Explainer: ભારતના એરલાઇન્સ ક્ષેત્રની ‘નોઝ ડાઇવ’, જાણો લાખો મુસાફરો હોવા છતાં શું મુશ્કેલી પડે છે

Indian Airlines Performance: ભારતમાં સ્થાનિક હવાઈ વ્યવહારની વાત કરીએ તો ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું બજાર છે. ભારતમાં એવિયેશન ઇન્ડસ્ટ્રી સતત વૃદ્ધિ પામી રહી છે. છતાં આ ઉદ્યોગ ઓપરેશનલ અસ્થિરતાનો સામનો કરે છે. ગત કેટલાક મહિનાઓથી ભારતની વિવિધ એરલાઈન્સ ફ્લાઇટમાં વિલંબ કે રદ થવાના બનાવો ખૂબ વધી ગયા છે. છેલ્લા ચારેક દિવસોમાં તો ઇતિહાસમાં ક્યારેય રદ ન થઈ હોય એટલી ફ્લાઇટ્સ ભારતમાં રદ થઈ છે. એકલી ઇન્ડિગો એરલાઇન્સની જ ચાર દિવસમાં 1,300થી વધુ ફ્લાઇટ રદ થઈ છે, જેને લીધે ઍરપોર્ટ પર હજારો મુસાફરો રઝળી પડ્યા છે.
આ માહોલમાં પ્રશ્ન એ થાય કે વિશાળ અને વૃદ્ધિ પામતા ભારતના બજારમાં એરલાઇન્સ સારું પ્રદર્શન કેમ કરી શકતી નથી? ચાલો આ સવાલને સમજવાનો પ્રયાસ કરીએ.
1. નાણાકીય દબાણ: ઊંચો ખર્ચ અને ઓછો નફો
ભારતીય એરલાઇન્સ માટે સંચાલન ખર્ચ અત્યંત ઊંચો છે. એવિયેશન ટર્બાઇન ફ્યુલ (ATF) પરનો કર, જે કેટલાક રાજ્યોમાં 30% કરતાં પણ વધી જાય છે, તે વિશ્વમાં સૌથી વધુ છે. એરલાઇન્સના કુલ ખર્ચનો 30-40% હિસ્સો ફ્યુલનો હોય છે. આ ઉપરાંત વિમાનોની ખરીદી, ભાડાપટ્ટાની રકમ અને જાળવણી જેવા મોટા ખર્ચ નિભાવવાના હોય છે, અને એય પાછા ડોલરમાં. રૂપિયાની કિંમતમાં ઘટાડો થતા આ ખર્ચમાં વધારો થાય છે. આટલા ઊંચા ખર્ચ છતાં ઉડ્ડયન ક્ષેત્રે તીવ્ર સ્પર્ધાને કારણે ટિકિટના ભાવ નીચા જ રાખવા પડે છે, જેથી નફાનું પ્રમાણ (માર્જિન) અત્યંત ઓછું રહે છે અને એરલાઇન્સને ખોટ જાય છે.
2. માળખાગત મર્યાદાઓ પણ સતત નડે છે
ભારતમાં એરપોર્ટ્સ અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની સુવિધાઓ એરલાઇન્સની વૃદ્ધિની ગતિ સાથે તાલ મેળવી શકતી નથી. દિલ્હી અને મુંબઈ જેવા દેશના મુખ્ય એરપોર્ટ્સ પર પહેલેથી જ ક્ષમતાથી વધુ વિમાનોનો ટ્રાફિક છે. સ્લોટ (વિમાનના ઉતરાણ-ચઢાણનો સમય) મર્યાદિત હોવાથી ફ્લાઇટ રદ થાય છે કે મોડી પડે છે. નવા એરપોર્ટ્સ અને રન-વેનું નિર્માણ પણ ધીમી ગતિએ થાય છે. આ માળખાગત ખામીઓ એરલાઇન્સને સમય પાલન કરતા રોકે છે અને છેવટે કંપનીની કાર્યક્ષમતા પર અસર પડે છે, જેનાથી સરવાળે ખર્ચ વધે છે અને મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે.
