લા નીનાને કારણે ભારતમાં આ વખતે હાડ કંપાવતી ઠંડી પડશે, હવામાન વૈજ્ઞાનિકોની લેટેસ્ટ આગાહી
Weather News : વિશ્વના હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ચાલુ વર્ષના અંત સુધી લા નીનાની પરિસ્થિતિઓનું નિર્માણ થઇ શકે છે. તેના કારણે હવામાનની પેટર્નને અસર થશે અને ભારતમાં કડકડતી ઠંડી પડી શકે છે. અમેરિકાના નેશનલ વેધર સર્વિસના કલાયમેટ પ્રેડિકશન સેન્ટરે 11 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ઓક્ટોબર-ડિસેમ્બર 2025ની વચ્ચે લા નીનાનું નિર્માણ થવાની શક્યતા 71 ટકા છે.
આ સંભાવના ડિસેમ્બર, 2025થી ફેબુ્રઆરી 2026ની વચ્ચે ઘટીને 54 ટકા થવાની સંભાવના છે. લા નીના પ્રશાંત મહાસાગરના ભૂમધ્યરેખાવાળા ભાગમાં સમુદ્ર સપાટીના તાપમાનથી ઠંડુ થવાની સ્થિતિ છે. તેની અસર સમગ્ર વિશ્વના હવામાન પર પડે છે. ભારતમાં તેના કારણે શિયાળાની ઋતુ વધુ ઠંડી બની જાય છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (આઇએમડી)એ પોતાના તાજેતરના ઇનએસઓ બુલેટિનમાં જણાવ્યું છે કે હાલમાં તટસ્થ સ્થિતિ છે.
હાલમાં અલ નીનો કે લા નીના નથી. પરંતુ વિભાગનું માનવું છે કે ચોમાસા પછી લા નીનાની સંભાવના વધી જશે. હવામાન વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર અમારા મોડેલ ઓક્ટોબર-ડિસેમ્બરમાં લા નીના વિકસિત થવાની 50 ટકાથી વધુ સંભાવના બતાવી રહ્યાં છે. લા નીના દરમિયાન ભારતમાં શિયાળો સામાન્ય કરતા વધારે ઠંડુ હોય છે. જો કે જળવાયુ પરિવર્તનને કારણે લા નીના અસર ઓછી થઇ શકે છે પણ ઠંડી લહેરો વધી શકે છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ વેધરના અધ્યક્ષ જી પી શર્માએ જણાવ્યું છે કે લા નીનાની સ્થિતિનો ઇનકાર કરી ન શકાય. તેમણે જણાવ્યું હતું કે પ્રશાંત મહાસાગરનું તાપમાન અગાઉથી સામાન્યથી વધારે ઠંડુ છે.