતે પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી હતી. આ સંધિ હેઠળ ભારતની ત્રણ પૂર્વીય નદીઓ સતલુજ, બ્યાસ અને રાવીનો ઉપયોગનો અધિકાર છે. જ્યારે પાકિસ્તાન સિંધુ, જેલમ અને ચિનાબ નદીનો ઉપયોગ કરે છે. પરંતુ ભારતે આ સંધિ રદ કરતાં પાકિસ્તાનને આ નદીના પાણી મળી રહ્યા નથી.
આ પણ વાંચોઃ ભારતે સતલુજમાં પાણી છોડતાં પાકિસ્તાનના પંજાબમાં તબાહી, નદીઓ ગાંડીતૂર, મૃતકાંક 788 થયો
ભારતે સતલુજમાં પાણી છોડતાં પૂર
સતલુજ નદીમાં પાણી છોડાતાં પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાનના પંજાબમાં આવેલા બહાવલનગર શહેરમાં પૂરના કારણે જનજીવન ખોરવાયુ હતું. તેમજ હજારો એકરમાં ઊભો પાક નષ્ટ પામ્યો હતો. જેમાં બે લોકો પૂરમાં તણાઈ ગયા હોવાના પણ અહેવાલ છે. બાબા ફરિદ બ્રિજ અને ભુકન પાટણ નજીક સ્થિત ગામડાંઓમાં આવેલા પૂરમાંથી 1122 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 928 લોકો અને હજારો પશુઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં આ ચોમાસામાં વરસાદ અને પૂરના કારણે અત્યારસુધી 788 લોકોએ જીવ ગુમાવ્યા છે. ખૈબર પખ્તૂનખ્વા, POK, અને પંજાબમાં પૂરના કારણે વિસ્તારમાં હાઈ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચિનાબ અને સિંધુ નદીઓમાં પૂરનું જોખમ વધ્યું છે. જ્યારે ગંદાસિંહવાલામાં સતલુજ નદીમાં ભારતે પાણી છોડતાં પૂર આવ્યું છે.


