Get The App

ચીની તટરક્ષકોની 'ઐસી-કી-તૈસી' ભારતીય તટરક્ષક-જહાજ, ચીની ઘેરામાંથી નીકળી ગયું

Updated: Jan 18th, 2025

GS TEAM

Google News
Google News
ચીની તટરક્ષકોની 'ઐસી-કી-તૈસી' ભારતીય તટરક્ષક-જહાજ, ચીની ઘેરામાંથી નીકળી ગયું 1 - image

- ભારતીય તટરક્ષક જહાજ જાપાનની સદ્ભાવના યાત્રાએથી પાછું ફરી રહ્યું હતું ત્યારે ચીની જહાજોએ તેને ઘેરવા પ્રયત્ન કર્યો હતો

નવી દિલ્હી : એક તરફ ભારત અને ચીન વચ્ચે નિયંત્રણ રેખા ઉપર તંગદિલી પ્રવર્તે છે. લડાખ, દોકલામ તથા અરૂણાચલ સરહદે ચીની સૈનિકો માર ખાઈને પાછા પડે છે. ત્યારે પ્રશાંત મહાસાગરમાં ભારત અને ચીનનાં તટરક્ષક જહાજો વચ્ચે ટનાટની થઈ ગઈ હતી.

વાત એમ બની કે, ભારતીય તટરક્ષક જહાજ શૌનક જાપાનની સદ્ભાવના યાત્રાએથી પાછું ફરી રહ્યું હતું, ત્યારે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીની તટરક્ષક જહાજોએ તેને ઘેરી લીધું. તેથી તંગદિલી વધી ગઈ. પરંતુ જેમ ફીલીપાઇન્સના જહાજો ઉપર ચીની જહાજોએ પાણીના ફુવારા છોડયા હતા તેવા ફુવારા છોડવાની તેની હિંમત ન હતી.

આપણુ જહાજ સ્કારબોરો શૉલ પાસેથી પસાર થતું હતું. ચીન તે વિસ્તારને પોતાના બાપનો હોય તેમ માને છે. તેથી તેણે ભારતીય જહાજને પડકાર્યુ પરંતુ તેને કશો જવાબ આપવાને બદલે તે તેની ગતિએ જ આગળ વધતું રહ્યું.

ચીનાઓ તે શોલ પાસેથી પસાર થતાં નાના તમામ દેશોના જહાજો ઉપર વિશેષત: ફીલીપાઇન્સના જહાજો ઉપર તો પાણીના ફુવારા છોડે છે. પરંતુ તેવું કશું ભારતીય જહાજ ઉપર કરવાની તેની હિંમત નહીં હોય. ભારતીય યુદ્ધ જહાજ તેની ઐસી-કી-તૈસી કરી ભારત તરફ આવવા નીકળી ગયું.

આ ઘટના અંગે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સમુદ્રીય સુરક્ષા નિષ્ણાત અને સી લાઇટના ડાયરેકટર રે-પોવેલે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે, જાપાનની સદભાવના યાત્રાએથી પાછું ફરી રહેલું ઇંડીયન કોસ્ટ ગાર્ડ શિપ આઇસીજીએસ શૌનક સ્કારબોરો શૉલની પશ્ચિમેથી પસાર થઈ રહ્યું હતું તેની ઉપર ચીનનાં કોસ્ટ ગાર્ડ શિપ સીસીજી ૩૧૦૩ની નજર હતી. તેમજ સીસીજી ૩૫૦૨ની પણ નજર હતી. તેમણે ભારતીય જહાજને ઘેરવા પ્રયત્ન કર્યો, ડરાવવા પણ પ્રયત્ન કર્યો પરંતુ ભારતીય જહાજ તેની પરવાહ કર્યા સિવાય જ પોતાના માર્ગે (ભારત તરફ) આગળ વધતું ગયું.

ઉલ્લેખનીય છે કે, તે શૉલ ઉપર ભૌગોલિક રીતે જ ફીલીપાઇન્સનો દાવો છે તે યોગ્ય પણ છે. છતાં ચીન તે સ્કાઈબરો શૉલ (ખંડીય-છાજલી) વિસ્તાર પર પોતાનો દાવો કરે છે અને ત્યાંથી પસાર થતાં ફીલીપાઇન્સ, વિયેતનામ જેવા નાના દેશોના જહાજોને ડરાવવા તેમની ઉપર પાણીનો ધોધ વરસાવે છે. તેથી તે જહાજો ચીનનાં જહાજોના હુકમ પ્રમાણે માર્ગ બદલી નાખે છે. ભારતીય જહાજ સાથે આવું કરવાની તેની હિંમત ન હતી.