Get The App

'પાકિસ્તાન યુદ્ધવિરામનો ભંગ કરે તો સેનાને જવાબ આપવા આદેશ આપી દેવાયા', ઓપરેશન સિંદૂર પર ભારતની ત્રણેય સેનાએ શું-શું કહ્યું

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
'પાકિસ્તાન યુદ્ધવિરામનો ભંગ કરે તો સેનાને જવાબ આપવા આદેશ આપી દેવાયા', ઓપરેશન સિંદૂર પર ભારતની ત્રણેય સેનાએ શું-શું કહ્યું 1 - image


Operation Sindoor: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદીઓના નવ ઠેકાણા પર સ્ટ્રાઈક કરી હતી. જે બાદ પાકિસ્તાને અનેક વખત ડ્રોન તથા મિસાઇલ વડે હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ પણ આપ્યો. એવામાં 10મી મે, 2025ના રોજ બંને દેશોએ સાંજે 5 વાગ્યાથી સંઘર્ષ વિરામ લાગુ કર્યું છે. એવામાં આજે(11 મે) ભારતની ત્રણેય સેનાના DGMO, DGAO, DGNOએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ઓપરેશન સિંદૂર અંગે વિસ્તૃત માહિતી આપી. 

• ભારતની ત્રણેય સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ

ભારત દ્વારા હાલમાં કરાયેલા ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન સાથે તણાવને લઈને એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, ભારતીય વાયુસેનાના ડાયરેક્ટર જનરલ એર ઓપરેશન્સ (DG Air Ops) એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને ભારતીય નૌકાદળના ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ (DGNO) વાઇસ એડમિરલ એએન પ્રમોદનો સામેલ હતા. પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં શિવતાંડવની ધૂન સંભળાઈ હતી.

 અમે 100 આતંકવાદીઓને ઠાર માર્યા: DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ

ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું હતું કે, 'ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય માત્ર આતંકવાદીઓનો ખાતમો કરવાનો હતો. અમે 100 આતંકવાદીઓને ખતમ કર્યા. સાથે જ આતંકવાદી ઠેકાણાઓના પૂરાવા બતાવ્યા. સેનાએ આતંકવાદી હુમલાનો જવાબ આપ્યો. મુદસ્સર ખાર, હાફિઝ જમીલ અને યૂસુફ અઝહર જેવા ત્રણ મોટા આતંકવાદીઓને ઠાર કર્યા.'

 LoC પર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું: DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ

ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું હતું કે, 'અમારા હુમલામાં 100થી વધુ આતંકવાદી ઠાર મરાયા, જેમાં યૂસુફ અઝહર, અબ્દુલ મલિક રઊફ અને મુદસ્સિર અહમદ જેવા હાઈ વેલ્યૂ ટાર્ગેટ સામેલ છે. આ આતંકવાદી IC 814 હાઈઝેક અને પુલવામા જેવા હુમલાથી જોડાયેલા હતા. LoC પર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને તેના તરફથી નાગરિક વિસ્તારો જેવા કે ગુરૂદ્વારાને પણ નિશાન બનાવવામાં આવ્યા.'

 મુદસ્સર ખાર, હાફિઝ જમીલ અને યૂસુફ અઝહર જેવા ત્રણ મોટા આતંકવાદીઓને ઠાર કર્યા: DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ

ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું હતું કે, 'ઓપરેશન સિંદૂરની યોજના પહલગામમાં ભારતીય નાગરિકો પર હુમલા બાદ બનાવવામાં આવી. આ ઓપરેશનનો સ્પષ્ટ ઉદ્દેશ્ય હતો. આતંકવાદીઓ અને તેના ઠેકાણાઓને નષ્ટ કરવા, અમે બોર્ડર પાર આતંકવાદીઓના કેમ્પોની ઊંડાણપૂર્વક ઓળખ કરી. જેમાં કેટલાક ઠેકાણા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને કેટલાક પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હતા. જે મુરીદકે, જો કસાબ અને ડેવિડ હેડલી જેવા આતંકવાદીઓથી જોડાયેલા રહ્યા છે.'

