કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? રેસમાં આ નામ થયા સામેલ, ટૂંક સમયમાં થશે જાહેરાત
Vice President Election: નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે સત્તાવાર રીતે તૈયારીઓ તેજ કરી દીધી છે. ગુરુવારે (સામતમી ઓગસ્ટ) સંસદ ભવનમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં એનડીએ તરફથી ઉમેદવાર પસંદ કરવાનો અધિકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને આપવામાં આવ્યો હતો. બેઠક બાદ, કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. આ બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
જગદીપ ધનખડે 21મી જુલાઈના રોજ અચાનક સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી, આ પદ ખાલી છે અને આગામી ઉપરાષ્ટ્રપતિ વિશે રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી છે. ઘણાં નામોની ચર્ચા થઈ રહી છે, જો કે, ભાજપે ગઈ વખતે પણ જગદીપ ધનખડનું નામ જાહેર કરીને લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા.
NDAના સંભવિત ચહેરા કોણ છે?
મનોજ સિંહા: જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી છે. તેમણે તાજેતરમાં જ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. કલમ 370 દૂર કર્યા પછી તેમને પ્રદેશમાં સ્થિરતા લાવવાનો શ્રેય આપવામાં આવે છે. જો કે, તેમનો કાર્યકાળ 22મી એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પડછાયા હેઠળ સમાપ્ત થયો, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા. તેમ છતાં તેમનો દાવો મજબૂત માનવામાં આવે છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના નેતા માનવામાં આવે છે.
વી.કે. સક્સેના: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાનું નામ પણ સમાચારમાં છે. કોર્પોરેટ ક્ષેત્રમાંથી આવતા સક્સેનાએ દિલ્હીના રાજકારણમાં આમ આદમી પાર્ટી સરકાર સામે ઘણાં વહીવટી નિર્ણયો અટકાવ્યા હતા, જેનાથી કેન્દ્ર સરકાર પ્રત્યે તેમની વફાદારી અને સક્રિયતા છતી થઈ હતી. રાજકીય વર્તુળોમાં એવું માનવામાં આવી રહ્યું છે કે હવે તેમને મોટી ભૂમિકા આપવામાં આવી શકે છે.
નીતિશ કુમાર: બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના વરિષ્ઠ નેતા નીતિશ કુમાર વિશે પણ ઘણી ચર્ચા છે કે તેઓ ઉપરાષ્ટ્રપતિ પદની રેસમાં જોડાઈ શકે છે. જો કે, આ અટકળો હજુ પણ અપ્રમાણિત છે. તાજેતરના સમયમાં તેમના સ્વાસ્થ્ય અંગે પણ ઘણા સવાલો ઊભા થયા છે. એનડીએના કેટલાક સાથી પક્ષો માને છે કે નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ છોડીને રાષ્ટ્રીય રાજકારણમાં નવી ભૂમિકા ભજવી શકે છે. પૂર્વ જેડીયુ નેતા ઉપેન્દ્ર કુશવાહા અને અન્ય નેતાઓએ સંકેત આપ્યો છે કે નીતિશ હવે નવી પેઢીને નેતૃત્વ સોંપવા માંગે છે.
હરિવંશ નારાયણ સિંહ: રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ સિંહ JDUમાંથી આવે છે. તેમને એક વિશ્વસનીય અને અનુભવી ચહેરો પણ માનવામાં આવે છે. વર્ષ 2020થી આ પદ સંભાળતી વખતે, તેમણે ઘણી વખત ગૃહમાં સંતુલન જાળવી રાખ્યું છે અને સરકાર સાથે સ્પષ્ટ સમજણ ધરાવે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો વિશ્વાસ જીતી લીધો છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે આ વખતે એનડીએ રાજકીય સંતુલન, સામાજિક પ્રતિનિધિત્ત્વ અને અનુભવને ધ્યાનમાં રાખીને પોતાના ઉમેદવારની પસંદગી કરશે. બધાની નજર વડાપ્રધાન મોદી કયા નામને મંજૂરી આપે છે તેના પર છે. આ ઉપરાંત વિપક્ષ પણ ટૂંક સમયમાં પોતાના ઉમેદવાર વિશે વિચાર-વિમર્શ શરૂ કરી શકે છે, જે સ્પર્ધાને રસપ્રદ બનાવી શકે છે. જો કે, એનડીએ પાસે લોકસભા અને રાજ્યસભામાં સંયુક્ત રીતે સ્પષ્ટ બહુમતી છે.