Indian Railway Ticket Price Hike : ભારતીય રેલવે દ્વારા રેલવે ભાડાના માળખામાં ફેરફાર (Rationalization) કરવાની જાહેરાત કરાઈ છે. આ નવા દરો 26 ડિસેમ્બર 2025 થી અમલમાં આવશે. રેલવેના જણાવ્યા અનુસાર, આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય વધતા જતા સંચાલન ખર્ચને પહોંચી વળવા અને મુસાફરોની સુરક્ષામાં સુધારો કરવાનો છે.
કેટલો ભાવ વધારો કરાયો?
રેલવેના દાવા પ્રમાણે, સામાન્ય લોકો પર વધુ બોજ ન પડે તે રીતે ભાડા માળખામાં ફેરફાર કરાય છે.
સબર્બન (લોકલ) અને માસિક સિઝન ટિકિટ (MST): આ ભાડામાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.
ઓર્ડિનરી ક્લાસ (215 કિ.મી. સુધી): 215 કિ.મી. સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
ઓર્ડિનરી ક્લાસ (215 કિ.મી.થી વધુ): કિલોમીટર દીઠ 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
મેઈલ/એક્સપ્રેસ (નોન-એસી): કિલોમીટર દીઠ 2 પૈસાનો વધારો થશે.
એસી (AC) ક્લાસ: કિલોમીટર દીઠ 2 પૈસાનો વધારો લાગુ પડશે.
રેલવેના ખર્ચ અને આવકનું વિશ્લેષણ
ઉદાહરણ તરીકે જો કોઈ મુસાફર નોન-એસી કોચમાં 500 કિ.મી.ની મુસાફરી કરે છે, તો તેણે માત્ર 10 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. ભાડાના આ તર્કસંગત ફેરફારથી રેલવેને આ વર્ષે અંદાજે 600 કરોડ રૂપિયાની વધારાની આવક થવાની અપેક્ષા છે. રેલવેએ ભાડામાં વધારો કરવા પાછળ વધતા જતા ખર્ચના આંકડા પણ રજૂ કર્યા છે:
મેનપાવર (કર્મચારી) ખર્ચ: વધીને 1,15,000 કરોડ રૂપિયા થયો છે.
પેન્શન ખર્ચ: વધીને 60,000 કરોડ રૂપિયા થયો છે.
કુલ સંચાલન ખર્ચ: વર્ષ 2024-25 માં કુલ ઓપરેશનલ ખર્ચ 2,63,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
રેલવેની સિદ્ધિઓ અને ભાવિ લક્ષ્યાંક
ભાડામાં ફેરફારની સાથે રેલવેએ પોતાની કાર્યક્ષમતા અને સુરક્ષા અંગે પણ માહિતી આપી છે:
કાર્ગો પરિવહન: ભારત વિશ્વમાં બીજું સૌથી મોટું કાર્ગો વહન કરતું રેલવે નેટવર્ક બન્યું છે.
તહેવારોની સિઝન: તાજેતરમાં તહેવારો દરમિયાન 12,000 થી વધુ ટ્રેનોનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું, જે રેલવેની કાર્યક્ષમતા દર્શાવે છે.
સુરક્ષા અને આધુનિકીકરણ: રેલવે નેટવર્કનો વિસ્તાર કરવાની સાથે સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે. રેલવેના જણાવ્યા મુજબ, તેઓ સામાજિક લક્ષ્યોને પૂર્ણ કરવા અને કાર્યક્ષમતા વધારીને ખર્ચને નિયંત્રિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.