 મુરીદકે અને બહાવલપુર જેવા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા: DGAO એર માર્શલ  એ.કે.ભારતી

ભારતીય વાયુસેનાના ડિરેક્ટર જનરલ એર ઓપરેશન્સ (DGAO) એર માર્શલ એ.કે.ભારતીએ જણાવ્યું હતું કે, 'પરિસ્થિતિ કઠિન છે, અમે આ પ્રેસ કોન્ફરન્સ કરવા ઈચ્છતા ન હતા, પરંતુ જરૂરી બની ગયું હતું. ભારતીય વાયુસેનાએ મુરીદકે અને બહાવલપુર જેવા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા. આ બંને જગ્યા આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ઘણી અંદર હતી, એટલા માટે તેની પસંદગી કરવા રણનીતિક રીતે મહત્ત્વની હતી. IAFએ સટીક હુમલા માટે સેટેલાઈટ અને ઇન્ટેલિજેન્સ આધારિત ટાર્ગેટિંગ અને પ્રેસિશન મ્યૂનિશનનો ઉપયોગ કર્યો.'

 ભારતીય સેનાઓએ માત્ર આતંકવાદીઓને ઠેકાણાને નિશાન બનાવ્યા: DGAO એર માર્શલ એ.કે.ભારતી

ભારતીય વાયુસેનાના ડિરેક્ટર જનરલ એર ઓપરેશન્સ (DGAO) એર માર્શલ એ.કે.ભારતીએ જણાવ્યું હતું કે, 'વાયુસેનાએ ખુબ સાવધાનીપૂર્વક માત્ર આતંકવાદીઓને નિશાન બનાવ્યા અને કોઈપણ નાગરિકને નુકસાન ન થવા દીધું. અમારી સમગ્ર યોજના આ રીતે બનાવવામાં આવી હતી કે માત્ર આતંકવાદી કેમ્પો પર સટીક પ્રહાર કરવામાં આવે અને કોઈ સામાન્ય નાગરિકને નુકસાન ન પહોંચે.'

• પાકિસ્તાનના મુરિદકેમાં આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યું: DGAO એર માર્શલ એ.કે.ભારતી

ભારતીય વાયુસેનાના ડિરેક્ટર જનરલ એર ઓપરેશન્સ (DGAO) એર માર્શલ એ.કે.ભારતીએ જણાવ્યું હતું કે, 'ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના મુરિદકે સ્થિત આતંકવાદી કેમ્પને સટીક મિસાઈલ હુમલામાં સંપૂર્ણ ધ્વસ્ત કરી દીધું. આ એ જ વિસ્તાર છે જેને લશ્કર-એ-તૈયબાના હાફિઝ સૈઈદનો ગઢ માનવામાં આવે છે.'

• પાકિસ્તાનના તમામ હુમલા નિષ્ફળ કર્યા: DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ

ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું હતું કે, 'પાકિસ્તાને ગત દિવસોમાં ભારતીય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાના પ્રયાસ કર્યા, પરંતુ આ પ્રયાસ સતત નિષ્ફળ રહ્યા. પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલો દ્વારા અનેક સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવાના પ્રયાસ કર્યા, પરંતુ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તમામ ખતરાઓને નિષ્ફળ કરી દીધા.'

• બહાવલપુરમાં આતંકવાદી ઠેકાણા કર્યા નષ્ટ: DGAO એર માર્શલ એ.કે.ભારતી

ભારતીય વાયુસેનાના ડિરેક્ટર જનરલ એર ઓપરેશન્સ (DGAO) એર માર્શલ એ.કે.ભારતીએ જણાવ્યું હતું કે, 'ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બહાવલપુર ખાતે આતંકવાદી ઠેકાણા પર સટીક મિસાઈલ હુમલા કરીને તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધા. આ વિસ્તાર જૈશ-એ-મોહમ્મદના મુખ્ય ઠેકાણું માનવામાં આવે છે, જ્યાંથી લાંબા સમયથી ભારત વિરૂદ્ધ આતંકવાદી ગતિવિધિઓ ચાલી રહી હતી. ભારતીય વાયુસેનાના ડીજી એર ઓપરેશન્સ એર માર્શલ એ.કે.ભારતીએ આ હુમલાની ડ્રોન અને સેટેલાઈટ ફુટેજ જાહેર કર્યા, જેમાં બહાવલપુરમાં થયેલા ભારે વિનાશને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.'

