ભારતે ઘાતક હથિયારનું સફળ પરીક્ષણ કર્યું, 15 હજાર ફૂટથી મિસાઈલે સચોટ નિશાન લગાવ્યું
Akash Prime Air Defence System: ભારતીય સેનાએ બુધવારે લદ્દાખ ક્ષેત્રમાં 15,000 ફૂટથી વધુની ઊંચાઈએ સ્વદેશી રીતે વિકસિત આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના વરિષ્ઠ અધિકારીઓ અને એર ડિફેન્સ યુનિટ દ્વારા આ આ નવી સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.
આ નવી સિસ્ટમ સેનાના બે વધુ એકમોમાં સમાવવામાં આવશે
પરીક્ષણ દરમિયાન સપાટીથી હવામાં પ્રહાર કરતી આકાશ મિસાઇલે ખૂબ જ ઊંચી ગતિએ ઉડતા હવાઈ લક્ષ્યો પર સચોટ નિશાન સાધ્યું હતું. આ પરીક્ષણ ખૂબ જ ઊંચાઈવાળા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આકાશ પ્રાઇમ સિસ્ટમ હવે ભારતીય સેનાના હવાઈ સંરક્ષણના ત્રીજા અને ચોથા એકમ (રેજિમેન્ટ)નો ભાગ બનશે. આનો અર્થ એ થયો કે હવે આ નવી સિસ્ટમ સેનાના બે વધુ એકમોમાં સમાવવામાં આવશે જેથી દુશ્મનના હવાઈ હુમલાઓ સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડી શકાય.
મિસાઇલો 15 હજાર ફૂટથી સચોટ નિશાન સાધી શકે છે
આકાશ પ્રાઇમ 15 હજાર ફૂટની ઊંચાઈએ સ્થાપિત કરી શકાય છે. તે લગભગ 25-30 કિલોમીટરના અંતરે સ્થિત લક્ષ્ય પર પ્રહાર કરી શકે છે.તેમજ આ સફળ પરીક્ષણથી ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ પણ મળ્યો છે કે ભારતીય સેના સતત મજબૂત થઈ રહી છે. આ સિસ્ટમ DRDO દ્વારા જ વિકસાવવામાં આવી છે. આ પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે આ સિસ્ટમ લદ્દાખના પડકારજનક હવામાનમાં સચોટ પ્રહારો કરવા સક્ષમ છે.
આકાશ પ્રાઇમ એ હવાઈ સંરક્ષણ માટે ઉપયોગમાં લેવાતી હાલની આકાશ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન છે. આ સિસ્ટમ સ્વદેશી સક્રિય રેડિયો ફ્રીક્વન્સીથી સજ્જ છે. તેમાં અનેક સુધારા કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મહત્ત્વનો સુધારો એ છે કે તેનો ઉપયોગ સૌથી ઊંચા પર્વતીય વિસ્તારોમાં ભારે ઠંડીમાં પણ ચોકસાઈ સાથે થઈ શકે છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન આકાશ એર ડિફેન્સ સિસ્ટમ મદદરૂપ સાબિત થઈ
સંરક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ, આ સિસ્ટમે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તેમજ આ જ સિસ્ટમે ચીની વિમાનો અને તુર્કી ડ્રોન દ્વારા પાકિસ્તાન સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા હતા. આકાશ પ્રાઇમ સિસ્ટમ સંરક્ષણ ટેકનોલોજીમાં ખાસ કરીને હવાઈ સુરક્ષા જેવા મુખ્ય ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાના ભારતના મોટા પ્રયાસનો એક ભાગ છે.'
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, 'સ્વદેશી રીતે વિકસિત આકાશ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ જમ્મુ અને કાશ્મીરમાં પશ્ચિમી સરહદ અને લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ઘણા ડ્રોન હુમલાઓને રોકવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ છે.'
આ સિસ્ટમ અનેક દિશામાં લક્ષ્યોને નિશાન બનાવી શકે છે
સ્વદેશી આકાશ એર ડિફેન્સ સિસ્ટમ એક મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે જે હવાઈ જોખમો સામે રક્ષણ પૂરું પાડવા માટે બનાવવામાં આવી છે. આ સિસ્ટમ લશ્કરી સૈનિકો અને તેમના ચોકીનું રક્ષણ કરી શકે છે. તેમાં આધુનિક રીઅલ-ટાઇમ મલ્ટિ-સેન્સર ડેટા પ્રોસેસિંગ છે, જે તેને એક જ સમયે અનેક દિશાઓથી આવતા અનેક લક્ષ્યોને ઓળખવા અને હુમલો કરવા સક્ષમ બનાવે છે. ભારતીય સેના અને વાયુસેના બંનેએ આ આકાશ સિસ્ટમને પાકિસ્તાન સરહદ નજીક મોટા પાયે તૈનાત કરી છે, જે ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીને વધુ મજબૂત બનાવે છે.