Pakistani drone in LoC: પાકિસ્તાને ફરીથી નાપાક હરકત કરી છે. રવિવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના સાંબા, રાજૌરી અને પૂંછ જિલ્લામાં શંકાસ્પદ ડ્રોન હિલચાલ જોવા મળી. સુરક્ષા દળોએ ઘટનાની ગંભીર નોંધ લીધા બાદ કહ્યું હતું કે ઉડતી વસ્તુઓ પાકિસ્તાન બાજુથી આવી હતી, થોડી મિનિટો રહ્યા બાદ તે ભારતીય સીમામાંથી પરત ફરી ગઈ હતી. હાલ ભારતીય સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, રાજૌરીમાં નિયંત્રણ રેખા નજીક નૌશેરા સેક્ટરની સુરક્ષા કરી રહેલા ભારતીય સેનાના જવાનોએ સાંજે લગભગ 6.35 વાગ્યે ગણિયા-કલસિયન ગામ ઉપર ડ્રોનની ગતિવિધિ જોઈ હતી, જે બાદ મધ્યમ અને હળવા મશીનગનથી ગોળીબાર પણ કર્યો હતો. સાંજે 7:15 વાગ્યે સાંબાના રામગઢ સેક્ટરમાં ચક બબ્રાલ ગામ પર પણ ફ્લેશિંગ લાઇટ્સ સાથે ડ્રોન જેવી વસ્તુ ઘણી મિનિટો સુધી ફરતી જોવા મળી હતી. તો બીજી તરફ 6:25 વાગ્યે પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક માનકોટ સેક્ટરમાં ટોપા તરફ તૈન બાજુથી ડ્રોન જેવી ઊડતી વસ્તુઓ દેખાઈ હતી.
હથિયાર કે પ્રતિબંધિત સામાનની શંકા
અધિકારીઓના જણાવ્યા અનુસાર તમામ ઊડતી વસ્તુઓ સીમા પરથી ભારતના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી હતી. થોડા સમય માટે સંવેદનશીલ જગ્યાઓ પર મંડરાતી હતી બાદમાં પાકિસ્તાન તરફ ચાલી ગઈ, આશંકા છે કે ડ્રોનના માધ્યમથી હથિયાર કે પ્રતિબંધિત સામાન ભારતની સીમામાં નાખવાની કોશિશ હોય, ઓછામાં ઓછી 5 ડ્રોન ગતિવિધિ જોવા મળી છે જેથી મોટા પાયે સર્ચ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ ઘટના એવા સમયે ઘટી છે જ્યારે થોડા દિવસ પહેલા જ સાંબાં જિલ્લાના પાલુરા ગામમાં આતંરરાષ્ટ્રીય સરહદ નજીક હથિયારોની ખેપ કબજે કરવામાં આવી હતી. અધિકારીઓનો દાવો છે કે આ ખેપ પાકિસ્તાની ડ્રોન દ્વારા હવામાંથી નીચે ફેંકવામાં આવી હતી. જેમાં બે પિસ્તોલ, ત્રણ મેગઝીન, 16 રાઉન્ડ કારતૂસ અને એક ગ્રેનેડ હતો.