 પાકિસ્તાનના ગોળીબારથી કોઈ નુકસાન નહીં: DGAO એર માર્શલ એ.કે.ભારતી

ભારતીય વાયુસેનાના ડિરેક્ટર જનરલ એર ઓપરેશન્સ (DGAO) એર માર્શલ એ.કે.ભારતીએ જણાવ્યું હતું કે, '7 મેના રોજ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ભારતમાં કોઈ નુકસાન થયું નથી, કારણ કે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્રિય અને સતર્ક હતી. આપણી એર ડિફેન્સ તૈયારીઓના કારણે પાકિસ્તાની હુમલાથી કોઈ નુકસાન નથી થયું. અમે તમામ સંભાવિત ખતરાને સમય રહેતા નિષ્ક્રિય કરી દીધા. 8-9 મેની રાત્રે લગભગ રાત્રે 10:30 વાગ્યાથી પાકિસ્તાન તરફથી ભારતના શહેરો તરફ ડ્રોન, યૂએવી અને યૂસીએવી છોડવામાં આવ્યા. 7 મેના રોજ જ્યાં UAV મોકલવામાં આવ્યા, ત્યારે 8 મેના રોજ તેની સંખ્યા ઘટી. પરંતુ તેનો ઉદ્દેશ્ય દેખરેખ અને નાગરિકોને ડરાવવાનો હતો.'

• અમારો જવાબ સંતુલિત જવાબ હતો: DGAO એર માર્શલ એ.કે.ભારતી

ભારતીય વાયુસેનાના ડિરેક્ટર જનરલ એર ઓપરેશન્સ (DGAO) એર માર્શલ એ.કે.ભારતીએ જણાવ્યું હતું કે, '8 મેના રોજ ભારતીય વાયુસેનાએ લાહોરમાં પાકિસ્તાની સર્વેલન્સ રડાર સ્થળોને નિશાન બનાવ્યા હતા. આ કાર્યવાહી અમારા તરફથી સુનિયોજિત પ્રતિક્રિયા હતી, ત્યારબાદ પણ પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલા ચાલુ રહ્યા, જેને અમે સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધા. પાકિસ્તાની ડ્રોન અને અન્ય માનવરહિત પ્રણાલીઓએ એકસાથે અનેક ભારતીય એરબેઝને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ પહેલાથી જ તૈયાર હતી અને તમામ હુમલાઓને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધા.'

• જો પાકિસ્તાન યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરશે તો અમે તેનો કડક જવાબ આપીશું: DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ

ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું હતું કે, 'ગઈકાલે બપોરે 3:35 વાગ્યે મારો પાકિસ્તાનના ડીજીએમઓ સાથે સંપર્ક થયો હતો, જેના પરિણામે પાકિસ્તાનના ડીજીએમઓ દ્વારા પ્રસ્તાવિત 10 મે 2025 ના રોજ સાંજે 5:00 વાગ્યાથી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અને હવાઈ ઘૂસણખોરી બંધ થઈ ગઈ હતી. અમે 12 મે, 2025ના રોજ બપોરે 12 વાગ્યે ફરી વાત કરવાનું નક્કી કર્યું, જેથી આ કરારને વધુ મજબૂત અને લાંબા ગાળાના બનાવવાના માર્ગો પર ચર્ચા કરી શકાય. જોકે, નિરાશાજનક રીતે, પાકિસ્તાની સેનાએ થોડા કલાકોમાં જ આ કરારોનું ઉલ્લંઘન કર્યું અને સરહદ પારથી ગોળીબાર અને ડ્રોન હુમલાઓનો આશરો લીધો જેથી બતાવી શકાય કે તેઓ અમારા કરારોનું પાલન કરશે નહીં.

અમે આ ઉલ્લંઘનોનો કડક જવાબ આપ્યો અને આજે સવારે અમે પાકિસ્તાનના ડીજીએમઓને હોટલાઇન સંદેશ મોકલ્યો જેમાં અમે સ્પષ્ટપણે આ ઉલ્લંઘનો તરફ ધ્યાન દોર્યું. જો પાકિસ્તાન આ ઉલ્લંઘનોનું પુનરાવર્તન કરશે તો તેનો કડક જવાબ આપવામાં આવશે. આપણા સેના પ્રમુખે આપણા સેના કમાન્ડરોને પાકિસ્તાન દ્વારા કોઈપણ ઉલ્લંઘનનો તાત્કાલિક અને મજબૂત જવાબ આપવા સૂચના આપી છે.'

