| (IMAGE - IANS) |
Donald Trump Visa Policy: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિની સીધી અસર હવે ત્યાં વસતા ભારતીયો પર જોવા મળી રહી છે. એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, H-1B વિઝા નિયમોમાં ફેરફાર બાદ અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સ અને ભારતીય મૂળના ઉદ્યોગપતિઓ વિરુદ્ધ નફરત અને ભેદભાવનું વાતાવરણ વધ્યું છે.
વિઝા નિયમો બન્યા વધુ કડક
ટ્રમ્પ પ્રશાસને H-1B વિઝાની અરજી ફી વધારીને 1 લાખ ડૉલર કરી દીધી છે. આ ઉપરાંત, હવે વિઝા આપવા માટે 'વધારે સેલેરી' ધરાવતી નોકરીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. ફેબ્રુઆરીથી આ નિયમો વધુ કડક બનશે, જેમાં સૌથી વધુ પગાર મેળવતા(લેવલ-4) અરજદારોને જ પ્રાથમિકતા મળશે. અમેરિકાનું કહેવું છે કે આ ફેરફાર સ્થાનિક કામદારોની સુરક્ષા માટે જરૂરી છે, પરંતુ તેનાથી કુશળ ભારતીયો માટે વિઝા મેળવવા અત્યંત મુશ્કેલ બનશે.
મોટી કંપનીઓ અને ભારતીય CEO નિશાના પર
રિપોર્ટ મુજબ મોટી અમેરિકન કંપનીઓને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવી રહી છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ કંપનીઓ ગેરકાયદેસર રીતે ભારતીયોને નોકરીઓ આપી રહી છે. તાજેતરમાં ફેડએક્સના ભારતીય મૂળના CEO રાજ સુબ્રમણ્યમ વિરુદ્ધ પણ વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેમાં 'અમેરિકન કંપનીઓ પર ભારતીય કબજો રોકવા' જેવી વાતો વહેતી થઈ હતી.
નફરત અને હિંસામાં વધારો
ઍડ્વૉકેસી ગ્રૂપ 'સ્ટોપ AAPI હેટ'ના જણાવ્યા અનુસાર, નવેમ્બર મહિનામાં દક્ષિણ એશિયાઈ સમુદાય વિરુદ્ધ હિંસાની ધમકીઓમાં 12%નો વધારો થયો છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર ગાળો અને અપશબ્દોના ઉપયોગમાં 69%નો ઉછાળો આવ્યો છે. તેમજ ભારતીયોને સોશિયલ મીડિયા પર 'જોબ થીફ'(નોકરી ચોર) અને 'વિઝા સ્કેમર' જેવા ટેગ આપીને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: ચીસો સાંભળીને ગામ દોડ્યું પણ આગ સામે સૌ લાચાર; હિમાચલમાં ફરી અગ્નિકાંડ, 4ના મોત
સંગઠિત હુમલાનો ભય
સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ઑર્ગેનાઇઝ્ડ હેટના ડિરેક્ટર રાકિબ નાઈકે ચેતવણી આપી છે કે આ હુમલાઓ સંગઠિત અભિયાનનો ભાગ લાગે છે. ખાસ કરીને જે ભારતીય-અમેરિકન વ્યવસાયોએ સરકારી લોન લીધી છે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ નકારાત્મક વાતાવરણને કારણે ઘણી કંપનીઓએ હવે તેમની સર્વસમાવેશક નીતિઓને હાલ પૂરતી સ્થગિત કરી દીધી છે.



