ભારતને ટેરિફમાં મળશે મોટી રાહત, ટ્રમ્પે દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે આપ્યા મહત્ત્વના સંકેત
India-US Trade Deal: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે દાવો કર્યો છે કે, ભારત સાથે ટેરિફ મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ સકારાત્મક રીતે આગળ વધી રહી છે. ટૂંકસમયમાં બંને દેશો આ મુદ્દે સમાધાન કરશે. ટ્રમ્પના આ નિવેદનથી ભારતીય નિકાસકારોને રાહત મળી છે. ટ્રમ્પે આ નિવેદન મિશિગનમાં યોજાયેલી એક રેલીમાં ભાગ લેતાં પહેલાં આપ્યું હતું.
વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે જણાવ્યું કે, મને લાગે છે કે, અમે ભારત સાથે ટેરિફ મુદ્દે સમાધાન કરીશું. તમે જાણો છો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ સપ્તાહ પહેલાં અહીં આવ્યા હતા, અને તેઓ ટેરિફ મુદ્દે ઉકેલ લાવવા માગે છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો પ્રગતિશીલ ધોરણે આગળ વધી રહી છે.
ગત સપ્તાહે જ અમેરિકાના નાયબ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ ભારત આવ્યા હતા. બંને દેશો વેપાર કરાર મુદ્દે યોજાયેલી બેઠક સફળ રહી હતી. ત્યારબાદ ભારત માટે ટૂંકસમયમાં જ રાહતોની જાહેરાત કરવાનો દાવો અમેરિકાના ટ્રેઝરી સચિવ સ્કૉટ બેસેન્ટે કર્યો હતો.
આ પણ વાંચોઃ ITR Filling: પગારદારો આ વર્ષે સરળતાથી ફાઈલ કરી શકશે રિટર્ન, ફોર્મ-16માં થયા મોટા ફેરફાર
અમેરિકા માટે લોભામણો પ્રસ્તાવ રજૂ કરશે
એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અમેરિકા સાથે વેપાર કરારમાં લોભામણો પ્રસ્તાવ (સ્વિટનર) સામેલ કરવા જઈ રહી છે. જેથી આ કરાર ભવિષ્યમાં પણ ભારતને સુરક્ષિત રાખે. વધુમાં અન્ય વેપાર કરારની તુલનાએ સૌથી શ્રેષ્ઠ શરતો રજૂ કરવા પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભારત સરકાર પણ અમેરિકા સાથે ઝડપથી વેપાર કરારને અંતિમ રૂપ આપવા પ્રયાસ કરી રહી છે. સરકાર ફોરવર્ડ મોસ્ટ-ફેવર્ડ-નેશન કલમ સામેલ કરવા વિચારી રહી છે. આ કલમ હેઠળ અમેરિકાને સુવિધા મળશે કે, જો ભારત ભવિષ્યમાં કોઈપણ દેશ માટે ટેરિફમાં રાહતો આપે છે, તો તે રાહત આપોઆપ અમેરિકા પર પણ લાગુ થશે.
ટ્રમ્પે ભારત પર 26 ટકા ટેરિફ લાદ્યો
ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલના રોજ ભારત સહિત અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. જેમાં ભારત પર 26 ટકા ટેરિફ લાદ્યો હતો, સામે ભારત અમેરિકાની પ્રોડક્ટ્સ પર 52 ટકા ટેરિફ વસૂલે છે. આ ટેરિફ બાદ ભારત સહિત વૈશ્વિક બજારોમાં ભારે ઉથલ-પાથલ બાદ ટ્રમ્પે 9 એપ્રિલે રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ માટે સ્થગિત કર્યો હતો. પરંતુ 10 ટકા બેઝલાઇન ટેરિફ લાગુ છે. આ રોક ચીન સિવાય તમામ દેશો પર લાગુ છે.