અમેરિકાના એફ-35 વિમાનો ભારત નહીં ખરીદે .
- ટ્રમ્પે 25 ટકા ટેરિફ નાંખ્યો તો ભારતે ઇંટનો જવાબ પથ્થરથી આપ્યો
- દુનિયાના અત્યાધુનિક ફાઈટર જેટ એફ-35 ખૂબ જ મોંઘા, ખર્ચાળ મેઈન્ટેનન્સ, ભારતીય જરૂરિયાતોને અનુરૂપ નહીં હોવાનો દાવો
- ભારત માટે એફ-35ની ખરીદી અંગે અમેરિકા સાથે હજુ સુધી સત્તાવાર કોઈ ચર્ચા જ થઈ નથી : વિદેશ મંત્રાલય
નવી દિલ્હી : અમેરિનક પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે સંબંધો બદલ ભારત પર ૨૫ ટકા ટેરિફ અને દંડ નાંખવાની જાહેરાત કરી હતી, પરંતુ ટેરિફના દબાણની વાસ્તવિક હકીકત હવે જાહેર થઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને દુનિયાના સૌથી અત્યાધુનિક અને મોંઘા તથા ખર્ચાળ ફાઈટર જેટ એફ-૩૫ ખરીદવા ઓફર કરી હતી, પરંતુ ભારતે આ વિમાનો ખરીદવા અમેરિકાને ઈનકાર કરી દીધો છે. એટલું જ નહીં ભારતે હાલ અમેરિકા સાથે અન્ય કોઈ સંરક્ષણ સોદા કરવાની ઓફર પણ ફગાવી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબુ્રઆરી ૨૦૨૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોશિંગ્ટન મુલાકાત વખતે કહ્યું હતું કે, અમેરિકા આ વર્ષે ભારત તરફ અબજો ડોલરના સંરક્ષણ સોદા માટે હાથ લંબાવશે. આ સંરક્ષણ સોદામાં લોકહીડ માર્ટીને બનાવેલા પાંચમી પેઢીના એફ-૩૫ સ્ટિલ્થ ફાઈટર જેટનો પણ સમાવેશ થાય છે. આ વિમાન દુનિયાના સૌથી અત્યાધુનિક ફાઈટર જેટ છે. જોકે, તે સમયે પીએમ મોદીએ આ વિમાનો ખરીદવામાં કોઈ રસ બતાવ્યો નહતો.
એક મીડિયા અહેવાલ મુજબ ભારતે જુલાઈમાં એક બેઠકમાં અમેરિકાને એફ-૩૫ ફાઈટર જેટ ખરીદવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. એફ-૩૫ સ્ટીલ્થ ફાઈટર જેટ દુનિયાના સૌથી આધુનિક ફાઈટર વિમાન છે, જે દુશ્મનના રડારથી બચી શકે છે. અનેક પ્રકારના હુમલા કરી શકે છે.
ફેબુ્રઆરીમાં પીએમ મોદીની વોશિંગ્ટન મુલાકાત પછી ભારતીય એરફોર્સના પ્રમુખ એર માર્શલ એપી સિંહને આ અંગે સવાલ કરાતા તેમણે કહ્યું હતું કે, એફ-૩૫ ખરીદતા પહેલાં તેની કિંમત અને તેની જરૂરિયાતો અંગે સમજવું પડશે. સંરક્ષણ વિભાગના સૂત્રો મુજબ એફ-૩૫ નહીં ખરીદવા માટે ભારતના પોતાના કારણો છે. સૌથી મહત્વનું એક એફ-૩૫ની કિંમત ૮૦ મિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ. ૬૭૦ કરોડ છે. સાથે જ તેનો મેઈન્ટેનન્સ ખર્ચ પણ ઊંચો હોય છે. વધુમાં અમેરિકા એફ-૩૫નું સંપૂર્ણ ટેકનિકલ નિયંત્રણ ભારતને સોંપવા માગતું નથી. અન્ય એક મહત્વનું કારણ એ પણ છે કે હવે ડ્રોનના યુગમાં ભારતને પાયલટવાળા ફાઈટર જેટની ખરીદી માથે પડી શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે, ભારત માટે એફ-૩૫ ખરીદવામાં અન્ય મોટો પડકાર એ છે કે ભારતીય એરફોર્સના પાયલટોએ અમેરિકન વિમાનો ક્યારેય ઉડાવ્યા નથી. ભારતીય એરફોર્સમાં રશિયન, ફ્રેન્ચ વિમાનો છે, જેની સાથે અમેરિકન વિમાનનો તાલમેલ બેસાડવો મુશ્કેલ છે. વધુમાં તેની જટિલતાઓના કારણે અનેક નિષ્ણાતો મુજબ આ ફાઈટર જેટ ભારત માટે યોગ્ય નથી.
મીડિયા અહેવાલ મુજબ મોદી સરકાર નજીકના ભવિષ્યમાં અમેરિકા સાથે કોઈ નવો સંરક્ષણ સોદો કરવા પણ તૈયાર નથી. વિદેશ મંત્રાલયે પણ શુક્રવારે કહ્યું હતું કે, ભારતને એફ-૩૫ ફાઈટર જેટ વેચવા સંબંધે અમેરિકા સાથે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ એફ-૩૫ની ખરીદી નહીં કરવી એ ટ્રમ્પના ટેરિફ પાછળનું મૂળ કારણ હોઈ શકે છે.