Get The App

એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
MiG-21 retirement


MiG-21 Retired: End of an Era in Indian Air Force History | ભારતીય વાયુસેના દ્વારા સંચાલિત છેલ્લા છ મિગ-21 ફાઇટર (બાઇસન વેરિયન્ટ્સ) વિમાનોએ 26 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ ચંડીગઢમાં અંતિમ ઉડાન ભરી. આ ઘટનાએ ભારતના લશ્કરી ઇતિહાસના સૌથી લાંબા અને સૌથી વીરતાપૂર્ણ અધ્યાયોમાંનો એક અધ્યાય પૂરો કર્યો. 1963માં પ્રથમ વાર સેવામાં આવ્યા બાદ 1200થી વધુ મિગ-21 વિમાનોએ ભારતની આકાશી સરહદોનું રક્ષણ કર્યું હતું અને 1965, 1971, અને 1999 કારગિલ જેવા યુદ્ધો તથા 2019ની બાલાકોટ એરસ્ટ્રાઈકમાં સક્રિય ભૂમિકા નિભાવી હતી.

સોવિયેત ખોજ ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ બની

1954માં મિકોયાન-ગુરેવિચ દ્વારા ડિઝાઇન કરાયેલું મિગ-21 દુનિયાનું સૌથી વધુ પ્રચલિત સુપરસોનિક ફાઇટર વિમાન બની ગયું હતું. 60થી વધુ દેશોની વાયુસેનાઓમાં તેનો દબદબો હતો. 1962ના ભારત-ચીન યુદ્ધ પછી વાયુસેનાની ક્ષમતા વધારવાના ભાગરૂપે ભારતે 1963માં સોવિયેત યુનિયન સાથે કરાર કરીને પહેલા 13 નંગ મિગ-21 (MiG-21F-13s) વિમાનોની ખરીદી કરી હતી. આ વિમાનોની તાલીમ માટે ચંડીગઢમાં પહેલું સ્ક્વોડ્રન તહેનાત કરવામાં આવ્યું હતું. 1966 થી 1984 દરમિયાન, ભારતે વિવિધ મોડેલના કુલ 874 વિમાનોની આયાત કરી હતી અને નાસિક સ્થિત ‘હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ’ (HAL) ખાતે તેનું લાઇસન્સ-નિર્માણ પણ શરૂ કર્યું હતું.

એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ 2 - image

પાયલટનો હવાઈ સાથી: તેજ ગતિ અને ઉચ્ચ ક્ષમતા 

મિગ-21ને ઉડાડનારા પાયલટ્સ માટે તે કેવળ એક વિમાન નહોતું, પણ એક વિશ્વસનીય સાથી હતું. તેની મહત્તમ ગતિ મેક 2 (અવાજની ગતિ કરતાં બમણી) અને 18,000 મીટર (59,000 ફૂટ) સુધી પહોંચવાની ક્ષમતા તેને એક ઘાતક ઇન્ટરસેપ્ટર બનાવતી. 

કોકપિટમાં પાયલટને ખૂબ ગરમી લાગતી

મિગ-21ની કોકપિટની ડિઝાઇન આરામદાયક નહોતી. રશિયાના ઠંડા હવામાનને ધ્યાનમાં રાખીને બનાવેલી એર-કન્ડીશનિંગ સિસ્ટમ ભારતના ગરમ હવામાન માટે અપૂરતી હતી, જેના કારણે ઓછી ઊંચાઈએ ઉડાન દરમિયાન કોકપિટમાં પાયલટને ખૂબ ગરમી લાગતી. 

એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ 3 - image

1971 ના યુદ્ધમાં આલેખ્યો સુવર્ણ અધ્યાય

મિગ-21ની સૌથી શાનદાર સફળતા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જોવા મળી હતી. ઉપખંડના પહેલા સુપરસોનિક એર કોમ્બેટમાં ભારતીય વાયુસેનાના મિગ-21એ હવામાં સર્વોપરિતા સ્થાપિત કરીને પાકિસ્તાની વાયુસેનાના (અમેરિકન બનાવટના) એફ-104 સ્ટારફાઇટર વિમાન સહિત અનેક અન્ય ફાઇટર વિમાનોને તોડી પાડ્યા હતા. મિગ-21 દુશ્મન દેશને એટલી હદે ભારે પડ્યા હતા કે એ પછી પાકિસ્તાને તેના બધા જ એફ-104 વિમાનોને યુદ્ધક્ષેત્રથી દૂર કરી દીધા હતા. મલ્ટિ-રોલ મિગ-21એ હવાઈ કરતબો કરવા ઉપરાંત રાત્રિ સમયે ઓછી ઊંચાઈએ ઊડાન ભરીને પાકિસ્તાની જમીન પર હુમલા કરવામાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

વિયેતનામ યુદ્ધમાં પણ મિગ-21 સફળ રહ્યું

સોવિયેત યુનિયન અને ભારત ઉપરાંત ચીન, ઇજિપ્ત, ઇરાક અને વિયેતનામ જેવા ઘણાં દેશોની વાયુસેનામાં મિગ-21એ મહત્ત્વનું સ્થાન મેળવ્યું હતું. વિયેતનામની વાયુસેનાએ વિયેતનામ યુદ્ધ (1966-1972) દરમિયાન મિગ-21 વડે 165 અમેરિકન વિમાનોને તોડી પાડીને અમેરિકન વાયુસેનાના દાંત ખાટા કરી દીધા હતા. 

એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ 4 - image

'ફ્લાઇંગ કોફિન'નું ઉપનામ મળ્યું

સમય જતાં વૃદ્ધ થઈ ગયેલા મિગ-21 અકસ્માતગ્રસ્ત થવા લાગ્યા. 1970 થી 2023 દરમિયાન, ભારતીય વાયુસેનાના 482 મિગ-21 ક્રેશ થયા, જેમાં 170થી વધુ પાયલટ્સ અને 40 નાગરિકોએ જીવ ગુમાવ્યા. મિગના અકસ્માતના મુખ્ય કારણો ‘વિમાનની લેન્ડિંગ સમયની તેજ ગતિ’, ‘જૂની ટેક્નોલોજી’ અને ‘નવા વિમાનોની વિલંબિત ભરતી’ને ગણવામાં આવે છે. ઊંચા અકસ્માત દરને લીધે આ વિમાનને ‘ફ્લાઇંગ કોફિન’ (ઉડતી શબપેટી) જેવું બદનામીકારક ઉપનામ મળ્યું.

મિગ-21ની નિવૃત્તિએ સર્જ્યો ખાલીપો 

મિગ-21ની નિવૃત્તિને લીધે ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ક્વોડ્રનની સંખ્યા 31 પર આવી ગઈ છે, જ્યારે કે આદર્શ સંખ્યા 42 છે. આ ખાલીપો ભરવા માટે દેશની વાયુસેના પાસે હાલમાં સ્વદેશી તેજસ, ફ્રેંચ બનાવટના રાફેલ અને રશિયન સુખોઈ જેવા આધુનિક વિમાનો છે ખરા, છતાં કહેવું પડે કે ભારતના સૈન્ય ઈતિહાસમાં મિગ-21 નો ફાળો અનન્ય છે. આ યુદ્ધવિમાને ભારત-રશિયા વચ્ચેના દાયકાઓ જૂના લશ્કરી સહયોગને મજબૂત બનાવ્યો છે. છ દાયકાથી વધુ સમય સુધી ભારતના આકાશી સીમાડાનું રક્ષણ કરનાર મિગ-21 નું નામ દેશના વાયુસેનાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થઈ ચૂક્યું છે. ચંડીગઢમાં જ્યાં 1963માં પહેલું મિગ-21 સ્ક્વોડ્રન તહેનાત થયું હતું, ત્યાં જ તેની છેલ્લી ઉડાનનું આયોજન કરીને ભારતે આ શૌર્યવાન યુદ્ધવિમાનને યથાયોગ્ય અંજલિ આપી છે.

Tags :