Get The App

દેશના સૈન્યદળોમાં સર્જાઈ હેલિકોપ્ટર કટોકટી, ‘ચેતક’ અને ‘ચિત્તા’ પછી હવે 'ધ્રુવ'ની ઉડાન બંધ

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
દેશના સૈન્યદળોમાં સર્જાઈ હેલિકોપ્ટર કટોકટી, ‘ચેતક’ અને ‘ચિત્તા’ પછી હવે 'ધ્રુવ'ની ઉડાન બંધ 1 - image


Chetak, Cheetah, Dhruv Helicopter : ભારતીય સૈન્ય દળો ભૂતકાળમાં ક્યારેય નહોતી અનુભવાઈ એવી કટોકટીનો સામનો કરી રહ્યા છે, અને એ કટોકટી છે હેલિકોપ્ટરોની. પાંચ-દસ નહીં 330 જેટલા 'ધ્રુવ' હેલિકોપ્ટર ઘણા સમયથી ઉડાન ભર્યા વિના જમીન પર પડેલા છે. ‘એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર’ (ALH) કહેવાતા હળવા વજનના ધ્રુવ હેલિકોપ્ટર એકથી વધુ પ્રકારની કામગીરી બજાવતા હોવાથી એમની ગેરહાજરીથી અનેક મોરચે ફટકો પડી રહ્યો છે.

સૈન્ય દળોમાં ALH શી ભૂમિકા ભજવે છે?

ALH અનેક પ્રકારની લશ્કરી કામગીરી નિભાવે છે. દુર્ગમ સ્થળોએ જ્યાં ભારેખમ વિમાનો ન પહોંચી શકતા હોય એવા સ્થળોએ પહોંચવા માટે ALH નો ઉપયોગ થતો હોય છે. ચીજવસ્તુઓ પહોંચાડવા માટે તથા રેસ્ક્યુ મિશનો પાર પાડવા માટે ALHનો ઉપયોગ થાય છે. તે જાસૂસી મિશનો પણ પાર પાડે છે. જરૂર પડ્યે તે કોમ્બેટ (યુદ્ધ) માટે પણ વાપરી શકાય એવા હોય છે. ભારતમાં ALH નું નિર્માણ ‘હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ’ (HAL) દ્વારા કરવામાં આવે છે. 

સૈન્ય દળોની કરોડરજ્જુ છે 'ધ્રુવ' 

ભારતીય સશસ્ત્ર દળો પાસે 350 નંગ ‘ચેતક’ અને ‘ચિત્તા’ હેલિકોપ્ટર છે, પણ અનુક્રમે 1960 અને 1970ના દાયકાથી વપરાતા આવેલા એ હેલિકોપ્ટર ખાસ્સા જૂના છે, સિંગલ-એન્જિન છે અને વારંવાર ક્રેશ થઈ જાય છે. તેથી તેમની કમી પૂરી કરવા માટે 2002 માં 'ધ્રુવ'ના આધુનિક અવતારને સૈન્ય દળોમાં સામેલ કરવામાં આવ્યો હતો. ડબલ એન્જિન ધરાવતું હોવાથી ‘ધ્રુવ’ વધારે કાર્યક્ષમ અને ભરોસેમંદ ગણાય છે, પણ ભારતીય સેના, વાયુસેના, નૌકાદળ અને કોસ્ટ ગાર્ડની કરોડરજ્જુ માનવામાં આવતું આ હેલિકોપ્ટર પણ ક્રેશ થવા માંડતા તેનો વપરાશ બંધ કરવો પડ્યો છે. 

આ પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપના એંધાણ! ઠાકરે બંધુઓ હાથ મિલાવે તો બદલાઈ જશે સમીકરણ

‘ધ્રુવ’ ગુજરાતમાં ક્રેશ થયું અને લાંબી મોકાણ સર્જાઈ 

5 જાન્યુઆરી, 2025 ના રોજ ગુજરાતના પોરબંદરમાં કોસ્ટ ગાર્ડનું 'ધ્રુવ' હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ 'ધ્રુવ'નો વપરાશ બંધ કરી દેવાયો છે. એ અકસ્માતમાં બે પાઈલટ અને એક એરક્રૂ ડાઈવરનું મોત નીપજ્યું હતું. ત્યારથી ધ્રુવ સહિતના બધા ALH હેલિકોપ્ટર ગ્રાઉન્ડેડ છે. તપાસમાં જાણવા મળ્યું કે ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં 'સ્વેશપ્લેટ ફ્રેક્ચર' હતું, જેના કારણે પાઈલટે કાબુ ગુમાવ્યો હતો. દુર્ઘટના બાદ તપાસ કરતાં અન્ય ALH હેલિકોપ્ટરમાં પણ આવું ફેઈલ્યોર થવાના સંકેતો મળી આવ્યા હતા, જેને લીધે હેલિકોપ્ટરોનો વપરાશ બંધ કરી દેવાયો છે. 

'સ્વેશપ્લેટ ફ્રેક્ચર' એટલે શું?

‘સ્વેશપ્લેટ’ એટલે હેલિકોપ્ટરનું 'સ્ટીયરિંગ વ્હીલ', જે પાઈલટના કંટ્રોલ ઈનપુટ્સને રોટર બ્લેડ સાથે જોડે છે અને એને હિસાબે હેલિકોપ્ટરની દિશા નક્કી થાય છે. એમાં બે પ્લેટ હોય છે, એક સ્થિર અને બીજી ફરતી. ‘સ્વેશપ્લેટ’ના કન્ટ્રોલમાં સર્જાયેલી ખામીને 'સ્વેશપ્લેટ ફ્રેક્ચર' કહેવામાં આવે છે. 

