- દિલ્હીમાં મોદી, ઇયુ કમિશન, કાઉન્સિલના પ્રમુખ વચ્ચે બેઠક યોજાશે
- યુરોપિયન યુનિયન સાથે ભારતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મદર ઓફ ઓલ ડીલ, ઘણો ફાયદો થશે : પિયુષ ગોયલ
નવી દિલ્હી: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે જે ચર્ચા ચાલી રહી છે તેનું શું પરિણામ આવ્યું તેની જાહેરાત ૨૭મી જાન્યુઆરીએ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે ભારતે અત્યારસુધી જેટલી પણ ટ્રેડ ડીલ કરી છે તેમાં યુરોપિયન યુનિયન સાથેની આ ડીલ મદર ઓફ ઓલ ડીલ છે.
અમેરિકાના ટેરિફને કારણે હાલ વૈશ્વિક વેપાર પર માઠી અસર પહોંચી છે એવામાં યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે મૂક્ત વેપાર કરાર માટે ચર્ચા થઇ રહી છે. જે બન્ને માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બન્ને વચ્ચે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે વર્ષ ૨૦૦૭માં ચર્ચા શરૂ થઇ હતી, જેનો ૧૮ વર્ષે અંત આવી રહ્યો છે અને હવે લગભગ બન્ને સંમત થઇ ગયા હોવાના અહેવાલો છે. જોકે તેની સત્તાવાર જાહેરાત ૨૭મી તારીખે કરવામાં આવશે.
દિલ્હીમાં ભારત અને યુરોપિયન યુનિયનની સમિટમાં સત્તાવાર રીતે વાતચીતના પરિણામો જાહેર કરવામાં આવશે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્તુલા વોન ડેર લેયન ૨૪મી તારીખે ચાર દિવસના પ્રવાસ માટે દિલ્હી પહોંચ્યા હતા તેઓ અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિઓ કોસ્ટા ૨૭મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ચર્ચા કરશે. ભારત અને ૨૭ દેશોના સંગઠન યુરોપિયન યુનિયન વચ્ચે એફટીએને અંતિમ ઓપ આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ કરારોને કારણે ભારતનો સામાન જેમ કે ટેક્સટાઇલ્સ, કેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ઇલેક્ટ્રિકલ મશીનરી, ચામડા અને જુતા ચપ્પલ વગેરે શ્રમિકો આધારીત ક્ષેત્રોની વસ્તુઓ ડયુટી ફ્રી થઇ શકશે અને યુરોપિયન યુનિયમાં તેનો નિકાસ વધી શકે છે.
માલ સામાનના વેપારમાં ઇયુ ભારતનો સૌથી મોટો પાર્ટનર
નવી દિલ્હી: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના અત્યાર સુધીના વેપારના આંકડા પર નજર કરીએ તો વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વેપારનો આંકડો ૧૩૬.૫૩ અબજ ડોલરનો હતો, જેમાં ૬૦.૬૮ અબજ ડોલરની આયાત અને ૭૫.૮૫ અબજ ડોલરની નિકાસનો સમાવેશ થાય છે. જ્યારે ૨૦૨૪માં સર્વિસ ટ્રેડ ૮૩.૧૦ અબજ ડોલરનો હતો. ભારતની કુલ નિકાસમાંથી ૧૭ ટકા માત્ર યુરોપિયન યુનિયન દેશોમાં કરાઇ છે. યુરોપિયન યુનિયન વૈશ્વિક વેપારમાં સૌથી મોટો પાર્ટનર માનવામાં આવે છે. ભારતે યુરોપિયન યુનિયનમાં પેટ્રોલિયમ વસ્તુઓ, ઇલેટ્રોનિક્સ, ટેક્સટાઇલ્સ, ગાર્મેન્ટ્સ, મશીનરી, કમ્પ્યુટર, ઓર્ગેનિક કેમિકલ, આયરન, સ્ટીલ, જેમ્સ જ્વેલરી વગેરે સૌથી વધુ નિકાસ કરી છે.


