ભારત અમેરિકા જેવો શક્તિશાળી બન્કર બસ્ટર બોમ્બ તૈયાર કરશે

- ઇરાન પર હુમલામાં અમેરિકાએ બન્કર બસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો હતો
- અગ્નિ-5 મિસાઇલ મોડિફાઇ કરાશે, પાંચ હજારના બદલે 7500 કિલોની વિસ્ફોટક સામગ્રી લઇ જવા સક્ષમ હશે
નવી દિલ્હી : અમેરિકાએ ઇરાનના પરમાણુ ઉત્પાદન સ્થળોનો નાશ કરવા માટે શક્તિશાળી બન્કર બસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો હતો. હવે એવા અહેવાલો છે કે ભારત પણ આ પ્રકારના બસ્ટર બોમ્બને બનાવવા અંગે વિચારી રહ્યું છે. આ માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન કામ કરી રહ્યું છે. જોકે હજુસુધી કોઇ સત્તાવાર જાહેરાત આ અંગે કરવામાં નથી આવી. ઇરાને પરમાણુ હથિયારો તૈયાર કરવા માટે ૧૦૦ મીટર નીચે ભુગર્ભમાં બન્કર બનાવ્યા હતા. તાજેતરમાં ઇઝરાયેલ સાથે ઘર્ષણ દરમિયાન અમેરિકાએ ઇરાનના આ બન્કરો પર શક્તિશાળી બન્કર બસ્ટર (જીબીયુ-૫૭-એ) બોમ્બ ફેક્યા હતા. આ બોમ્બ એવી રીતે તૈયાર કરાયા છે કે તે ભુગર્ભમાં પણ હુમલો કરી શકે છે અને દુશ્મન દેશોના બન્કરોનો નાશ કરી શકે છે. હવે ભારત પણ આ દિશામાં વિચારી રહ્યું હોવાના અહેવાલો છે. ભારતે આવા એડવાંસ બંકર બસ્ટર બોમ્બ બનાવવાના પ્રયાસો ઝડપી બનાવી દીધા છે. તાજેતરના વર્ષોમાં ચીન અને પાકિસ્તાન સાથેના સરહદી સંઘર્ષોને ધ્યાનમાં રાખીને ભારતે આ નિર્ણય લીધો હોવાના અહેવાલો છે.
ડીઆરડીઓ અગ્નિ-૫ ઇન્ટરકન્ટિનેંટલ બેલિસ્ટિક મિસાઇલનું મોડિફાઇડ વર્ઝન તૈયાર કરી રહ્યું છે. અગ્નિ-૫ના ઓરિજિનલ વર્ઝનની રેન્જ ૫૦૦૦ કિમીથી વધુ છે. આ મિસાઇલ સામાન્ય રીતે પરમાણુ હથિયારો સાથે લઇ જવાની ક્ષમતા ધરાવે છે. હવે તેનું મોડિફાઇડ વર્ઝન તૈયાર કરાશે જે ૭૫૦૦ કિલો વિશાળ બન્કર બસ્ટર બોમ્બ લઇ જવા માટે સક્ષમ હશે. ભારત એવો બોમ્બ તૈયાર કરી રહ્યું છે જે વિસ્ફોટ પહેલા જમીનમાં ૮૦થી ૧૦૦ મીટર સુધી ડ્રિલ કરી શકશે અને બાદમાં વિસ્ફોટ થશે. જોકે બોમ્બ ક્યારે તૈયાર થશે અને તેની પાછળ કેટલો ખર્ચો થશે તે અંગે કોઇ માહિતી જાહેર કરવામાં નથી આવી.








