હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને મંત્રી સામે ભારતની 'ડિજિટલ સ્ટ્રાઈક'
India Block X Account of PM Shahbaz Sharif | ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી હવે ચરમસીમાએ પહોંચી ગઇ છે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની યુટ્યુબ ચેનલ ભારતમાં બ્લોક કરી દેવામાં આવી છે. બ્લોક કરેલી યુટ્યુબ ચેનલ પર હવે એક સંદેશ દેખાય છે જેના પર લખ્યું છે કે - રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ કન્ટેન્ટ હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી. વધુ માહિતી માટે, Google પારદર્શિતા અહેવાલ જુઓ.
ભારતને ધમકાવનારા મંત્રી સામે પણ એક્શન
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારનું X એકાઉન્ટ પણ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. આ સાથે, તરારનો પ્રોફાઇલ પિક્ચર અને કવર ઇમેજ પણ ગાયબ થઈ ગયો છે. બુધવારે મોડી રાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં તરારે દાવો કર્યો હતો કે પાકિસ્તાન પાસે "નક્કર ગુપ્ત માહિતી" છે કે 22 એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલાના બાદભારત આગામી 24 થી 36 કલાકમાં પાકિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી શકે છે. તેમણે એવી પણ ધમકી આપી હતી કે જો ભારતે કોઈ આક્રમક પગલું ભર્યું તો પાકિસ્તાન નિર્ણાયક જવાબ આપશે અને પ્રાદેશિક પરિસ્થિતિ વધુ ખરાબ કરવાની જવાબદારી ભારતની રહેશે.
પાકિસ્તાન સામે ભારતની ડિજિટલ સ્ટ્રાઈક
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે અગાઉ પાકિસ્તાનની 16 યુટ્યુબ ચેનલોને બ્લોક કરી દીધી હતી, જેના પર ભારત વિરુદ્ધ ભડકાઉ, ખોટી અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ કન્ટેન્ટ ફેલાવવાનો આરોપ હતો. ગૃહ મંત્રાલયની ભલામણ પર લેવામાં આવેલા આ પગલા બાદ, વિદેશ મંત્રાલયે પણ સંકેત આપ્યો છે કે બીબીસીના રિપોર્ટિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેમાં પહલગામ હુમલાના આતંકવાદીઓને 'ઉગ્રવાદીઓ' કહેવામાં આવ્યા હતા.