મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાની 1500 કરોડની 'હવેલી' અંગે ભારત સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં!
Muhammad Ali Jinnah: મોહમ્મદ અલી ઝીણા ભારતના ભાગલા માટે જવાબદાર ગણાય છે, પાકિસ્તાનમાં તેમને કાયદ-એ-આઝમ કહેવાય છે. એ જ રીતે તેમના મુંબઈ સ્થિત બંગલો ઝીણા હાઉસ વિશે પણ બે મત છે. એક વર્ગના લોકો મુંબઈના માલાબારમાં સ્થિત આ બંગલાને તોડી પાડવાની માંગ કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકોનું કહેવું છે કે આ હેરિટેજ પ્રોપર્ટીનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. આ રીતે ઐતિહાસિક ઈમારત સચવાશે અને ઉપયોગમાં પણ લેવાઈ જશે.
જાણો શું ઉપયોગમાં લેવાશે?
મળતી માહિતી મુજબ, હવેલી જેવા આ બંગલાના રિનોવેશન માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય તરફથી મંજૂરી મળવાની તૈયારી છે. હાલમાં આ સંપત્તિની દેખરેખની જવાબદારી વિદેશ મંત્રાલયની છે. આ ઈમારતને ડિપ્લોમેટિક એન્ક્લેવ તરીકે સ્થાપિત કરવામાં આવી શકે છે. દિલ્હીમાં જે રીતે 'હૈદરાબાદ હાઉસ' છે એ જ રીતે મુંબઈમાં ઝીણા હાઉસ તૈયાર કરવામાં આવી શકે છે.
2 લાખના ખર્ચે બનાવાયો હતો બંગલો
ઝીણા હાઉસનું સાચું નામ તો સાઉથ કોર્ટ છે. પરંતુ બ્રિટિશ શાસન હેઠળના વિભાજન દરમિયાન તે ઝીણા હાઉસ તરીકે જાણીતું બન્યું અને તે ત્યારથી એ જ નામે ઓળખાય છે. ઝીણાએ 1936માં પોતાના રહેવા માટે ખૂબ જ ઉત્સાહ સાથે આ હવેલી તૈયાર કરી હતી પણ દેશના વિભાજનના એજન્ડા પર આગળ વધ્યા તો ભારત તેમના વિચારોથી હટી ગયું. પછી મુંબઈમાં તેમનું આ ઘર ભારત સરકારની મિલકત બની ગયું, જ્યારે તેમની પુત્રી દીના વાડિયા મૃત્યુ પામવા સુધી તેના પર અધિકાર મેળવવા માટે કેસ લડતી રહી. 2018 માં આ બંગલો ભારત સરકાર દ્વારા વિદેશ મંત્રાલયને સોંપવામાં આવ્યો હતો, જ્યારે તે પહેલા તે ઈન્ડિયા કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ પાસે હતો. આ બંગલો 2 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજે તેની કિંમત 1500 કરોડ રૂપિયા છે.
શું છે ઝીણાની હવેલીની વિશેષતા?
ઝીણાનો આ બંગલો માલાબાર હિલ્સમાં આવેલો છે, જે મુંબઈનો સૌથી પોશ વિસ્તાર માનવામાં આવે છે. ઝીણાનો આ બંગલો ઈટાલિયન શૈલીમાં તૈયાર કરવામાં આવ્યો હતો અને માર્બલ પણ ત્યાંથી લાવવામાં આવ્યું હતું. ઈંગ્લેન્ડથી પાછા ફર્યા પછી ઝીણા જ્યારે મુંબઈ પાછા ફર્યા અને મુસ્લિમ લીગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું ત્યારે તેમણે મુંબઈમાં એક નિવાસસ્થાન તૈયાર કરાવ્યું હતું. તે ક્લાઉડ બેટલી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જે ભારતીય આર્કિટેક્ટ્સ સંસ્થાના વડા હતા. આ સિવાય તેના નિર્માણ માટે ઈટાલીથી કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. અઢી એકરમાં બનેલો આ બંગલો સી ફેસિંગ છે. ઇટાલિયન માર્બલથી બનેલા આ બંગલાની ઘણી દિવાલો હવે ક્ષતિગ્રસ્ત છે અને તેને રિસ્ટોર કરવાની જરૂર છે.
ઝીણાની દીકરીને પણ બંગલો કેમ ન મળ્યો?
મોહમ્મદ અલી ઝીણાએ 1939માં પોતાની વસિયત લખી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, તેમની બહેન ફાતિમા તેમની તમામ સંપત્તિની માલિક હશે. તેનું કારણ એ હતું કે તેઓ તેમની પુત્રી દીના વાડિયાના પારસી યુવક સાથેના લગ્નથી નારાજ હતા. પછી જ્યારે વિભાજન થયું ત્યારે તેમની બહેન ફાતિમા પણ તેમની સાથે પાકિસ્તાન જતી રહી હતી. આવી સ્થિતિમાં બંગલાને શત્રુ સંપત્તિ જાહેર કરવી પડી. પરંતુ તેમની પુત્રી દિના વાડિયાએ તેને મેળવવા માટે કાનૂની લડાઈ લડી હતી.