સમસ્યાનો ઉપાય શું?

HAL હજુ સુધી આ ખામીનું કારણ સમજી શક્યું નથી. સમસ્યાના નિવારણ માટે બેંગલુરુ ખાતે આવેલી ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ’ (IISc)ની મદદ માંગવામાં આવી છે. એપ્રિલ મહિનાના અંત સુધીમાં એનો રિપોર્ટ આવી જવાની શક્યતા છે. એ પછી સમસ્યાનું નિવારણ કરવાના પગલાં લેવાશે એટલે AHLને ગગનગામી થવામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગી શકે એમ છે.

આ પણ વાંચો : ભારે વરસાદ બાદ જમ્મુ કાશ્મીરમાં તારાજી: કુલ 8ના મોત, 100થી વધુનું રેસ્ક્યૂ, નેશનલ હાઇવે બંધ

ભારતની સંવેદનશીલ સરહદો રેઢી પડી છે

ચીન અને પાકિસ્તાનની સરહદો પરના વિસ્તારોમાં નજર રાખવા માટે AHLનો બહુ ઉપયોગ થતો હતો એટલે છેલ્લા ત્રણ મહિનાથી AHLને અભાવે સરહદો લગભગ રેઢી પડી છે, એમ કહી શકાય. સૈન્ય દળોના ગુપ્ત મિશનો પણ ટલ્લે ચડ્યાં છે. પાઈલટોની ટ્રેનિંગમાં પણ અવરોધ ઊભા થયા છે. અસલી હેલિકોપ્ટર ઉડાડવાને બદલે તેઓ ફક્ત સિમ્યુલેટર પર જ પ્રેક્ટિસ કરી રહ્યા છે. 

કઈ પાંખ પાસે કેટલા ALH છે?

11.5 લાખ સૈનિકો ધરાવતી થળ સેના (આર્મી) પાસે ધ્રુવ હેલિકોપ્ટર સહિત 180 નંગ ALH છે, જેમાં 60 નંગ સશસ્ત્ર 'રુદ્ર' હેલિકોપ્ટરનો પણ સમાવેશ થાય છે. વાયુસેના પાસે 75, નૌકાદળ પાસે 24 અને કોસ્ટ ગાર્ડ પાસે 19 ALH છે. સાડા પાંચ ટન વજનના ધ્રુવ હેલિકોપ્ટર 2002 થી સૈન્ય દળોમાં સામેલ કરવામાં આવ્યા છે. વર્ષ 2023-24માં આ હેલિકોપ્ટરે કુલ 40,000 કલાકની ઉડાન ભરી હતી.

સૈન્ય દળો અછત અનુભવે છે, કારણ કે…

આમ પણ ભારતીય સૈન્ય દળો પાસે હોવા જોઈએ એના કરતાં ઓછા જ હેલિકોપ્ટર હતાં એમાં ALH ના ગ્રાઉન્ડિંગથી સ્થિતિ સર્જાતાં પડ્યા પર પાટું જેવી મુસીબત ઊભી થઈ છે. સશસ્ત્ર દળોએ આગામી 10-15 વર્ષમાં વિવિધ વર્ગોના 1,000 થી વધુ નવા હેલિકોપ્ટરની જરૂરિયાત વ્યક્ત કરી છે. એમાં 484 લાઈટ યુટિલિટી હેલિકોપ્ટર(LUH) અને 419 મલ્ટી-રોલ હેલિકોપ્ટર(MRH)નો સમાવેશ થાય છે. પરંતુ HAL દ્વારા આટલી મોટી માત્રામાં હેલિકોપ્ટર બનાવવાના પ્રોજેક્ટ્સમાં સતત વિલંબ થઈ રહ્યો છે. ગયા મહિને HAL સાથે 62,700 કરોડ રૂપિયાનો સોદો થયો છે, જે અંતર્ગત ભારતીય સૈન્ય દળોને વર્ષ 2028 થી 2033 ની વચ્ચે 156 'પ્રચંડ' LCH   (લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર - હળવા લડાયક હેલિકોપ્ટર) પૂરા પાડવામાં આવશે. 

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ ગાંધીજી પર કરેલી ટિપ્પણી મુદ્દે ભાજપનો ટોણો: આમની પાસેથી ઈતિહાસ ક્યારેય ન શિખાય

ALH ના વિકલ્પ રૂપે શું? 

ALH ની ગેરહાજરીમાં સૈન્ય દળોએ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ‘સિવિલ ચોપર્સ’ એટલે કે ‘નાગરિક હેલિકોપ્ટર’ ભાડે રાખ્યા છે. ઉત્તર અને મધ્ય કમાન્ડે નવેમ્બર 2024 થી આમ કરવાનું શરૂ કરી દીધું હતું. દુર્ગમ પહાડી વિસ્તારોમાં આવેલી ચોકીઓ પર તૈનાત સૈનિકોને માલસામાન પહોંચાડવા માટે તેમનો ઉપયોગ કરાઈ રહ્યો છે. 

સ્થિતિ ચિંતાજનક છે

ચીન અને પાકિસ્તાન જેવા બબ્બે જાનીદુશ્મનોથી ઘેરાયેલા ભારત પાસે હેલિકોપ્ટરની ફૌજ હોય જ નહીં, એ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક કહેવાય. ALH ની ખામીઓ ઝડપથી દૂર કરીને ભારતના સૈન્ય દળોને ફરી મજબૂત કરાય એ ઈચ્છનીય છે. 

Tags :