- નવા નંબરની શરૂઆત સાથે જ બાકીના તમામ હેલ્પલાઈન નંબર બંધ કરી દેવાશે
નવી દિલ્હી, તા. 7 માર્ચ, 2021, રવિવાર
હવે રેલવે સાથે સંકળાયેલી કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવવા માટે ભ્રમિત થવાની જરૂર નથી. રેલવેએ મુસાફરોની સુવિધા માટે રેલ હેલ્પલાઈન નંબરોને એક સાથે જોડી દીધા છે. ભારતીય રેલવેના તમામ ઉપલબ્ધ હેલ્પલાઈન નંબરોને બદલે હવે 139 નંબર જાહેર કરવામાં આવ્યો છે. તેનાથી મુસાફરો માટે આ નંબર યાદ રાખવો અને રેલવે સાથે જોડાવું સરળ બની ગયું છે. માત્ર 139 નંબર દ્વારા જ મુસાફરી દરમિયાન તમામ પ્રકારની પુછપરછ કરી શકાશે અને ફરિયાદ નોંધાવી શકાશે.
રેલવેના અહેવાલ પ્રમાણે ઝોનલ રેલવે 139 સિવાય નવો હેલ્પલાઈન નંબર કે ફરિયાદ નંબર જાહેર નહીં કરે. નવો નંબર રેલ ઉપયોગકર્તાઓને એકીકૃત સેવાઓ પ્રદાન કરશે જે સુરક્ષા, ફરિયાદ, ખાણી-પીણી અને સતર્કતા સાથે સંકળાયેલી છે. નવા નંબરની શરૂઆત સાથે જ બાકીના તમામ હેલ્પલાઈન નંબર બંધ કરી દેવામાં આવશે.
139 નંબર વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ હશે અને તે IVRS (ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ) પર આધારીત હશે. આ નંબર પર ફોન કરીને ટ્રેન સાથે સંકળાયેલી પાયાની પુછપરછ, પીએનઆર સ્થિતિ, ટિકિટ (સામાન્ય અને તત્કાલ) ઉપલબ્ધતા, ટ્રેન આગમન, પ્રસ્થાન, રિઝર્વેશન વગેરે માટે એસએમએસ મોકલીને જાણકારી મેળવી શકાશે.
આ નંબર દ્વારા રદ્દ થયેલા શિડ્યુઅલ, સીટની ઉપલબ્ધતા, ટિકિટ રદ્દ કરાવવી, ભાડુ, ગંતવ્ય માટેની સૂચના, વેકઅપ કોલ, ઓન બોર્ડ સેવાઓ અને સુરક્ષા સંબંધિત જાણકારી મળી રહેશે.


