India US Trade Deal: શું ભારત અમેરિકા વચ્ચે ગુંચવાયેલું ટ્રેડ ડીલનું કોકડું ઉકેલાશે કે પછી ટ્રમ્પ ટેરિફ ઝીંકશે? આ સવાલ હાલ દરેકને થઈ રહ્યો છે ત્યારે એક નવું આશાનું કિરણ જાગ્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ જયંશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે ટેલિફોનિક વાત કરી છે. વિદેશમંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં કહ્યું કે બંને નેતાઓ વચ્ચે પરમાણુ સહયોગ, સંરક્ષણ, ઉર્જા, વેપાર પર ચર્ચા થઈ, આ ઉપરાંત ઘણા મુદ્દાઓ પર સંપર્કમાં રહેવાની પણ સહમતી સધાઈ છે.
ટ્રેડ ડીલ પર કોઈ નિર્ણય નહીં
બંને નેતાઓ વચ્ચેની વાતચીત એવા સમયે થઈ જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલ (વેપાર કરાર) પર ઘણા સમય બાદ પણ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળ્યાના થોડા દિવસો પછી બંને દેશોએ વેપાર અંગે વાટાઘાટો ફરી શરૂ કરી હતી.
ભારત પર કુલ 50 ટકા પ્રતિબંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે દ્વિપક્ષીય ટ્રેડ ડીલ (વેપાર કરાર)ને અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ જુલાઇમાં અમેરિકાએ ભારતીય માલ સામાન પર એક તરફી રીતે 25 ટકા ટેરિફ લગાવતા વાટાઘાટો અટકી ગઈ હતી.તે પછી ઓગસ્ટ 2025માં અમેરિકાએ રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર 25 ટકા ટેરિફ દંડ લગાવ્યો હતો જેથી ભારત પર કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો જે એશિયામાં સૌથી વધુ છે.
સકારાત્મક વાતચીત થઈ
ભારતમાં નવા અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે X પર પોસ્ટ કરી કહ્યું કે, 'માર્કો રુબિયો અને એસ જયશંકર વચ્ચે સકારાત્મક વાતચીત થઈ છે. બંને નેતાઓએ વેપાર વાટાઘાટો, મહત્વપૂર્ણ ખનીજો અને વેપાર કરાર અંગે આવતા મહિને યોજાનારી બેઠક અંગે પણ ચર્ચા કરી છે.
આ પણ વાંચો: ઈરાનમાં આંદોલનકારીઓને ટ્રમ્પનો મેસેજ, કહ્યું- 'તમારી મદદ રસ્તામાં છે, વિરોધ ચાલુ રાખો'