3. સ્ટાફની અછત પણ ખૂબ મોટી સમસ્યા છે
ભારતીય વિમાન ઉદ્યોગ પ્રશિક્ષિત પાયલટ્સ, ક્રૂ અને ટેકનિકલ કર્મચારીઓની અછતનો સામનો કરે છે. યોગ્ય સ્ટાફની ભરતી અને પ્રશિક્ષણ એક મોટો પડકાર છે. આ સિવાય નિયમનકારી ફેરફારો, જેમ કે ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટ (FDTL)ના નવા નિયમો, એરલાઇન્સ માટે રોસ્ટર બનાવવાનું કામ આ સ્થિતિને વધુ જટિલ બનાવે છે. સ્ટાફની અછતને કારણે પણ ફ્લાઇટ રદ થવાના બનાવો બન્યા જ કરે છે.
4. અન્ય દેશો પર ટેકનિકલ નિર્ભરતા
વિમાનના એન્જિન સહિત તેની જાળવણી માટે ભારત હજુ પણ ઘણે અંશે અન્ય દેશો પર ટેકનિકલ નિર્ભરતા ધરાવે છે. પરિણામે ટેકનિકલ સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ નથી આવી શકતું અને ફ્લાઇટ્સ રદ કરવી પડે છે, જે નાણાકીય નુકસાન ઉપરાંત મુસાફરોની હાલાકીમાં પરિણમે છે. Pratt & Whitney જેવા એન્જિનોમાં આવેલી ખામીએ ‘ગો ફર્સ્ટ’ની સેવાઓને ભયંકર હદે અસર કરી હતી.
5. મુસાફરીની માંગ મોસમી હોય છે
ભારતીય બજાર અત્યંત સ્પર્ધાત્મક છે. અહીં મુસાફરો સસ્તા ભાડાંની ટિકિટો ઈચ્છતા હોવાથી એરલાઇન્સ વચ્ચે જબરદસ્ત હરીફાઈ પણ રહે છે. વધુમાં હવાઈ મુસાફરીની માંગ મોસમી હોય છે. તહેવારો અને વેકેશનમાં લોકો મોટા પાયે હવાઈ યાત્રા કરે છે, જ્યારે બાકીના સમયમાં વિમાનો ખાલી સીટો સાથે ઉડાન ભરે છે. આ અસ્થિરતા ખર્ચ-લાભનું ગણિત ખોરવી નાંખે છે અને નિયમિત આવક મેળવવાનું મુશ્કેલ બનાવે છે.
6. એરલાઇન્સની નિષ્ફળતાનો લાંબો ઇતિહાસ
ભારતનો એરલાઇન્સ ઉદ્યોગ ઘણી હાઇ-પ્રોફાઈલ નિષ્ફળતા જોઈ ચૂક્યો છે. કિંગફિશર એરલાઇન્સ, જેટ એરવેઝ અને ગો ફર્સ્ટ જેવી કંપનીઓ ભારે દેવા, ખામીયુક્ત સંચાલન અને નબળી નાણાકીય યોજના જેવા કારણસર બંધ થઈ ગઈ. આ ઘટનાઓ આ ઉદ્યોગની નબળાઈઓ અને જોખમોને ઉજાગર કરે છે. તાજેતરમાં જ સ્પાઇસજેટ જેવી એરલાઇન્સ પણ ગંભીર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.
તો હવે સ્થિતિ સુધરશે કે પછી...
ટૂંકમાં જોઈએ તો, ભારતીય એરલાઇન્સનું નબળું પ્રદર્શન એ ઊંચા ખર્ચ, માળખાગત ખામીઓ, તીવ્ર સ્પર્ધા, નિયમનકારી જટિલતા અને ઓપરેશનલ અનિશ્ચિતતાના સંયોજનનું પરિણામ છે. તાજેતરમાં બનેલી સેંકડો ફ્લાઇટ રદ થવાની ઘટનાએ આ સંકટને ફરીથી ઉજાગર કર્યું છે. આ ક્ષેત્રમાં લાંબા ગાળા સુધી ટકી રહેવું હશે તો ઉડ્ડયન ઉદ્યોગે નિયમોને સરળ બનાવીને એકથી વધુ મુદ્દે કાર્યક્ષમ બનીને ગુણવત્તાયુક્ત સેવા આપવી પડશે. તો જ ભારતીય એરલાઇન્સ વૃદ્ધિના આકાશમાં નફાકારક ઉડાન ભરી શકશે.

