ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ લોક આઠમી જુલાઈ સુધીમાં જાહેરાતની શક્યતા

- ભારતની ટીમે ડીલ માટે અમેરિકામાં રોકાણ લંબાવ્યું
- બંને દેશ વચ્ચેના વેપાર કરારમાં એગ્રીકલ્ચર, ડેરી સેક્ટર અને ખેડૂતોને અપાતી સબસિડી મુખ્ય અવરોધ યથાવત્
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ થઈ ગયું છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય સચિવ રાજેશ અગ્રવાલ આ સમજૂતીના મુખ્ય વાટાઘાટકાર હતા. તેની આગેવાનીમાં વોશિંગ્ટનમાં આના પર સમજૂતી થઈ.
ભારત અને અમેરિકા વચ્ચે આ પ્રકારની સમજૂતી એવા સમયે થઈ છે જ્યારે ટ્રમ્પ દ્વારા વિશ્વના દેશો પર લગાવવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફનો સમયગાળો નવમી જુલાઈના રોજ પૂરો થઈ રહ્યો છે.
રાજેશ અગ્રવાલની આગેવાની હેઠળ ગયેલી ભારતની ટીમ ત્યાં વાટાઘાટ માટે તેનું રોકાણ લંબાવવાની છે. ભારતીય અધિકારીઓએ તેમનું રોકાણ બીજા ત્રણ દિવસ લંબાવ્યું છે. બંને વચ્ચેની મંત્રણાનો પ્રારંભ ૨૬ જૂને શરૂ થયો હતો.
બંને દેશ વચ્ચેના ટ્રેડ ડીલમાં કૃષિ, ડેરી સેક્ટર અને ભારતીય ખેડૂતોને આપવામાં આવતી સબસિડી મુખ્ય અવરોધ હતા. બીજી બાજુએ અમેરિકા ઇચ્છતું હતું કે ભારતના કૃષિ અને ડેરી સેક્ટરને તેની પેદાશો માટે ખોલવામાં આવે અથવા કોઈપણ રીતે ખોલવાનો માર્ગ તૈયાર કરવામાં આવે.આ ઉપરાંત જેનેટિકલી મોડિફાઇડ બીયારણોના મુદ્દે છૂટ આપવામાં આવે. અમેરિકાએ સોય, ઘઉં, મકાઈ, ઇથેનોલ અને સફરજન પર ટેરિફ ઘટાડવા વિનંતી કરી હતી. આ ઉપરાંત ઇવી, વાઇન, પેટ્રોકેમિકલ્સના મોરચે પણ ટેરિફમાં રાહત ઇચ્છે છે.
આ સમજૂતીના થોડા દિવસ પહેલાં જ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી થવાની તૈયારીમાં જ છે, અમે જબરદસ્ત ડીલ કરી રહ્યા છે. ચીન સાથે અમારે ડીલ થઈ ગઈ છે. તેની સાથે ટ્રમ્પે તેમ પણ જણાવ્યું હતું કે ભારત સાથે સમજૂતી ન થઈ તો ૨૬ ટકા ટેરિફ તો ઊભો જ છે. આમ ટ્રમ્પે આડકતરી રીતે ટેક્સની ધમકી આપી હતી.
ઉલ્લેખનીય છે કે અમેરિકન પ્રમુખ ડાનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલના રોજ વિશ્વના મોટાભાગના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો હતો. કમ્બોડિયા જેવા દેશને પણ ટ્રમ્પે છોડયો ન હતો. જો કે આ ટેરિફ પર મોટાપાયા પર શોરબકોર મચતાં ટ્રમ્પે ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર ૨૬ ટકાનો રેસિપ્રોકલ ટેરિફ ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કર્યો હતો. તેની સાથે ધમકી આપી હતી કે જો ૯૦ દિવસમાં ટ્રેડ ડીલ નહીં થાય તો ૨૫ ટકા ટેરિફ લાગશે.
આ પહેલા એપ્રિલમાં અમેરિકન વાઇસ પ્રેસિડેનટ્ જેડી વાન્સ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે ટ્રેડ ડીલની વાટાઘાટો માટેની ટર્મ્સ ઓફ રેફરન્સને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે તમે બંને દેશ વચ્ચે નજીકના ભવિષ્યમાં ડીલ થતું જોઈ શકો છો. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વૈશ્વિક વેપારમાં ઉથલપાથલ મચાવતા તેમના એજન્ડાની જાહેરાત કરી ત્યારે ભારત વાટાઘાટો માટે અમેરિકાનો સંપર્ક કરનારા સૌપ્રથમ દેશોમાં એક હતું.








