નૌસેનાની તાકાતમાં થશે વધારો, 'INS સુરત' અને 'INS ઉદયગિરિ'ને લોન્ચ કરાયા
નવી દિલ્હી,તા.17 મે 2022,મંગળવાર
ભારતીય નૌ સેનાની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ભારતીય નૌસેના માટે બે બળુકા યુધ્ધ જહાજો આઈએનએસ સુરત અને આઈએનએસ ઉદયગીરીને લોન્ચ કર્યા છે.
ભારતીય નૌ સેના પોતાની કોલકાતા ક્લાસ ડિસ્ટ્રોયર્સને અપગ્રેડ કરીને તેને વિશાખપટ્ટનમ ક્લાસ ડિસ્ટ્રોયર્સની કેટેગરીમાં સામેલ કરી રહી છે. આ પ્રોજેક્ટનુ નામ પી-15 બ્રાવો ક્લાસ પ્રોજેક્ટ છે. આ પ્રોજેકટ હેઠળ ચાર જહાજો બનવાના હતા. બે બની ચુકયા છે અને બે તૈયાર છે. આ પૈકી આઈએનએસ વિશાખાપટ્ટનમ ડ્યુટી પર છે. આઈએનએસ મોરમુગાઓની ટ્રાયલ ચાલી રહી છે અને આઈએનએસ ઈમ્ફાલનુ ફિટિંગ થઈ રહ્યુ છે. જે આ વર્ષના અંત સુધીમાં નૌસેનામાં સામેલ થશે. જ્યારે આઈએનએસ સુરતનુ નિર્માણ ચાલી રહ્યુ છે.
આઈએનએસ સુરત 2025માં નૌસેનામાં સામેલ થશે.તે 7400 ટન વજનનુ છે અને 163 મીટર લાંબુ છે. તેની ઝડપ પ્રતિ કલાક 56 કિલોમીટર હશે. તેના પર ચાર ઈન્ટરસેપ્ટ બોટ રાખી શકાશે અને 50 ઓફિસર તથા 250 નૌસૈનિકો તેના પર રહી શકશે. તે એક સાથે 7400 કિલોમીટરની મુસાફરી કરી શકે છે અને 45 દિવસ દરિયામાં રહી શકે છે.
તેના પર એન્ટિ સબમરિન બરાક અને બ્રહ્મોસ મિસાઈલ, એન્ટી સબમરિન રોકેટ લોન્ચર સહિતના અત્યાધુનિક હથિયારો ફિટ કરાશે. આ જહાજનુ મુખ્ય કામ દુશ્મનોની સબમરિનોને શોધીને તેના ભુક્કા બોલાવવાનુ હશે.
અગાઉના કોલકાતા ક્લાસના જહાજો કરતા આ જહાજો અલગ એટલા માટે છે કે, તેના બ્રિજ લેઆઉટને બદલવામાં આવ્યો છે. તેમાં નવા હથિયારો સામેલ કરાયા છે અને શિપ ડેટા નેટવર્ક, ઓટોમેટિક પાવર મેનેજમેન્ટ સિસ્ટમ તેમજ કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવી છે.
જ્યારે અન્ય એક યુધ્ધ જહાજ આઈએનએસ ઉદયગિરિ પ્રોજેક્ટ પી17 એ હેઠળ બની રહેલા નીલગિરિ ક્લાસનુ ફ્રિગેટ પ્રકારનુ જહાજ છે. આ ક્લાસના જહાજો અગાઉના શિવાલિક ક્લાસના જહાજોનુ અપગ્રેડ કરાયેલુ વર્ઝન હશે.
આઈએનએસ ઉદયગિરિમાં વધારે સારા સ્ટેલ્થ ફીચર ઉમેરાયા છે. જે દુશ્મનના રડારથી બચવા કામ લાગશે. તેમાં વધારે અત્યાધુનિક હથિયારો લગાવાઈ રહ્યા છે. આ ક્લાસ હેઠળ સાત જહાજો બનવાના છે. આ જહાજો પર બ્રહમોસ, બરાક મિસાઈલ અને એન્ટી સબમરિન લોન્ચર લગાવાશે. તેના પર ધ્રુવ હેલિકોપ્ટર તથા સી કિંગ હેલિકોપ્ટર તૈનાત રહેશે.