• જો 3 દિવસ સુધી ચાલ્યું તે યુદ્ધથી ઓછું ન હતું, અમારા 5 જવાન શહીદ થયા: DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ

ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ પાકિસ્તાની સેના દ્વારા થયેલા નુકસાનો પર સ્થિતિ સ્પષ્ટ કરી. તેમણે કહ્યું કે, 'મેં પહેલા જ લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર પાકિસ્તાનના 35-40 સૈનિકોના મોતની વાત કરી હતી. જ્યારે ઓપરેશન સિંદૂર શરૂ કરાયું તો, પાકિસ્તાન સેનાએ ભારતીય સેના અને ભારતીય સશસ્ત્ર દળોના માળખાને પણ નિશાન બનાવ્યા. અમારું લક્ષ્ય આતંકવાદી ઠેકાણાઓ પર હતું અને પછી જ્યારે પાકિસ્તાને અમારા માળખા પર હવાઈ ઘૂસણખોરી અને હવાઈ કાર્યવાહી શરૂ કરી, ત્યારે અમે ભારે શસ્ત્રોનો ઉપયોગ કર્યો, અને તે સમય દરમિયાન ચોક્કસપણે જાનહાનિ થઈ હોત, પરંતુ તેમની સંખ્યા હજુ પણ આંકવામાં આવી રહી છે. 3 દિવસ સુધી જે ચાલ્યું તે કોઈ યુદ્ધથી ઓછું નહોતું. અમારા બધા પાઇલટ્સ સુરક્ષિત રીતે પાછા ફર્યા છે. ઓપરેશન સિંદૂરમાં આપણા 5 સૈનિકો શહીદ થયા હતા.'

• અમે ત્યાં હુમલા કર્યા જ્યાં પાકિસ્તાનને સૌથી વધુ નુકસાન થાય: DGAO એર માર્શલ એ.કે.ભારતી

ભારતીય વાયુસેનાના ડિરેક્ટર જનરલ એર ઓપરેશન્સ (DGAO) એર માર્શલ એ.કે.ભારતીએ જણાવ્યું હતું કે, 'ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો જ્યાં તેને સૌથી વધુ નુકસાન થયું. એક ઝડપી, સંકલિત અને સંતુલિત વળતો હુમલો કરીને, અમે સમગ્ર પશ્ચિમી મોરચા પર પાકિસ્તાનના વાયુસેનાના મથકો, કમાન્ડ સેન્ટરો, લશ્કરી માળખાગત સુવિધાઓ અને એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવી. ભારતીય હુમલાઓમાં ચકલાલા, રફીક અને રહીમ યાર ખાન જેવા મહત્વપૂર્ણ એરબેઝનો સમાવેશ થતો હતો. આ સિવાય સરગોધા, ભૂલારી અને જેકોબાદ જેવા અન્ય મહત્વપૂર્ણ લશ્કરી મથકો પર પણ હુમલો કરવામાં આવ્યો. અમારી પાસે આ તમામ સ્થળોની દરેક સિસ્ટમને નિશાન બનાવવાની અને તેનાથી આગળ જવાની સંપૂર્ણ ક્ષમતા છે.'

• કરાચી પણ અમારું લક્ષ્ય હતું: DGNO વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદ

ભારતીય નૌકાદળના ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ (DGNO) વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે જણાવ્યું હતું કે, 'પહેલગામ હુમલા પછી ભારતીય નૌકાદળના કેરિયર બેટલ ગ્રુપ, સપાટી લડનારી યુનિટ્સ, સબમરીન અને નૌકાદળ ઉડ્ડયન સંસાધનોને સંપૂર્ણ યુદ્ધ તૈયારીમાં સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યા હતા. આતંકવાદી હુમલાના 96 કલાકની અંદર અમે અરબી સમુદ્રમાં અનેક શસ્ત્ર પરીક્ષણો દરમિયાન અમારી વ્યૂહરચના અને કાર્યકારી પ્રક્રિયાઓનું પરીક્ષણ અને સુધારો કર્યો. ભારતીય નૌકાદળની શક્તિશાળી હાજરીને કારણે પાકિસ્તાનને તેની નૌકાદળ અને વાયુસેનાને બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મર્યાદિત રાખવાની ફરજ પડી, જેના પર સતત નજર રાખવામાં આવતી હતી.

અમારો બદલો સંયમિત, સંતુલિત, બીન-ઉશ્કેરણીજનક અને જવાબદાર રહ્યો છે. અમે એવા સ્થળોને નિશાન બનાવવાની તૈયારી કરી હતી જ્યાં જરૂર પડ્યે હુમલો થઈ શકે છે. જેમાં કરાચીનો પણ સમાવેશ થતો હતો. ભારતીય નૌકાદળ હજુ પણ સંપૂર્ણ તાકાત સાથે સમુદ્રમાં હાજર છે અને કોઈપણ પ્રતિકૂળ કાર્યવાહીનો નિર્ણાયક જવાબ આપવા માટે તૈયાર છે.'

• અમારો ટાર્ગેટ દુશ્મનના સ્થળો પર હુમલો કરવાનો હતો, મૃતદેહોની ગણતરી કરવાનું નહીં: DGAO એર માર્શલ  એ.કે.ભારતી

ભારતીય વાયુસેનાના ડિરેક્ટર જનરલ એર ઓપરેશન્સ (DGAO) એર માર્શલ એ.કે.ભારતીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 'ભારતનો ઉદ્દેશ્ય દુશ્મનને યોગ્ય જવાબ આપવાનો હતો, ન કે મૃતદેહો ગણવાનો. અમે જે પણ પદ્ધતિઓ અને માધ્યમો પસંદ કર્યા, તેમની દુશ્મન પર ઇચ્છિત અસર પડી. કેટલા માર્યા ગયા? કેટલા ઘાયલ થયા? આ ગણવાનું કામ આપણું નથી. અમારો ઉદ્દેશ દુશ્મનના સ્થળોને નિશાન બનાવવાનો હતો, બોડી બેગ ગણવાનો નહીં. ભારતનો ઉદ્દેશ્ય કોઈ બિનજરૂરી વિનાશનો નથી પરંતુ આતંકવાદ સાથે સીધા જોડાયેલા લક્ષ્યોને નષ્ટ કરવાનો છે. અમે અમારા લક્ષ્યોને સંપૂર્ણપણે પ્રાપ્ત કરી લીધા છે અને અમારા બધા પાઇલટ્સ સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે. ભારતીય સશસ્ત્ર દળો અંગે તેમણે કહ્યું કે આપણા દળો હાલમાં ખૂબ જ ઉચ્ચ ચેતવણી પર છે, અને કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવા માટે તૈયાર છે.'

• ભારતની સંપ્રભુતા સાથે કોઈ સમાધાન થશે નહીં: DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ

ઓપરેશન સિંદૂર પર મીડિયાને સંબોધન કરતી વખતે ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ શહીદોને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, 'હું ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા મારા 5 બહાદુર સાથીઓ અને આ સંઘર્ષમાં જીવ ગુમાવનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અમારી સંવેદનાઓ તે બધા શોકગ્રસ્ત પરિવારો સાથે છે. દેશ તેમના બલિદાનને ક્યારેય ભૂલશે નહીં. ભારતે અત્યાર સુધી અત્યંત સંયમ રાખ્યો છે અને તમામ લશ્કરી કાર્યવાહી સંયમિત, હેતુપૂર્ણ અને બિન-ઉશ્કેરણીજનક રહી છે, પરંતુ ચેતવણી આપી હતી કે જો ભારતની સંપ્રભુતા, પ્રાદેશિક અખંડિતતા અથવા નાગરિકોની સલામતી માટે કોઈ ખતરો હશે તો તેનો નિર્ણાયક અને કઠોર રીતે જવાબ આપવામાં આવશે.'














• ભારતની ત્રણેય સેનાઓના DGMO થોડીવારમાં કરશે પ્રેસ કોન્ફરન્સ

'પાકિસ્તાન યુદ્ધવિરામનો ભંગ કરે તો સેનાને જવાબ આપવા આદેશ આપી દેવાયા', ઓપરેશન સિંદૂર પર ભારતની ત્રણેય સેનાએ શું-શું કહ્યું 2 - image

સંઘર્ષ વિરામમાં ત્રીજા કોઈ દેશનો હાથ નહીં: ભારત 

સૌથી પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધવિરામનો દાવો કર્યો હતો. જોકે ભારત દ્વારા અપાયેલા સત્તાવાર નિવેદનમાં ક્યાંય અમેરિકાનું નામ લેવામાં આવ્યું નથી અને કહેવાયું છે કે આ યુદ્ધવિરામ કરવામાં ત્રીજા કોઈ દેશનો હાથ નથી. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ યુદ્ધવિરામની જાહેરાત કરતાં કહ્યું છે, કે 'પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઓફ મિલીટરી ઓપરેશન (DGMO)એ ભારતના DGMOને બપોરે 3.35 વાગ્યે ફોન કર્યો હતો. જે બાદ બંને દેશો જમીન, વાયુ અને સમુદ્રમાં સાંજે 5.00 વાગ્યાથી ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી બંધ કરવા તૈયાર થયા. બંને દેશોના DGMO 12મી તારીખે બપોરે 12 વાગ્યે ફરી વાતચીત કરશે.'

Tags :